વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: મિરાડોરેસ – કોર્ડોબા, આર્જેન્ટિના: હવામાં રહેવાનો અહેસાસ

-હેમંત વાળા
માનવીને હવામાં તરવું ગમશે, પાણીની અંદર વસવાટ કરવો ગમશે, ઝા ડ ઉપર રહેવું ગમશે અને જો શક્ય હોય તો ચંદ્ર કે મંગળ ઉપર પોતાનું ફાર્મ હાઉસ બનાવવું પણ ગમશે. સામાન્ય પરિસ્થિતિમાં તો બધા રહે, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં રહેવું, એ મજાની વાત બની રહેતી હોય છે. વાસ્તવિકતા એ છે કે આ પ્રકારના ઘર સામાન્ય સંજોગોમાં શક્ય નથી હોતા. આની માટે વિશેષ વ્યવસ્થાની, પરિસ્થિતિની, તક્નિકની, સંપન્નતાની અને માનસિકતાની જરૂરિયાત હોય છે. છતાં આવું હૂબહૂ નહીં તો આવું કંઈક થોડું ઘણું હોય તો પણ ચાલી જાય. આર્જેન્ટિનાના કોર્ડોબા શહેરમાં આવેલું લોસ મિરાડોરેસ નામનું આ ચાર આવાસનું સંકુલ છે આવી કંઈક હવામાં તરતા હોવાની પ્રતીતિ કરાવે છે.

સ્થપતિ આન્દ્રેસ ઓલેન્સો દ્વારા વર્ષ ૨૦૧૮માં નિર્મિત ૪૬૭ ચોમીના આ પ્રત્યેક આવાસની ખાસિયત એ છે કે અહીં હવામાં ઝૂલતા હોવાનો અહેસાસ થાય છે. નાનપણથી વ્યક્તિને હીંચકાની મજા માણવાની ટેવ પડી જાય છે. હીંચકાથી જમીન સાથે નહીં પણ આકાશ સાથે જોડાયેલા હોવાની ફીલિંગ આવે છે, જ્યારે વ્યક્તિ નિષ્ક્રિય હોય ત્યારે હીંચકો તેને સાથ આપે છે. આ જ પ્રકારની વાત સ્થાપત્યકીય સ્વરૂપે અહીં જોવા મળે છે. આ ચારે આવાસ એક રીતે સ્વતંત્ર છે અને સાથે સાથે સામાન્ય સવલતોની બાબતે તેઓ પરસ્પર જોડાયેલા છે. આમ તો આ ચારેય વચ્ચે સંપર્ક નથી, પણ આગળના ભાગમાં જે સ્વિમિંગ પૂલ અને બગીચાની સવલત ઊભી કરાઈ છે તે બધા વચ્ચે વહેંચાયેલી છે. એમ પણ કહી શકાય કે આ ચારે આવાસનો નીચેનો ભાગ જોડાયેલો જણાય છે. જ્યારે ઉપરના ભાગ પોતાનું વિશેષ અસ્તિત્વ સ્થાપી શકે તે પ્રમાણે અલગ બનાવાયા છે. આ પ્રકારની ગોઠવણ સાથે અહીં એક પ્રકારની લયબદ્ધતા ઊભી થાય છે.

આજુબાજુના કુદરતી વાતાવરણ પર દૃષ્ટિ કેન્દ્રિત કરવા માટે અહીં ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક રીતે જોતા આ પ્રત્યેક આવાસ કુદરતને નિરીક્ષણ કરવા – માણવા માટે જ બનાવાયા હોય તેમ પ્રતીત થાય છે. ઢાળવાળી જમીનનો સર્જનાત્મક ઉપયોગ, આજુબાજુના કુદરતી પરિપ્રેક્ષ્ય સાથે દૃઢ દૃશ્ય સંપર્ક, બે માળ વચ્ચેના દ્રશ્ય વિરોધાભાસ સાથે સ્થપાતી લયબદ્ધતા, ઉપરના માળના લટકતા ભાગ નીચે મળતા સ્થાનના વૈવિધ્યપૂર્ણ કૌટુંબિક ઉપયોગની સંભાવના, વ્યક્તિગતતા સાથે સામૂહિકતાનો સમન્વય, આવાસના જુદા જુદા ક્ષેત્રમાં આજુબાજુની પરિસ્થિતિ સાથે જુદા જુદા પ્રકારના જરૂરી સંપર્કનું વ્યવસ્થિત નિરુપણ, પ્રમાણમાં નાના કહી શકાય તેવા આવાસ માટે પણ ઊભી થતી ગૌરવની અનુભૂતિ, કોઈપણ પ્રકારના આડંબર કે દંભની સદંતર ગેરહાજરી – આ અને આવી બાબતો આ આવાસ સમૂહને ખાસ બનાવે છે. ભૌમિતિક આકારોનો અસરકારક ઉપયોગ કરી બનાવાયેલ આ પ્રત્યેક આવાસ બે માળનું છે. આ બંને માળની અલગ અલગ ખાસિયત છે. વળી તે પરસ્પર લંબ ગોઠવાયા છે.

