મસ્તરામની મસ્તી: કામચોરી પણ એક કળા છે – મિલન ત્રિવેદી
-Milan Trivedi
આજે ઓફિસમાં બોસ નથી આવવાના એવા સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. કર્ફ્યુમાં અડધી કલાકની છૂટ આપી હો. ય અને આખા દિવસનો માલ ખરીદી કરવાનો હોય અને બજારમાં જે ભીડભાડ સર્જાય એવું વાતાવરણ ઓફિસમાં થઈ ગયું. એક ટેબલથી બીજા ટેબલ લોકો જાણે પિકનિક માણવા આવ્યા હોય તેમ ફરવા લાગ્યા. એટલામાં કોઈએ રાડ પાડી કે દસ મિનિટમાં સાહેબ આવે છે, પણ જુગારીઓ જેમ રેડ પડવાની ખબર મળતા જ બાજી અને ટેબલ સંકેલી લે અને જાણે કશું બન્યું જ નથી તેવું વાતાવરણ ઊભું કરે તેવું વાતાવરણ ઓફિસનું થઈ ગયું. પછીની ૩૦ મિનિટ સરસ કામ થયું , પરંતુ સાહેબ આવ્યા નહીં. આમ અડધો દિવસ સુધી વાતાવરણ ‘આવે છે… નથી આવતા… આવે છે… નથી આવતા’ વચ્ચે ઘેરાયેલું રહ્યું. હવામાન ખાતાની આગાહી જેમ એક પણ આગાહી સાચી પડી નહીં પછી છેવટે જિગ્લીના વર કૌશલે જાહેર કર્યું કે ‘આજે સાહેબ નથી જ આવવાના…’ અને તે અંબાલાલની આગાહી જેમ સાચું પડ્યું.
વચ્ચે એક વાત કરી દઉં કે જેના બૈરા દાધારંગા હોય તે વર બૈરી ના નામે ઓળખાય. મળે ત્યારે પણ ‘મંગુડીના વર’ તરીકે મળે અને મરે ત્યારે પણ મંગુડીના વર તરીકે મરે. વર તરીકે કોઈ કારનામાં એવા કર્યાનો હોય કે સમાજમાં નામ થાય, પણ વહુ તરીકે મંગુએ આખું ગામ માથે લીધું હોય. તમારી આજુબાજુ પણ આવા કેટલાય ‘નીતલીનો વર’ કે ‘દકુડીનો વર. હશે જ. હું પાછો આડા ફાટે ચડી ગયો… ચાલો, પાછા ઓફિસમાં આટો મારીએ. તો જે દિવસે સાહેબ આવવાના ન હોય તે દિવસે આઝાદીનું પર્વ ઉજવાય અમારે મન તો એ જ ૧૫ મી ઓગસ્ટ. અને બપોર પછીનો અમારો ઓફિસનો વિષય હતો ઈરાન- ઇઝરાયલ યુદ્ધ. ખબર પડે કે ના પડે પણ જેને સમય જ પસાર કરવો હોય તેને જ્ઞાન સાથે લેવાદેવા ના હોય એ ચર્ચામાં ઊતરી જ પડે. ખાસી એક કલાક ઊંઘ પતાવી અને મનુ મેદાનમાં આવ્યો અને ટપકું મૂક્યું ‘અમાસ’નું યુદ્ધ જમાવટ કરી ગયું છે. પાછળથી ટાઈપિસ્ટ રોઝી ખડખડાટ હસી પડી અને બોલી: ‘અમાસ નહિ…. હમાસ!’ મનુ કહે એ બધું એક જ તમે સમજી ગયા ને કેટલા બોમ્બ ઝીંક્યા.
જાની ચુટકી લેતો ચાની ચુસકી લેતો જગો બોલ્યો: તે બોમ્બ બનાવ્યા હોય તો કાંઈ દિવાળીએ ફોડવા માટેના ન હોય.અને બહુ વિચાર કરો ને તો આપણે ગયા વર્ષના બોમ્બ આ વર્ષે કેમ ફુશકી થઈ જાય છે. એમ આ બોમ્બ પણ પડ્યા પડ્યા નકામા થઈ જાય. અને ઉપરથી ધડાધડ જીકાતા હોય અને સુરસુરિયાની જેમ ફૂટે તો ઇઝરાયેલની આબરૂ પણ શું રહે? વિચાર કરો કે પેલેસ્ટાઇનમાં આતંકવાદીઓની મીટિંગ ભરાણી હોય અને ઇઝરાયેલ ઉપરથી બોમ્બ ફેકે અને જૂના બે ત્રણ વર્ષના હોય ફૂટે નહીં અને વાટ ખાલી સુરસુર થઈને બંધ થઈ જાય તો આતંકવાદીઓ છેલ્લેે બધા બોમ્બની વાટ ભેગી કરી બોમ્બ અડધા અડધા ખોલી તેમાંથી દારૂગોળો કાઢી અને છોકરાઓને ઊંબાડિયા કરવા માટે આપી દે. આ તો ઇઝરાયલ છે તેની પાસે દામાદ જેવી સંસ્થા પણ છે….! ’ કોઈ નવી માહિતી આપતો હોય એમ એકાઉન્ટન્ટ નવીન કોલર ઊંચા કરીને બોલ્યો. બધાના કાન ઊંચા થયા કે આ કઈ સંસ્થાની વાત કરે છે બે ત્રણ જણાએ તો બિલ બાકી હતા એટલે નવીનનો વિરોધ ન કર્યો પરંતુ જેના બિલ પાસ થઈ ગયા હતા તે નવીનની સામે આવી અને ઊભા રહી ગયા કે ‘દામાદ’ની કોઈ સંસ્થા ન હોય.
