ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

મિજાજ મસ્તી : દેખ કે મુસ્કાન…. પહેચાન લો ઇન્સાન

-સંજય છેલ

ટાઇટલ્સ:
ખુશ થવાનાં ઇંજેક્શન નથી મળતાં. (છેલવાણી)
એક લેખક રાતે ફરિશ્તાની વાર્તા વાંચતાં વાંચતાં સૂઇ ગયો. અડધી રાતે લેખકે જાગીને જોયું તો શ્ર્વેત વસ્ત્રોમાં વાર્તાવાળો પેલો ફરિશ્તો સાચે જ સામે ઊભો હતો!

લેખકે પૂછ્યું, હે દિવ્ય પુરૂષ! આપ કોણ છો?

‘વત્સ, હું સાહિત્યનો ઇતિહાસ છું ને તમારા જેવી પ્રતિભાઓને અમર કરવા નીકળ્યો છું!’ ફરિશ્તો બોલ્યો.

લેખકે હાથ જોડીને પૂછ્યું, :
‘શું તમે મને ખરેખર અમર કરી શકશો?’

‘હા કલમવીર, એટલે જ તો આવ્યો છું!’ પછી ફરિશતાએ એક પોથી અને પેંસિલ આપીને કહ્યું.

‘જો, આમાં એ લોકોના નામ છે જે સાહિત્યમાં અમર થવા માગે છે. લે, આ પેંસિલથી તારું નામ એમાં લખી નાખ.’

લેખક બીજા અમર લેખકોનાં નામનું લિસ્ટ વાંચતા વાંચતા ઉદાસ થઇ ગયો ને પછી ભારે ગુસ્સે થઇને એણે ફરિશ્તાને પૂછ્યું: ‘તમારી પાસે રબર-ઈરેઝર છે?’

‘હા છે..પણ તમે પેંસિલ કે રબર બેમાંથી કોઇ એક જ ચીજ વાપરી શકો એવો નિયમ છે.’ લેખકે તરત જ કહ્યું: ‘ભલે, મને રબર જ આપો.’ ફરિશ્તાએ રબર આપ્યું. લેખકે એ યાદીમાંથી ૪-૫ લેખકોનાં નામ ભૂંસી નાખ્યાં! એ પછી ફરિશ્તો અદૃશ્ય થઇ ગયો ને લેખક શાંતિથી સૂઈ ગયો.

‘બીજે દિવસે ફરીથી ફરિશ્તો આવ્યો અને પેલી પોથી લેખકની સામે મૂકી. લેખકે જોયું કે એનું નામ તો એકમાત્ર યુગ-પ્રવર્તક લેખક’ તરીકે લિસ્ટમાં લખાયેલું છે! એણે ફરિશ્તાની સામે એક ઇર્ષ્યાળુ ને ઝેરીલું સ્માઇલ આપ્યું, જેમાં સેંકડો સાંપના ડંખ છૂપાયેલા હતા છે.

વ્યંગ-સમ્રાટ પરસાઇજીની આ કથા દ્વારા માણસની મનોવૃતિ છતી થાય છે સ્માઇલ દ્વારા… સ્માઇલ કે સ્મિત કે મુસ્કુરાહટ- ક્ષણમાં માણસની આખેખાખી કુંડળી ખોલી નાખે છે. જીવંત સ્મિત જગ જીતવાનો પાસવર્ડ છે. શેકસપિયરે લખેલું: ’ઘક્ષય ળફુ તળશહય, ફક્ષમ તળશહય, ફક્ષમ બય ફ દશહહફશક્ષ!’ અર્થાત્ સતત ખંધુ સ્મિત આપનાર આખરે વિલન પણ નીકળી શકે છે!

એર-હોસ્ટેસનું નકલી સ્માઇલ બજારૂ હોય છે, સેલ્સમેનનાં સ્માઇલમાં લાચારી હોય છે, પોલીસના સ્માઇલમાં પાવર છે, વેશ્યાનાં સ્માઇલમાં સતત આમંત્રણ હોય છે અમુક સ્માઇલ તો અમેરિકન વિઝા આપવા બેઠેલાં શક્કી ઓફિસર જેવા મીંઢા હોય છે, પણ બાળકના સ્માઇલમાં ૧૦૦% નિર્દોષતા છલકે છે.

વચ્ચ્ચે અમેરિકામાં સોફ્ટવેર શોધાયું હતું, જે માણસનું સ્માઇલ સાચું છે કે નહીં એ પારખી શકે! ચહેરાનું વિડિયો રેકોર્ડિંગ કરીને પછી સાચાં સ્માઇલ દરમિયાન ન કેટલા સ્નાયુઓ, કેવી રીતે હલે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. સાચાં સ્માઇલમાં ગાલ ને આંખની આસપાસના સ્નાયુ ઉપરની તરફ વંકાય છે. નકલી સ્માઇલમાં ગાલના સ્નાયુઓ વંકાય છે, પણ આંખોની આસપાસના સ્નાયુઓ ઝાઝા હલતા નથી ને નકલી સ્માઇલ પકડાઇ જાય છે! નોકરીના ઇંટરવ્યુમાં કે લગ્ન વિષયક મુલાકાતમાં વ્યક્તિની પરખ, અસલી-નકલી સ્માઇલ દ્વારા થઇ શકે, કારણ કે અસલી સ્માઇલ ચાચિત્ર્યનો આયનો છે. કોઇએ કહ્યું છે ‘જે પુરૂષ હસતી વખતે પણ ખૂબસૂરત ના દેખાય એનાં પર ભરોસો ના કરવો..!’

ઇંટરવલ:
યાર કે હંસતે હી મહેફિલ મેં જવાની છા ગઇ (ગુલશન બાવરા)
ગુરુદત્તની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’નાં શૂટિંગનાં પહેલે જ દિવસે દિલિપકુમારે અચાનક ફિલ્મ છોડી દીધેલી અને કારણ આપતાં કહ્યું કે ‘પ્યાસા’ પણ દેવદાસ જેવી ઉદાસ ફિલ્મ છે. આવી ૩-૪ કરૂણ ફિલ્મો કરીને ટ્રેજેડી-કિંગ દિલીપસાબ પોતાનું સ્માઇલ ખોઇ બેઠેલા ને એ જમાનામાં છેક લંડન જઇને માનસિક સારવાર કરાવવી પડેલી. ત્યારે મનોચિકિત્સકે એમને કહેલું: ‘હવે કરૂણ ફિલ્મો કરવાનું બંધ કરો. એ તમારા તન-મન પર, મૂડ પર, સ્માઇલ પર અસર કરે છે! ’ ફિલ્મસ્ટાર્સના સ્માઇલ પર તો પી.એચ.ડી. થઇ શકે એટલી ખૂબીઓ જોવા મળે છે. દેવ આનંદ જ્યારે કોઇ એન.આર.આઇ. ચાહકને ત્યાં મહેમાન બનીને ડિનર લેવા જતાં ત્યારે સૌ સમજી લેતા કે દેવ માત્ર પોતાનાં એક સ્માઇલથી આગામી ફિલ્મ માટે કરોડો રૂપિયાનું ફાઇનાન્સ વિના શરતે ઢસડી લાવશે! જગતભરનાં ફિલ્મ સ્ટાર્સની સફળતામાં સ્માઇલનો બહુ મોટો ભાગ હોય છે. ‘શાઇનિગ’ જેવી હોરર ફિલ્મમાં જેક નિકલસનનું શરારતી સ્માઇલ ધ્રુજાવી નાખે કે ‘માસ્ક’ ફિલ્મમાં જીમ કેરીનું મજાકિયું સ્માઇલ મોટા પડદા પર એક મેજિકની જેમ કામ કરે છે, કારણ કે સિનેમામાં માણસના છ-આઠ ઇંચનાં ચહેરાને તમે પડદાં પર ૬૦-૭૦ ઇંચનો બનતો જોઇ શકો છો. એક એક રેખા, એક એક હાવભાવ બધું જ ૧૦૦ ગણું થઇને વિશાળકાય દેખાય છે. પુસ્તકમાં ચહેરાનું વર્ણન કરવા લેખકોએ પાનાં ને પાનાંઓ ઘસડવા પડે છે, પણ સિનેમામાં હીરો-હીરોઇનનો એક ક્લોઝ-અપ એ જ કામ ૩-૪ સેકંડમાં કરી નાખે છે! રાજેશ ખન્ના કે શાહરૂખ-આમીર કે રણવીર કપૂરના એક સ્મિતથી જે કામ થઇ જાય છે એ નસીરૂદ્દીન કે નવાઝુદ્દિન જેવા સારાં કલાકારો નથી કરી શકતાં, કારણ કે એ બધાં એરંડિયું પીધેલ ચીર-ચિંતિત ચહેરા સાથે જનમ્યા છે.

નેહરૂ કે વાજપેઇનાં સ્માઇલમાં ચુંબકિય ચાર્મ હતો, બાકી ઘણાં નેતા પાવરફૂલ હશે, પણ એમની કરડી આંખો અને ડંખીલું સ્મિત (રશિયાના પુતિન !) સતત ઝેર ઓકે છે. કલાકાર માટે કે પબ્લિક લાઇફમાં કોઇપણ માટે સ્માઇલ જેવું કોઇ હાજર હથિયાર નથી. મોનાલિસાનું સ્માઇલ, જે બિકિની પહેરેલી સેક્સી ક્ધયા કરતાં વધુ માદક કેમ છે? એ હજૂ ય મનોવૈજ્ઞાનિકો માટે ઉખાણું જ છે. જો ખુશીની દેવી કોપાયમાન હોય ને તમારું સ્માઇલ નકલી નીકળે તો કૈફી આઝમીનો શેર: ‘તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો?

ક્યા ગમ હૈ જિસ કો છૂપા રહે હો?!’
તમારે આયના સામે ૧૦૮-વાર બોલવો.

એન્ડ-ટાઇટલ્સ:
આદમ: મારું સ્માઇલ ખોવાયું છે
ઈવ: હતું ક્યારે?

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button