જમીનના ઢાળથી જે પરિસ્થિતિ ઊભી થાય છે તેને કારણે નીચેના માળને જાણે જમીન સાથે જડી દેવામાં આવેલો છે તો તેનાથી વિપરીત ઉપરનો માળ જમીન સાથેના તમામ સંપર્કની બાદબાકી કરીને લટકતો રાખવામાં આવ્યો છે. અહીં ઉપરના માળે કુટુંબની સામાન્ય સવલતોનો સમાવેશ કરાયો છે, જ્યારે નીચે શયનખંડ જેવાં વ્યક્તિગત સ્થાન ગોઠવાયા છે. ઉપરના ભાગને જાણે બે સમાંતર રેખાઓ વચ્ચે ગોઠવી દેવામાં આવ્યો છે. આવાસનો આ એ ભાગ છે જે દૃશ્ય સંપર્ક સ્થાપે છે અને તે માટે ચોક્કસ દિશા-નિર્દેશન પણ કરે છે – ચોક્કસ દિશામાં તે સંપૂર્ણ ખુલી જાય છે. આ ભાગને અંશત: નીચેના માળ ઉપર અને આગળના ભાગમાં એક અલાયદી ફ્રેમ ઉપર ટેકવવામાં આવ્યો છે. ભૌમિતિક આકારને કારણે આ ભાગ દૃઢતા રજુ કરે છે તો સાથે સાથે અનુભૂતિની દૃષ્ટિએ એ પ્રમાણમાં વધારે ચોક્કસ જણાય છે. તેનું રંગ અને બાંધકામની સામગ્રી પણ આ અનુભૂતિને ટેકો આપે છે. પરંપરાગત આવાસમાં થતું હોય છે તેમ અહીં પણ નીચેના માળની છત રાત્રીના સમયે અગાસી બની જાય છે. અહીંના સ્થાનિક વાતાવરણમાં આ અગાસીનો ઉપયોગ સ્વાભાવિક છે.

અહીં આવાસનું ઔપચારિક પ્રવેશદ્વાર પણ છે. મુખ્યત્વે રાત્રિના સમયે ઉપયોગમાં લેવાતો નીચેનો માળ વધુ બંધિયાર તથા જરૂરી માત્રામાં ગોપનીયતા જાળવી શકે તે પ્રમાણેનો છે. અહીંથી આગળની સામાન્ય સવલતોમાં પ્રવેશ પણ શક્ય છે. આવાસ એ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. કુટુંબની વ્યક્તિ કે સમગ્ર કુટુંબની વિચારધારા, અગ્રતાક્રમ, સંપન્નતા, સંવેદનશીલતા તથા પસંદ-નાપસંદ તેમના આવાસની રચના પરથી સમજી શકાય. ક્યારેક આવાસ ચારે તરફ ખૂલતું હોય તો ક્યારેક બંધીયાર. ક્યારેક આવાસ પરંપરાગત જીવનશૈલીને પ્રતિબિંબિત કરતું હોય તો ક્યારેય આધુનિક અલગાવને પોષાતું હોય. ક્યારેક આવાસ કૃત્રિમતા રજૂ કરે તો ક્યારેક તેમાં કુદરત સાથેનો દૃઢ સંપર્ક વર્તાઈ આવે. આ બધી બાબતો એક યા બીજા સ્વરૂપે તેના માલિક વિશે ઘણું કહી જાય છે. આવાસ જેમ તેમાં રહેનાર વ્યક્તિને જે તે સ્વરૂપે પ્રસ્તુત કરી શકે તેમ પ્રત્યેક આવાસ સ્થપતિની સંવેદનશીલતા અને સર્જનાત્મકતા પણ અસરકારક રીતે રજૂ કરે છે. આ લોસ મિરાડોરેસના આવાસ સમૂહમાં બંને પક્ષની પ્રશંસનીય વિચારધારા પ્રસ્તુત થઈ જાય છે. કોમ્પ્યુટર દ્વારા વિકસાવવામાં આવતા જાતજાતના આકારોની અસ્વીકૃતિ, કુદરત સાથે વ્યવસ્થિત તાલમેલ, સાદગી સાથે સાંકળી લેવામાં આવેલ જરૂરિયાતો, સરળતા સાથે સર્જવામાં આવેલી સમૃદ્ધ દૃશ્ય અનુભૂતિ, ભૌમિતિક આકારનો રસપ્રદ તેમ જ અર્થપૂર્ણ ઉપયોગ, સ્થાપત્યકીય નિર્ણયોમાં વર્તાતી દૃઢતા અને પરિસ્થિતિને જેમ છે તેમ પ્રસ્તુત કરવાનો વિશ્ર્વાસ આ મકાનને નોંધપાત્ર બનાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત