બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલ કેમ હાર્દિક પર ગુસ્સે થયો?
ગ્વાલિયર: મર્યાદિત ઓવર્સ માટેની ભારતીય ટીમ રવિવારથી ફરી મેદાન પર આવી રહી છે એટલે પેસ બોલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી સક્રિય થઈ રહ્યો છે. જોકે એક અહેવાલ મુજબ નવા બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલની તેની સાથે થોડી ખટપટ થઈ હતી.
રોહિત શર્માના સુકાનમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ 2-0થી જીત્યા બાદ ભારત હવે સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં રવિવારે બાંગ્લાદેશ સામે ગ્વાલિયરમાં પ્રથમ ટી-20 રમશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ટ્રોફી અપાવવામાં હાર્દિકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં હાર્દિકના બૉલમાં ડેવિડ મિલર બાઉન્ડરી લાઇનની લગોલગ સૂર્યકુમારના હાથમાં કૅચઆઉટ થયો હતો. સૂર્યાએ આર-પાર જઈને તેનો કૅચ પકડી લીધો હતો.
તાજેતરમાં હાર્દિક પંડ્યાએ રેડ બૉલથી પ્રૅક્ટિસ કરી ત્યારે એવી વાતો વહેતી થઈ હતી કે તે ટેસ્ટ-ક્રિકેટમાં કદાચ પાછો આવી રહ્યો છે. જોકે ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે સ્પષ્ટતા કરી હતી કે વ્હાઇટ બૉલનો સ્ટૉક નહોતો આવ્યો એટલે હાર્દિકે લાલ બૉલથી પ્રૅક્ટિસ કરવી પડી હતી.
દરમ્યાન ગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20 પહેલાં હાર્દિકે પ્રૅક્ટિસ સેશનમાં અથાક મહેનત કરી હતી, પરંતુ કહેવાય છે કે મૉર્ની મૉર્કલ તેની બોલિંગથી પૂર્ણપણે સંતુષ્ટ નહોતો. મૉર્કલ ખાસ કરીને તેને બૉલ રિલીઝ કરતી વખતે થોડું ઍડજસ્ટમેન્ટ કરવાની સતત સલાહ આપ્યા કરતો હતો. એક અખબારી અહેવાલ અનુસાર ‘નાખુશ’ મૉર્કલે આ બાબતમાં હાર્દિક સાથે લાંબી ચર્ચા કરી હતી.
હાર્દિક સાથેની ચર્ચા પૂરી કરીને મૉર્કલ બાકીના બોલર્સ સાથે જોડાયો હતો અને તેમને પણ સલાહ-સૂચનો આપ્યા હતા.