ગાઝિયાબાદ: મોહમ્મદ પયંગબર (Prophet Muhammad) પર વાંધાજનક ટીપ્પણી કરવા બદલ યતિ નરસિમ્હાનંદ (Yati Narsinghanand) સામે એફઆઈઆર નોંધાયાના બે દિવસ બાદ શનિવારે યુપી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતાં. જો કે, અટકાયત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. એક અહેવાલ મુજબ તેના સહયોગીઓએ પણ કહ્યું કે તેમને ગાઝિયાબાદ(Ghaziabad)માં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
નરસિમ્હાનંદની ટીપ્પણીને કારણે ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં મુસ્લિમ સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે. તેઓ વાંધાજનક ટિપ્પણી કરતા હોય એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
યતિ નરસિંહાનંદ દાસના મંદિરના મુખ્ય પૂજારી છે. તેઓ મુસ્લિમ સમુદાયો વાંધાજનક ટિપ્પણી કરવા અને હેટ સ્પીચ આપવા માટે કુખ્યાત છે અને તેમની સામે ઘણા કેસ છે. તેમના નજીકના સહયોગી અને યતિ નરસિંહાનંદ સરસ્વતી ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી ઉદિતા ત્યાગીએ દાવો કર્યો હતો કે તેમની અટકાયત કરવામાં આવી છે.
વિધાનસભ્ય નંદ કિશોર ગુર્જરે એનકાઉન્ટરની માંગ કરી:
યતિ નરસિંહાનંદની ટીપ્પણીઓનો વિડીયો વાયરલ થયા બાદ શુક્રવારે રાત્રે ગાઝિયાબાદના દશના દેવી મંદિરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસે ભીડને વિખેરી નાખી અને મંદિરની બહાર સુરક્ષા વધારી દીધી હતીન.
દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નંદ કિશોર ગુર્જરે આરોપ લગાવ્યો કે શુક્રવારે નરસિમ્હાનંદના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને જવાબદારોને એન્કાઉન્ટરમાં ઠાર કરવા જોઈએ. પોલીસે મંદિર પર કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. ગાઝિયાબાદના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે કેટલાક યુવકોએ મંદિર પરિસરની બહાર હોબાળો મચાવ્યો હતો. મંદિર સંસ્થાએ સ્થાનિક પોલીસને મામલાની જાણ કરી અને પરિસ્થિતિ કાબૂમાં આવી.
શનિવારે દાસના મંદિરે ગયેલા નંદ કિશોર ગુર્જરે કહ્યું કે પોલીસે રાત્રે લાઠીચાર્જ કરવાનું નાટક કર્યું હતું, પરંતુ રાત્રે 10-20 લોકોને ગોળી મારીને એન્કાઉન્ટર કરવું જોઈતું હતું. આ હુમલો સમગ્ર હિન્દુત્વ પર છે.
મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ ફરિયાદ નોંધાઈ:
અનેક રાજ્યોમાં પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી શનિવારે હૈદરાબાદના પોલીસ કમિશનર સી વી આનંદને મળ્યા અને નરસિંહાનંદ સામે ફોજદારી કેસની માંગણી કરી. બાદમાં તેલંગાણા પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી હતી. મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં પણ નરસિંહાનંદ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
પહેલા પણ યતિ નરસિમ્હાનંદ આપી ચુક્યા છે ઉશ્કેરણીજનક નિવેદન:
આ પહેલીવાર નથી જ્યારે યતિ નરસિમ્હાનંદે આવી ટિપ્પણી કરી હોય. આ પહેલા વર્ષ 2021માં તેણે હરિદ્વારમાં ધર્મ સંસદમાં પણ નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં જામીન પર હોવા છતાં તે દિલ્હીમાં મહાપંચાયત કરી હતી અને પછી આવી જ ટિપ્પણી કરી હતી.