ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૮

યે ધરતી કો સર પે લે લુંગા… યે આસમાન પૈરો તલે રખ દુંગા. મૈં ખડા હું વહાં… એક અલગ જહાં બનાઉંગા.’ અભિએ એક આગવી છટા સાથે સંવાદ પુરો કર્યો.

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ

અભિ ફોન પતાવીને પાછો ફર્યો ત્યારે સીમા એની રાહ જોતી બેઠી હતી.

મામાજીનો ફોન હતો… બસ એમ જ ખબર પૂછવા માટે. હું નીકળું છું.. ચૌબેજીના નાટકનું રીર્હસલ છે…..પછી સાંજે અશોક ટંડન અને અકબર પીઆરને મળવું છે… બહુ કામ છે…. કામ શોધવું પડશે.’
માણસના મુંઝવણભર્યા અને અસંબદ્ધ બબડાટના છેલ્લા વાક્યમાંથી સચ્ચાઇ સરી પડતી હોય છે. સીમાના ધ્યાનમાં આવ્યું ખરું, પણ એને લાગ્યું કે અભિ અગાઉની છેડેલી વાત ઉડાવી દેવા માગે છે.

‘અચ્છા, તમારી વચ્ચે થયેલી અલકમલકની વાતો મને નથી કહેવી એટલે તને બહુબધા કામ યાદ આવી ગયાને.’ સીમા સહજ રીતે બોલી.

‘ના..ના… એવું કાંઇ નથી. આજે હું રીર્હસલમાં મોડો પહોંચીશ તો બહુ મોડું થઇ જશે.’ સીમા અભિના બોલવાનો કદાચ મર્મ સમજી નહીં શકી.

ચા, નાસ્તો કરીને જાજે’ સીમા બોલીને નીકળી ગઇ.


એકટર્સ અડ્ડા પર સૌથી પહેલો પહોંચીને અભિ લખવામાં વ્યસ્ત હતો. રીર્હસલ શરૂ થવાને હજી વાર હતી. સમય કરતા કાયમ વહેલી પહોંચી જતી શીલાએ એને જોઇને આશ્ચર્ય વ્યક્ત ન કર્યું.

‘મૈં ડિસ્ટર્બ કરું.?’ શીલાએ પૂછ્યું.

‘ઓલરેડી કર દિયા.’ અભિએ ડાયરી બગલ થેલામાં નાખતા કહ્યું.

‘તૂમ લિખના બંધ મત કરો..મૈં ચૂપ બૈઠુંગી.’
‘ખૂબસૂરતી કે સામને બૈઠ કર મૈં બદસૂરતી લિખ નહીં પાઉંગા.’ અભિ બોલ્યો ને શીલા એની સામે વિસ્ફારિત આંખે જોતી રહી. અભિએ પોતાને ખૂબસૂરત કહી એના કરતા વધુ આશ્ર્ચર્ય એને બદસૂરત લખાણ વિશે થયું.

‘બદસૂરત લિખાઇ… યે ક્યા હોતી હૈ.?’
‘સમાજ કા…. અપને આસપાસ કા બદસૂરત ચહેરા…. ધ ડાર્ક સાઇડ ઓફ અવર સોસાયટી.’

‘ક્યા ઝરૂરત હૈ દુનિયા કે સામને બદસૂરતી લાને કી….?’ શીલાએ કહ્યું.

‘ચૌબેજી કા પ્લે અંતહીન અંત’ ડાર્ક સાઇડ હી દિખા રહા હૈ… તુમને ચૌબેજી કો તો યે સવાલ કભી નહીં કિયા. ઔર તુમ ઉસ મેં મેઇન રોલ કર રહી હો.’

‘ક્યું કી મુઝે તીન સાલ મેં પહેલી બાર મેઇન રોલ મિલા હૈ…’ શીલા બોલી.

‘તુમ્હે તીન સાલ બાદ પહેલીબાર મેઇન રોલ મિલા તો મુઝે કિતને સાલ લગ જાયેંગે..’ અભિએ કહ્યું.

‘સર આ ગયે…’ શીલા બોલીને ઊભી થઇ ગઇ. એની પાછળ અભિ પણ ગયો.

‘આ ગયે સારી મુશ્કેલિયાં.. તકલીફો કો સમંદર મેં ફેંક કર…?’ ચૌબેજીએ પૂછ્યું.

