ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

હેં… ખરેખર?! ઃ દેશપ્રેમી ગામ ‘ગહમર’માં ઘેરઘેર છે એક સૈનિક

-પ્રફુલ શાહ

ભારતના મોટાભાગના ગામોનો સંપૂર્ણ આધાર વરસાદ પર આધારિત ખેતી, વાડી અને પશુપાલન કે છૂટક મજૂરી પર હોય છે આ કારણોસર જ ગ્રામીણ વિસ્તારોના આર્થિક વિકાસ અને પ્રગતિ એકદમ મંથર ગતિએ થતા હોય છે કા સાવ નથી થતા હોતા!

જો કે આમાં એક અપવાદરૂપ ગામ છે ગહમર. ઉત્તર પ્રદેશનાં ગાજીપુર જિલ્લાના આ ગામની ત્રણ વિશિષ્ટતા છે. એક એની વસતિ, જે એક લાખ વીસ હજાર જેટલી છે. આને લીધે એ ભારતનું જ નહીં પણ એશિયા ખંડનું સૌથી મોટું ગામ ગણાય છે. આ બિરુદ ભવિષ્યમાં કદાચ કોઈ ગામ છિનવી શકે. બીજી ખાસિયત છે ઐતિહાસિક ગાજીપુર જિલ્લા મુખ્યાલયથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલા આ ગામની સ્થાપના ઈ.સ. ૧૫૩૦માં કુસુમદેવ રાવે કરી હતી. ત્યારે આ સ્થળનું નામ સકરાડીહ હતું! ત્રીજી અને સૌથી વધુ મહત્ત્વની સિદ્ધિની અહીં વાત કરવી છે. આ ગામની જમીન, હવા અને માટીમાં દેશપ્રેમ, દેશદાઝ મહેકે છે. અહીંના દરેક ઘરમાં ઓછામાં ઓછા એક સભ્ય લશ્કરમાં કાર્યરત છે. ગંગા નદીના તટ પર વસેલા ગહમરમાં એક શિલાલેખ પર ગામના સૈનિકોની વીરતા અને મહાન બલિદાનોની નોંધ કરાયેલી છે. આજે બાર હજાર ગહમરવાસીઓ લશ્કરમાં… કર્નલથી લઈને જાંબાઝ સૈનિક તરીકે ટટ્ટાર ઊભા છે.

ગહમરમાં જ્યાં જુઓ ત્યાં દેશદાઝ દેખાય. બાર હજાર માણસો લશ્કરમાં કાર્યરત છે. તો વીસ હજાર નિવૃત્ત સૈનિકો છે. આ સિવાય નદીના તટ પર, બગીચામાં, ગલીમાં અને પોળના નાકે લશ્કરમાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હણહણતા તોખારો નજરે ચડે છે. આટ આટલું કરે છે કે છતાં રીલ્સ બનાવવાનો મોહ નહીં, બોલો.

ગહમરમાં સૈનિક બનવું એ વંશપરંપરાગત જીવન-શૈલી છે. એવી માન્યતા છે કે પહેલા વિશ્ર્વ-યુદ્ધ સમયથી લશ્કરમાં જોડાવાની પ્રથા શરૂ થઈ. એ સમયે ગહમરના ૨૨૬ જણાં બ્રિટિશ લશ્કરમાં જોડાયા હતા અને એમાંથી ૨૧ યુદ્ધમાં ખપી ગયા હતા.

અને ભારતીય સૈન્યમાં પણ તેઓ ગર્વભેર સક્રિય રહ્યાં છે. ૧૯૬૨ હોય, ૧૯૬૫ હોય કે ૧૯૭૧ હોય, દરેક યુદ્ધમાં તેમણે હિમ્મતભેર મોરચા સંભાળ્યા છે… પરંતુ આટલો લાંબો સમય લશ્કરમાં રહેવા અને યુદ્ધમાં સામેલ થવા છતાં કોઈ ગહમરવાસીને દુશ્મન હાનિ પહોંચાડી શક્યો નથી. આ અનન્ય સિદ્ધિ ગણાય કે નહીં? ગહમરવાસીઓ લશ્કરમાં પોતાની બહાદુરી અને સલામતીનું શ્રેય કુળદેવી કામખ્યામાને આપે છે. ગહમરમાં કામખ્યાદેવીનું મંદિર પણ છે, જે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારના ભક્તોનું આસ્થા સ્થાન છે.

તથા કથિત આધુનિકતા, વિકાસ, પ્રગતિ અને શહેરીકરણ છતાં ગહમરમાં એક-એક યુવાન અને યુવતીને સૈન્યમાં જોડાવાની વંશપરંપરાગત શૈલીને આગળ વધારવામાં જોશ છે, ઉત્સાહ છે. ઉતાવળ છે. મોટાભાગના કુટુંબોમાં દાદા-દાદી કે નાના-નાની નિર્દોષ બાબુડાઓને લશ્કરની વાતો કરે, થોડા મોટા થાય એટલે સફળતાપૂર્વક લશ્કરમાં જોડાવાની યોજના વિચારે-સમજાવે. જ્યાં એક-એક ઘરમાં સૈનિકોના ફોટા, ગણવેશ અને ચંદ્રક હોય ત્યાં બીજું શું થઈ શકે. ગહમરવાસીઓ ચોમેર સોશિયલ મીડિયા, મોલ અને કલબ કલ્ચરના દબદબા વચ્ચેય પોતાની ઐતિહાસિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક વારસા અને શહેરીકરણના ઘોંઘાટથી એક શાંત વાતાવરણમાં જીવવાનું અને દેશને ઉપયોગી થવાને જ ધ્યેય માનીને જીવે છે.

ગહમરની ધરતી, આકાશ, વૃક્ષ-છોડ અને પશુ-પંખી જાણે કોરસમાં એક જ ગાતા હશે ને?

હર કરમ અપના કરેંગે,
એય વતન તેરે લિયે.
દિલ દિયા હૈ,

જાન ભી દેંગે,
એય વતન તેરે લિયે.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker