માણસને જ્યારે ખેતીવાડી પણ ખાસ આવડતી ન હતી ત્યારે એને કૂતરા પાળતા આવડી ગયેલું. પંદર-વીસ હજાર વર્ષથી માણસના બેસ્ટ ફ્રેન્ડ રહેલા કૂતરાઓ વફાદારીનો પર્યાય બની ગયા. માણસો ઉપર કટાક્ષ કરવા માટે ‘માણસો કરતાં તો કૂતરા સારા’ જેવો એક અન્ડરકરંટ ખ્યાલ માનવજાત સેવે છે. વળી સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મ એટલે કે ખાસ કરીને માયથોલોજીમાં તો કૂતરાનું અદકેરું સ્થાન છે.
ચાઇનીઝ એસ્ટ્રોલોજીમાં જે બાર પ્રાણીઓને સન્માન મળ્યું છે એમાંથી એક કૂતરો છે. આઝતેક અને યુરોપિયન માયથોલોજીમાં કૂતરાને બહુ મહત્વ અપાયું છે. ખ્રિસ્તી ધર્મમાં તો કૂતરાને અલગ જ સ્થાન મળ્યું છે.
બારમી સદીમાં થઈ ગયેલા સેન્ટ ડોમિનિકની માતાને એવું સપનું આવેલું કે એના ગર્ભમાંથી એક કૂતરો બહાર નીકળ્યો, જેણે દુનિયાને આગ લગાડી દીધી. પ્રાગમાં સેન્ટ રોચનું એક પૂતળું છે, જેમાં એમની સાથે કૂતરું પણ છે. ઈસુ ખ્રિસ્તે લેઝારસની જે વાર્તા કહેલી એમાં કૂતરાઓ છે. પ્રાચીન ઇજિપ્શીયન સંસ્કૃતિમાં તો દેવતાને કૂતરાનું પૂતળું કે રમકડાં ઓફર કરવાની પ્રથા હતી. રોમન જાતિ તો કૂતરાને વિશેષ માન આપતા. હોમરના મહાકાવ્ય ઓડિસી’ નો મહાનાયક ઓડિસસ જ્યારે વીસ વર્ષ પછી ઘરે પરત ફરે ત્યારે
માત્ર એનો પાલતુ કૂતરો એને ઓળખી શકે છે. (બાય ધ વે, કૂતરાનું સરેરાશ આયુષ્ય પંદર વર્ષ).
આપણાં હિન્દુ ધર્મમાં તો કૂતરાને કેટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભૈરવનું વાહન કૂતરો છે એ બધા જાણે છે. યુધિષ્ઠિરના સ્વર્ગારોહણમાં પણ એની છેક સાથે રહેનારો એક શ્ર્વાન જ હતો, જે એવું કહેવાય છે કે ખુદ યમનું સ્વરૂપ હતો. યમરાજા પાસે નર્કના દ્વારની રખેવાળી કરતા ચાર આંખો ધરાવતા બે કૂતરા છે. નેપાળમાં તો દર વર્ષે કૂતરાની પૂજા થાય છે , જેથી ભૈરવને પ્રસન્ન કરી શકાય. વાલ્મીકિ રામાયણમાં રામે એક કૂતરાને ન્યાય આપેલો એવી કથા પણ આવે છે અને કેરળમાં લોર્ડ મુથપ્પન સાથે જોડાયેલા કૂતરાને પણ ઘણું સન્માન આપવામાં
આવે છે.
ટૂંકમાં આપણને ખબર છે કે માનવજાતે આખી દુનિયાના ઇતિહાસમાં કૂતરા પ્રત્યે ભરપૂર શ્રદ્ધા બતાવી છે.
તો… તો… તો… હવે આ કૂતરાની જાતિ માણસને શાંતિથી જીવવા કેમ
દેતી નથી? આપણે કૂતરાઓ માટે જો આટલું બધું કર્યું હોય તો કૂતરા આપણને કરડવા કેમ દોડે છે? આજે આતંકવાદની આ બીક ઓછી થઈ ગઈ છે , પણ કૂતરાની બીક એક એક શેરીએ ને એક એક રસ્તા પર છે.
આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી કે શેરીમાં રખડતાં કૂતરા દેશવ્યાપી સમસ્યા છે અને તેનાથી દર વર્ષે હજારોના જીવ જાય છે. આવા શ્ર્વાનના ભયથી લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હોય એવા દાખલા અનેક છે. સવારની કસરત કે સાંજનું વોકિંગ ફક્ત સ્ટ્રે
ડોગ્સ માટે થઈને ટાળતા લાખો લોકો છે, કારણકે સવાર-સાંજની વોક લેતા અનેકના જીવલેણ અકસ્માતનું કારણ પણ આ કૂતરા જ બન્યા છે !
દિલ્હીના પોશ વિસ્તાર ચાણક્યપુરીમાં નેહરુ પાર્ક આવેલો છે, જ્યાં દોડવા માટે કરોડોના ખર્ચે અઢી કિલોમીટરનો ટ્રેક છે. પાંચ વર્ષ પહેલાં અનેક લોકો ત્યાં ઊમટતાં. ત્યાં હવે ત્યાં માણસો જોવા મળતા નથી. કારણ? કૂતરાઓનો ભય. ટ્રેક તૈયાર કરવા આની પાછળ માવજતનો કરોડોનો ખર્ચ પાણીમાં…!
આવો સિનારિયો દેશમાં ઠેર ઠેર જોવાં મળે છે. આખે આખી રાત કૂતરાઓના ટોળા ઝઘડે રાખે, ભસે રાખે અને ત્યાંના રહેવાસીઓની ઊંઘ બગડે. મુંબઈના કાર્ટર રોડ પર આવેલા બે કિલોમીટરના ટ્રેક ઉપર માત્ર કૂતરાઓ દોડતા હોય છે.
‘ભસતા કૂતરા કરડે નહી’ આ કહેવત બનાવનારો માણસ દુનિયાનો સૌથી મોટો બેવકૂફ હતો અથવા તો સૌથી વધુ સ્માર્ટ હતો, જેની આ કહેવત થકી આખી દુનિયા બેવકૂફ બની ગઈ. ‘કૂતરાઓ કંઈ કરે નહી હો’ એવી સુફિયાણી સલાહ આપનારાઓ પેલા વીસ હજાર કુટુંબોની એક વખત મુલાકાત લે, જેના ઘરનું એક સભ્ય હડકવાથી મરી ગયું છે.
હજારો કરોડોની વેલ્યુએશન ધરાવતી કંપની ‘વાઘબકરી’ના યુવા માલિકનું
એક કૂતરાના કારણે અપમૃત્યુ થયું.
આવા તો અનેક નામી-અનામી લોકોના જીવન ‘માણસોના વફાદાર મિત્રને’ કારણે બરબાદ થઈ જાય છે. જેને કૂતરા માટે
પ્રેમ ઉભરાતો હોય એ શેરીના કૂતરા પોતાના ઘરમાં રાખે અને ખવડાવે-પીવડાવે, પછી એની સરનેમ ગાંધી હોય કે ગરેવાલ. માણસ રાતે મચ્છર સામે લડે, દિવસ દરમિયાન કૂતરા સાથે લડીને ઓફિસ પહોંચે અને ત્યાં બોસનો ત્રાસ સહન કરે અને વળતા ઘરે આવીને કુટુંબ-કબિલાની માથાકૂટો સહન કરે તો એ શાંતિનો શ્ર્વાસ લે ક્યારે?
‘માણસ જેટલું ખરાબ પ્રાણી કોઈ નહીં. સાહેબ’ આવાં સ્માર્ટ વાક્યો ડાયરામાં કે સ્ટેન્ડ અપ કોમેડી શોમાં કામમાં આવે બાકી એ વાસ્તવિકતા સ્વીકારવી પડે કે જેમ કબૂતર એક હિંસક અને ઘૂસણખોર પક્ષી છે એમ શેરીનું કુતરું પણ વફાદાર પ્રાણી નથી… જ નથી..!
Also Read –