‘જી સર, અબ પુરા દિલ લગા કર કામ કરુંગા.’ અભિ બે હાથ જોડીને ઊભો રહ્યો.

‘ચલો અંદર આઓ…’ ત્રણેય અંદર ગયા. એક પછી એક બધા કલાકારો આવતા ગયા. રીર્હસલ શરૂ કરવા માટે ચૌબેજીના આદેશની રાહ જોવાતી હતી.

‘રિયાઝ…શીલા કલ વાલા સીન ફિર સે કરો..’

છેલ્લા બે-ત્રણ દિવસથી પોતાના સંવાદો બરોબર બોલી નહીં શકતો રિયાઝ સ્ટેજ પર ગયો ને સંવાદ બોલવાનું શરૂ કરતા જ ફરી ભૂલ કરી બેઠો..

‘રિયાઝ, આજ તીસરા દિન હૈ…. ના તુમ્હે ડાયલોગ્ઝ યાદ હૈ… ના કોઇ ફિલિંગ્સ હૈ…’ ચૌબેજીના ચહેરા પર ફ્રસ્ટ્રેશન હતું. ગુસ્સાભરી આંખે આસપાસ…. ઉપર નીચે જોવા લાગ્યા. એમનું ધ્યાન અભિ પર ગયું.
‘અભિ, તુમ આઓ… તુમ કર કે દિખાઓ…’ એમણે ફરમાન કરતા હોય એવા અંદાજમાં કહ્યું. અભિ હતપ્રભ બનીને જોતો રહ્યો.

‘ચલો, યે સ્ક્રીપ્ટ પકડો…. ડાયલોગ બોલો.’ ચૌબેજી કડક માસ્તરની જેમ બોલ્યા. અભિ ચૌબેજી પાસે જઇને બોલ્યો: ‘સર, મુઝે ડાયલોગ્ઝ યાદ હૈ.’ ચૌબેજીએ શરૂ કરવાનો ઇશારો કર્યો.

રંગમંચને નમન કરીને અભિએ બોલવાનું શરૂ કર્યું.

યે ધરતી કો સર પે લે લુંગા… યે આસમાન પૈરો તલે રખ દુંગા…

મૈં ખડા હું વહાં… મૈં ખડા હું વહાં… એક અલગ જહાં બનાઉંગા..

તૂ ચાહે લાખ કોશિશ કર ડૂબાને કી…. તૂ ચાહે લાખ કોશિશ કર ડૂબાને કી… મૈં કશ્તી કો કિનારે લગા દુંગા….

તૂ દુનિયા કો નચા અપની ઉંગલિંયો પે….. તૂ દુનિયા કો નચા અપની ઉંગલિંયો પે..તુઝે મૈં અપની ઉંગલિંયો પે નચાઉંગા….

‘યે ધરતી કો સર પે લે લુંગા… યે આસમાન પૈરો તલે રખ દુંગા…’

અભિએ એક આગવી છટા સાથે સંવાદ પુરો કર્યો…. એક સન્નાટો પ્રસરી ગયો. બધા ચૌબેજીના હાવભાવ જોતા હતા, જ્યારે શીલા ખુશી છલકતી આંખે અભિને જોતી રહી ગઇ. અભિ માત્ર ગોખેલો સંવાદ બોલી નહોતો ગયો… પુરેપુરો ઓતપ્રોત થઇને… પ્રત્યેક શબ્દના ભાવને આત્મસાત કરીને… આરોહ અવરોહ અને અભિનય સાથે બોલ્યો.

‘અભિ, તુમ… તુમ યે રોલ કરોગે….’ ચૌબેજીએ ચાણક્યની અદામાં અભિની સામે પોતાની તર્જની તાકતા કહ્યું. બધાના ચહેરા પર ખુશી હતી. અભિ દોડતો જઇને ચૌબેજીને પગે લાગ્યો. ખેલદિલ રિયાઝના ચહેરા પર કોઇ રંજ નહતો.

‘અભિ, કોન્ગ્રેચ્યુલેશન…… યુ ડિઝર્વ ઇટ.’ એણે અભિને ભેટીને કહ્યું.

‘અભિ ઔર શીલા..ચલો રીર્હસલ શુરુ કરતે હૈ…’ શીલા અભિની સામે ઊભી રહેતાં બોલી: આઇ એમ સો હેપ્પી… મૈં એક મંઝે હુએ કલાકાર કે સાથ કામ કરુંગી.’

