રાજધાની દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. આજે સવારે EDએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. આખો દિવસ પૂછપરછ કર્યા બાદ હવે એક મોટું પગલું ભરતા EDના અધિકારીઓએ સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે.
શરાબ નીતિ કૌભાંડમાં મોટાપાયે પૈસાની ગેરકાયદે હેરાફેરીની આશંકામાં EDએ તપાસ હાથ ધરી છે. EDએ આ કેસમાં ગત મહિને જ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં AAP નેતા સંજય સિંહનું પણ નામ હતું.
સંજય સિંહ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. તેમની ધરપકડ સામે આમ આદમી પાર્ટી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેમને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ જ કૌભાંડમાં ED અને સીબીઆઇ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી ચુકી છે.
દિલ્હી સીએમ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે ચૂંટણી આવતા જ ED, CBI, આવકવેરા વિભાગ જેવી સરકારી એજન્સીઓ સક્રિય થઇ જાય છે. ગઇકાલે તેમણે પત્રકારોના સ્થાનો પર દરોડા પાડ્યા હતા અને આજે નેતાઓના ઘરે પાડ્યા છે. પણ આમાં ડરવાની કોઇ વાત નથી. હજુપણ ઘણા લોકોને ત્યાં આવું થશે.