ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

વિશેષ : ઘરમાં બનાવો મિનિ ગાર્ડન વેલથી આપો બાલ્કનીને નવો ઓપ

નિધિ શુક્લ
વધતાં પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસર પર્યાવરણ પર માઠી પડી છે. એથી વૃક્ષો ઉગાડવા અને છોડ વાવવાનો સંદેશ આપવામાં આવે છે. જોકે જગ્યાના અભાવને કારણે દરેક માટે એ કરવું શક્ય નથી. એથી અહીં અમે તમને ઘરમાં જ નાનકડું ગાર્ડન બનાવવાની ટિપ્સ આપીશું. માનવ વસ્તી વધતાં હરિયાળી જમીનનું સ્થાન હવે સીમેન્ટ-કોંક્રિટના જંગલે લઈ લીધું છે. એને કારણે લોકો પાસે હવે પૂરતી જગ્યા નથી. એથી એનો પર્યાય પણ લોકોએ શોધી કાઢ્યો છે. મોટાં શહેરોમાં લોકો પાસે એટલી જગ્યા નથી હોતી કે તેઓ નવા ઝાડ ઉગાડે. એથી લોકોએ મોટા બાગ-બગીચાના સ્થાને ઘરોને જ હરિયાળુ બનાવવાની વ્યવસ્થા શોધી લીધી છે. મોટાં શહેરોની સાથે જ નાનાં શહેરોના ફ્લેટમાં મોકળી જગ્યા ઓછી હોવાને કારણે લોકોે ઘરની એક-એક ઇંચનો ઉપયોગ કરવા માટે નવી આઇડિયાઝ લઈને આવે છે. નાના ફ્લેટમાં મોટી બાલ્કની નથી હોતી કે એમાં મોટા કૂંડા રાખી શકાય. એથી લોકોએ વર્ટિકલ પ્લાન્ટેશન કરીને ઘરના ડેકોરેશનમાં એક નવી સ્ટાઇલનો સમાવેશ કરી લીધો છે. એનાથી ઘરની સુંદરતા તો વધે જ છે, પરંતુ સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે.

આ જ કારણ છે કે ઘરના ઇન્ટીરિયરમાં એક નવો ટ્રેન્ડ જોડવામાં આવ્યો છે દીવાલો પર વેલ ઉગાડવાનો. એ સ્ટાઇલને લોકો પણ ઝડપથી અપનાવી રહ્યા છે. એનાં અંતર્ગત દીવાલો અને છતો પર પાઇપથી જોડાયેલા કૂંડાઓમાં છોડ રોપવામાં આવે છે. પહોળી પીવીસી પાઇપમાં પથ્થરની મદદથી મોટા કાણાં કરીને એમાં છોડ લગાવવામાં આવે છે. આ જ પાઇપ દ્વારા છોડને પાણી આપવામાં આવે છે. આ જ પ્રકારે વર્ટિકલ પ્લાન્ટેશનના માધ્યમથી નાના-નાના ફ્લાવર પૉટ, સ્ટીલથી બનેલા પૉટ, સદાબહાર છોડ, હેંગીંગ ટેરેસ અને સ્ટેન્ડબાયથી છોડ ઉગાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં હેંગિંગ અને વર્ટિકલ દીવાલો પર પ્લાન્ટેશન કરવામાં આવે છે. રંગ-બેરંગી છોડથી ઘરમાં હરિયાળી આવે છે, જે નયનરમ્ય લાગે છે.

આવી રીતે વર્ટિકલ ગાર્ડનને બાલ્કની, ઘરની દીવાલોમાં ક્યાંય પણ આપણી સગવડ અનુસાર લગાવી શકાય છે. દીવાલો પર વૂડન ફ્રેમિંગ કરાવીને ફર્ન અને મૉસના છોડ રોપી શકાય છે. દીવાલ પર સૂરજનો તડકો આવે એ પણ અગત્યનું છે. બાલ્કનીમાં નાની-નાની બાસ્કેટ લાવીને એને દીવાલ પર ફીટ કરી શકાય છે. વર્ટિકલ ગાર્ડનિંગમાં કિચનની દીવાલમાં પણ હર્બલ વર્ટિકલ ગાર્ડન બનાવી શકાય છે અને વિવિધ પ્રકારના હર્બ્સ ત્યાં ઉગાડી શકાય છે. હર્બલ પ્લાન્ટને વધુ તડકા કે પાણીની જરૂર નથી હોતી. ઘરની બાલ્કનીમાં વર્ટિકલ દીવાલ બનાવીને એના પર રંગબેરંગી ફૂલોની વેલ બનાવી શકાય છે. વેલ એવી લગાવવી જે ઓછા પાણી અને તડકામાં પણ સારી રીતે ખીલી શકે. આવા પ્રકારની વેલોથી દીવાલોને પણ કોઈ નુકસાન નથી થતું, કેમ કે એ ખૂબ હલકી હોય છે અને સરળતાથી પ્રસરે છે.

એવા ફૂલોની પસંદગી કરવી જેને ઓછું પાણી અને ઓછા તડકાની જરૂર હોય અને જે તમારી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પાંગરી શકે. છોડ પણ એવા હોવા જોઈએ, જેને સમાન માત્રામાં પાણીની જરૂર હોય અને એને એક જ જગ્યાએ રોપવા જોઈએ. એના માટે ડ્રિપ વૉટર સપ્લાય સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે, જેમાં છોડને એની જરૂર પ્રમાણે જ પાણી મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button