મૈં ભી તો સિખુંગા તુમ સે… અભિએ સ્માઇલ આપતા કહ્યું.


અભિ રંગમંચની રૂપકડી દુનિયામાંથી નીકળીને નાઝ કમ્પાઉન્ડના ઝાકઝમાળવાળા ફિલ્મી વિશ્વમાં પહોંચ્યો ત્યારે એના દિમાગમાં મામાજીએ કહેલા શબ્દો કોહરામ મચાવી રહ્યા હતા. એના મનમાં ચૌબેજીએ આપેલી મુખ્ય ભૂમિકાની ખુશીને સ્થાને આવતી કાલે લાગનારી ભૂખની ભવાઇ નાચતી હતી. આવતીકાલ..આવતીકાલની ચિંતા એને આજનો આનંદ લૂટાવતા અવરોધતી હતી. કામ શોધવું પડશે…. નોકરી કરવી પડશે તો જ ટકી શકાશે. નાટકમાંથી કમાણી નહીં થાય… ફિલ્મો દૂરની વાત છે…. અને નોકરી કરું તો કદાચ ફિલ્મો માટે સંઘર્ષ કરવાનો સમય નહીં. ટંડનને કહું તો કદાચ કાંઇ કરે….. ના, બહુ મોટા માણસને નાના કામ માટે તકલીફ ન અપાય…. અકબર પીઆર….. આ માણસ ખરા અર્થમાં ફિક્સર છે…. ગોઠવી દેવામાં માહેર છે. એણે ચૌબેજી પાસે મોકલ્યો તો રોલ મળી ગયો… કદાચ એને પેટ છુટી વાત કરું તો રસ્તો કાઢી આપે. અકબર પીઆરની ઓફિસમાં પગ મુકતા સુધીમાં અભિએ આવું ઘણુંબધું વિચારી લીધું હતું.

‘એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ આપવા છે. બોલો પહેલા કયા આપું.?’ અકબર પીઆરની સામે બેસતા જ અભિએ કહ્યું.

‘ભાઇ, આપણે તો સારા સમાચારમાં જ પહેલા રસ પડે..પહેલા ગુડ ન્યૂઝ.’

‘મને ચૌબેજીના નાટકમાં મુખ્ય ભૂમિકા મળી.’

‘મારા હાથમાં જશની ઘાટ્ટી રેખા છે…’ અકબર પીઆરે હથેળી ખોલી અને તરત જ મુઠી વાળી લેતા કહ્યું….’ હવે બેડ ન્યૂઝ આપ.’

‘મામાએ મને દર મહિને પૈસા મોકવાની ના પાડી દીધી. મને કામ અપાવો… એક એવું કામ જેમાં પૈસા અને સ્ટ્રગલ કરવાનો ટાઇમ મળે.

‘મને તમારી જશની રેખા પર વિશ્ર્વાસ બેસી ગયો છે.’ અભિના શબ્દોમાં વિનંતીની સાથે ખુશામતખોરી પણ હતી.

‘જોવા દે મને કે આ ફકીર તારા માટે શું કરી શકે છે.’ અકબર પીઆર દરગાહની બહાર બેઠેલા કોઇ ફકીરની અદામાં બોલ્યો. અભિ આશાભરી નજરે અકબર પીઆરને જોઇ રહ્યો.


અભિ રૂમ પર પહોંચ્યો ત્યારે એના આશ્ર્ચર્યની સીમા ન રહી. ઘર એકદમ સ્વચ્છ હતું. બધું વ્યવસ્થિત ગોઠવેલું હતું. હેન્ગરમાં લટકતાં કપડાંની ગડી કરીને મૂકાઇ હતી. ચાદર સંકેલીને રખાઇ હતી. પથારીમાં એક પણ સળ નહતી. અભિની નજર ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર પડી. એણે કુતૂહલવશ ચિઠ્ઠી ઉપાડીને વાચી: ‘તારી એક ચાવી મારી પાસે પણ છે.’

વાંચીને અભિએ ફરી એકવાર રૂમમાં બધે નજર ફેરવી. એક સ્ત્રી ઘરમાં હોય તો કેટલો ફરક પડે. મનમાં બોલીને એ પથારીમાં આડો પડ્યો…. ચાદર ચોળાઇ ન જાયે એની તકેદારી સાથે.


બસ્તા શેઠે ચંદનને અરજન્ટ બોલાવતા એ મારતી ટેક્સીએ પહોંચી ગયો.

