નેશનલ

કુણાલ કામરાએ OLAના ગ્રાહકોનો અવાજ ઉઠાવ્યો, CEO ભાવિશ અગ્રવાલ રોષે ભરાયા

મુંબઈ: ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ(Ola electric Scooter)ના ગ્રાહકોની ફરિયાદ રહી છે કે કંપની તરફથી સર્વિસમાં વધુ સમય લાગે, એવામાં આ બાબતે ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ (Bhavish Aggarwal) અને કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) વચ્ચે દલીલો થઇ હતી. આજે કુણાલ કામરાએ તેમના ઓફિસીયલ X એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં ઓલા સર્વિસ સેન્ટર બહાર મોટી સંખ્યામાં EV સ્કૂટર્સ પાર્ક કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર દલીલો થઇ હતી.

કુણાલ કામરાએ લખ્યું કે, “ભારતીય ગ્રાહકો અવાજ કેમ નથી ઉઠાવતા? શું તેઓ આને લાયક છે? ટુ-વ્હીલર ઘણા દૈનિક વેતન કામદારોની જીવનરેખા છે… જે કોઈપણને ઓલા ઈલેક્ટ્રીક સાથે કોઈ સમસ્યા છે તે બધાને ટેગ કરીને નીચે તમારી સ્ટોરી પોસ્ટ કરો…”

એક યુઝરે લખ્યું હતું કે ઓલાની સર્વિસ બદ્તર છે, આ પોસ્ટના જવાબમાં કુણાલ કામરાએ લખ્યું કે, તેનાથી ખરાબ વાત એ છે કે લીડર પાસે કોઈ જવાબ નથી.

જો કે તેમની પોસ્ટથી ભાવિશ અગ્રવાલ નારાજ થયા, તેમણે લખ્યું કે કુણાલ કામરા તમને ખુબ ચિંતા છે તો આવો અને અમારી મદદ કરો! હું આ પેઇડ ટ્વીટ માટે અથવા તમારી નિષ્ફળ કોમેડી કારકિર્દીમાંથી જે કમાણી કરી તેના કરતાં પણ વધુ ચૂકવીશ અથવા તો શાંત બેસીને અમને વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા દો. અમે સર્વિસ નેટવર્કનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યા છીએ અને બેકલોગ્સ ટૂંક સમયમાં ક્લીયર થઈ જશે.

ત્યારબાદ કુણાલ કામરાએ ભાવિશ અગ્રવાલની પોસ્ટનો જવાબ આપ્યો અને કહ્યું કે ” પેઈડ ટ્વીટ, નિષ્ફળ કોમેડી કારકિર્દી, હવે શાંતિથી બેસો. આ છે ભારતીય ઉદ્યોગપતિની નમ્રતા… જો તમે સાબિત કરી શકો કે મને આ ટ્વિટ માટે ચૂકવણી કરવામાં આવી છે, તો હું મારા તમામ સોશિયલ મીડિયા ડિલીટ કરી દઈશ અને કાયમ માટે શાંતિથી બેસી જઈશ.”

તેણે ગયા વર્ષે તેના સ્ટેન્ડઅપ એક્ટની ક્લિપ પણ ટેગ કરી હતી. તેણે લખ્યું કે “મારી નિષ્ફળ કોમેડી કારકિર્દી પર અહીં ગયા વર્ષની એક ક્લિપ રાખી છે છે જ્યારે મેં પ્રેક્ષકોને સરપ્રાઈઝ આપી… બીજું કંઈ! એરોગંટ, પ્રિક”

તેમના ટ્વિટનો જવાબ આપતા, ભાવીશી અગ્રવાલે ફરીથી કામરાને ઓલા સર્વિસ સેન્ટરમાં આવવા કહ્યું. તેમણે કહ્યું કે “ચોટ લગી? દર્દ હુઆ? આજા સર્વિસ સેન્ટર. બહુ કામ છે. હું તમારા ફ્લોપ શો તમને જે રૂપિયા આપે છે તેના કરતાં વધુ સારી ચૂકવણી કરીશ. તમારા દર્શકોને બતાવો કે તમે ખરેખર કેટલી ચિંતા કરો છો અને શું તમે માત્ર પોકળ છો?”

જવાબમાં કામરાએ લખ્યું કે “મને તમારા પૈસાની જરૂર નથી. જે લોકો તેમના કાર્યસ્થળે પહોંચી શકતા નથી તેઓને તમારી જવાબદારીની જરૂર છે. તમારા ગ્રાહકોને બતાવો કે તમે ખરેખર કાળજી લો છો.”

ઓલા ઈલેક્ટ્રીકનું વર્ચસ્વ ઘટી રહ્યું છે?
ઓલા ઈલેક્ટ્રીકનું આ વર્ષે સપ્ટેમ્બરમાં સૌથી નીચું માસિક વેચાણ નોંધાયું હતું. સર્વિસિંગ નેટવર્ક પડકારોને કારણે ઓલાનું વર્ચસ્વ ઘટ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button