તે તો એકલા રખડતા હોય તું જે કહે છે તે ‘મોસાદ’ છે.! અને સાંભળ જો મોસાદને ખબર પડશે કે તું નામ બદલાવે છે તો પહેલો બોમ્બ તારા ઘરે ફેંકશે…. પછી તો આ ચર્ચા એ હદ સુધી પહોંચી કે બે વર્ગ પડી ગયા: એક ઇઝરાયલવાળા અને એક પેલેસ્ટાઇનવાળા. હકીકતમાં કોઈને ખબર ન હતી કે આ યુદ્ધ શેના માટે લડાઈ રહ્યું છે…. પણ ચર્ચામાં અહીં યુદ્ધ છેડાઈ ગયું. ઇઝરાયલે સાડા પાંચસો બોંબ ઝીંક્યા.તો સામે પેલેસ્ટાઇન સમર્થકોએ કહ્યું કે વ્યાજબી રાખો એટલા તો એમની પાસે હતા પણ નહીં. જાણે કેમ પણ મોસાદની સંસ્થાનો રોજ રસોડાનો હિસાબ આ બધા રાખતા હોય એટલા વિશ્ર્વાસથી દલીલો કરતા હતા. કેટલા મર્યા તેમાં પણ વિવાદ થયો. મારી જેવા બે ચાર જણાએ સલાહ આપી કે આપણે ક્યાં ઘરે ઘરે ઉઠમણે જવાનું છે. અને આટલા બધા જો ગુજરી ગયા હોય તો બે-ચાર ઘરે ઉઠમણામાં નહીં જાવ તો પણ ચાલશે. વાતાવરણમાં ગરમી ફેલાઈ ગઈ હતી અને હવે મિસાઈલ કે બોંબની જેમ સામસામે પેપર ફેંકવાની જેટલી જ વાર હતી ત્યાં ફરી અવાજ આવ્યો: ‘સાહેબ એમના ઘરવાળા સાથે ઓફિસમાં પ્રવેશી ચૂક્યા છે….!’ બે જીણકા દેશ બાજતા હોય અને અચાનક યુએનનું પ્રતિનિધિ મંડળ નાક ઉપર આંગળી રખાવે અને મોટેથી રાડ પાડે ચૂપ અને નીરવ શાંતિ છવાઈ જાય તેવું વાતાવરણ ઓફિસમાં થઈ ગયું.
જેટલી રિવોલ્વિંગ ચેર ઢસડી અને એકબીજાના ટેબલ સુધી પહોંચી હતી તે ફરી બેઠા બેઠા ઢસડી અને પોતાની જગ્યાએ પહોંચ્યા. સાંજે ઓફિસ ૫:૦૦ વાગ્યે છૂટી જાય પણ આ ચર્ચા કરવામાં છ વાગી ગયા હતા છતાં આખી ઓફિસનો સ્ટાફ હાજર હતો. સાહેબની એન્ટ્રી થઈ અને તમામ લોકો પોતપોતાના ટેબલ પર નીચી મૂંડીએ બેઠા હતા એ જોઈ અને સાહેબ ખુશ થઈ ગયા અને પત્નીને કહ્યું કે જો, આ મારો સ્ટાફ છે પાંચ વાગ્યે ઓફિસ છૂટી જાય છતાં કામના બહાર નીચે છ વાગ્યા સુધી કામ કરે છે. આવો સ્ટાફ ક્યાં મળે? આજે તમામ ઓફિસના સ્ટાફને મારા તરફથી નાસ્તો કરાવવામાં આવશે. આખો સ્ટાફ વિચારતો રહ્યો કે રોજ વ્યવસ્થિત કામ કરીએ છીએ અને કોઈ દિવસ નાસ્તો ખાવા ન મળ્યો અને આજે ગામ આખાની મગજમારી કરી તો નાસ્તો ઝાપટવા મળશે. સાલુ, સમજાતું નથી કે કયું કામ કરવાથી શું ફાયદો અને શું ગેરફાયદો…. વિચારવાયુ: ખરેખર આ ખાડી યુદ્ધ છે ને એની જગ્યાએ રોડ ઉપર કરે ને તો વ્યવસ્થિત બાજી-ઝગડી શકાય.