‘શું થયું શેઠ.?’ ચંદને બેસતાની સાથે પૂછ્યું.

‘તુ ગૂમ થઇ જા….’ બસ્તા શેઠે કહ્યું.

‘સમજ્યો નહીં શેઠ.’

‘તારા પર પોલીસની તવાઇ આવે એમ છે. છેલ્લે તેં જેને રૂમમાં રાખેલો એનું પગેરું કાઢતી પોલીસ મુંબઈમાં આવી પહોંચી છે… તારા ઘર સુધી જાય તે પહેલાં તું નીકળી જા. તારો બંદોબસ્ત મેં કરી દીધો છે. જામખંભાળિયામાં અભેસંગભાઇના ડેલામાં છુપાઇને રહે ને હું કહું પછી જ પાછો આવજે.’

‘શેઠ ટેક્સીનું શું કરશું.?’ ચંદને પૂ્છ્યું. બસ્તા શેઠે પોતાના એક ખાસ માણસને બોલાવીને ટેક્સી સોંપી દીધી.

‘ભાંડુપના ગેરેજમાં મુકાવી દે.’

જી શેઠ…. એનો માણસ ગયો કે તરત જ શેઠે ચંદનના હાથમાં રૂપિયાની થપ્પી મુકીને વિદાય કર્યો.


‘સીમા, હું અરજન્ટ કામે બહારગામ જાઉં છું. કોઇ પૂછે તો બહારગામ કામે ગયો છું એટલું જ કહેવાનું.’ ચંદને ઘરે જઇને કહ્યું.

‘એવું કયું અરજન્ટ કામ છે… ક્યાં જાય છે ને પાછો ક્યારે આવીશ.?’ સીમાએ શંકા અને ચિંતાની સાથે સવાલોની જડી વરસાવી.

‘હું ફોન કરીશ…. અને આ લે થોડા રૂપિયા રાખ.’ ચંદને સીમાનું મોઢું બંધ કરવા રૂપિયા સીમાના હાથમાં મૂક્યા. સીમા ઘડીક ચંદનને તો ઘડીક રૂપિયાને જોતી રહી.

‘ચંદન, બધું બરોબર તો છેને….?’ એણે પૂછ્યું.

‘એકદમ બરોબર છે બધું… તું ચિંતા ન કર… થોડું કામ છે પતાવીને આવું.’


સવારે ઉઠીને અભિએ જોયું…. સીમાએ ચાના કપ સાથે ટહુકો કર્યો નહીં.

અભિ એને નાટકના રોલની વાત કરીને ખુશ કરવા ઇચ્છતો હતો. એને મામાજી વાળી હકીકતથી વાકેફ કરવુંય જરૂરી હતું. ચંદન ઘરે હશે એટલે….. કદાચ કામમાં હશે. એ ઝડપથી તૈયાર થઇને ખુશખબર આપવા સીમાના ઘરે ગયો.

સીમા ઉદાસ બેઠી હતી. ઉતરેલો ચહેરો… આંખોની પાંપણે અટકેલા આંસુ… વિખરાયેલા વાળ.

‘સીમા, શું થયું.?’ અભિએ પૂછ્યું.

‘અભિ, ચંદન ગઇ રાતે અરજન્ટ કામે બહારગામ જાઉં છું કહીને ગયો. ક્યાં જાય છે… કેટલા દિવસ માટે જાય છે….. ક્યારે પાછો આવશે… કાંઇ કરતા કાંઇ કહ્યા વિના ગયો છે. અભિ મને બહુ ડર લાગે છે.

મને લાગે છે, ચંદન મારાથી કાંઇક છૂપાવે છે.’ સીમાએ સાડીના છેડાથી આંસુ લૂછ્યાં. અભિને ચંદનના પલાયન થવાના કારણનો અણસાર આવી ગયો.

‘એનો ઇરાદો છુપાવવાનો નહીં હોય… ઉતાવળમાં હશે.. જતી વખતે કહેવું યોગ્ય નહીં લાગ્યું હોય’ અભિએ અકારણ… સકારણ ચંદનનો બચાવ કર્યો.

‘અભિ, મને એના દોસ્તારો પર શંકા જાય છે… કોણ છે એ લોકો…? ક્યાંથી આવે છે, ક્યાં જાય છે.? તું જેને છેલ્લે મળેલો એ કોણ હતો.?’ (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત