ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતીય મહિલાઓને પરાજયનો આંચકો, હવે રવિવારે પાકિસ્તાન સામે આકરી પરીક્ષા

ન્યૂ ઝીલૅન્ડના 160/4 સામે ભારતના 102/10

દુબઈ: અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પોતાની પ્રથમ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 58 રનથી પરાજય થયો હતો. ભારતીય ટીમ 161 રનના લક્ષ્યાંક સામે 102 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પેસ બોલર રૉઝમેરી મેઇરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ તાહુહુએ મેળવી હતી.

ટોચની ત્રણેય બૅટર સાવ ઓછા સ્કોરમાં આઉટ થઈ જવાને કારણે ભારત માટે જીતવાનું ત્યારે જ મુશ્કેલ થઈ ગયું હતું. કૅપ્ટન હરમનપ્રીત કૌરે 15 રન, વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ 12 રન અને શેફાલી વર્માએ બે રન બનાવ્યા હતા. જેમાઇમા રૉડ્રિગ્સ (13) અને વિકેટકીપર રિચા ઘોષ (12) પાસે મોટી ભાગીદારીની અપેક્ષા હતી, પણ તેઓ પણ ઓછા સ્કોરમાં આઉટ થઈ ગઈ હતી. એકેય ભારતીય બૅટર 20 રન પણ નહોતી બનાવી શકી.

| Also Read: રેસ્ટ ઑફ ઇન્ડિયાનો ધબડકો, પૃથ્વીએ મુંબઈને વિજયની આશા અપાવી

હવે ભારત માટે આવતી કાલ (રવિવાર, 6 ઓક્ટોબરે બપોરે 3.30થી)ની પાકિસ્તાન સામેની મૅચ વધુ આકરી કસોટી જેવી બની ગઈ છે. કારણ એ છે કે ભારતીય ટીમના જુસ્સાને આ પરાજયને લીધે થોડી વિપરીત અસર થઈ હશે, જ્યારે પાકિસ્તાનની ટીમ ગુરુવારે એશિયન ચેમ્પિયન શ્રીલંકાને 31 રનથી હરાવી ચૂકી હોવાથી રવિવારે બુલંદ જુસ્સા સાથે ભારત સામે રમશે.

શુક્રવારે ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની કૅપ્ટન સૉફી ડિવાઇને ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી અને તેની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 160 રન બનાવ્યા હતા જેમાં ખુદ કૅપ્ટનના અણનમ 57 રન હતા જે તેણે 36 બૉલમાં સાત ફોરની મદદથી બનાવ્યા હતા. ઓપનર જ્યોર્જિયા પ્લિમરે 34 રન અને સાથી ઓપનર સુઝી બેટ્સે 27 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સમાં પેસ બોલર રેણુકા સિંહે બે વિકેટ અને એક-એક વિકેટ અરુંધતી રેડ્ડીએ અને આશા શોભનાએ લીધી હતી. જોકે મુખ્ય ત્રણ બોલર દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટીલ અને પૂજા વસ્ત્રાકરને વિકેટ નહોતી મળી.

| Also Read: હૅરી મૅગ્વાયરે મૅન્ચેસ્ટર યુનાઇટેડની ટીમને પરાજયથી બચાવી

દુબઈની આ જ પિચ પર બપોરે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી મૅચમાં સાઉથ આફ્રિકાએ 13 બૉલ બાકી રાખીને 10 વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. કિવી કૅપ્ટન ડિવાઇને ભારત સામેની મૅચ પહેલાં કહ્યું, ‘આ પિચમાં ખાસ કંઈ ફેરફાર થયો હોય એવું લાગતું ન હોવાથી મેં બૅટિંગ પસંદ કરીને ફટકાબાજીથી તોતિંગ સ્કોર નોંધાવવાનું નક્કી કર્યું.’ ન્યૂ ઝીલૅન્ડે ખુદ ડિવાઇન સહિત ત્રણ સ્પેશિયલિસ્ટ પેસ બોલરને ઇલેવનમાં સમાવી હતી. ભારત બન્ને વૉર્મ-અપ મૅચ જીત્યું હતું અને ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે.

| Also Read: રવિવારે ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટી-20: ભારત 14-1થી આગળ…

ભારત ક્યારેય મહિલાઓનો વર્લ્ડ કપ નથી જીત્યું, પરંતુ છેલ્લા ચાર ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ છેલ્લા ચાર સ્થાનમાં પહોંચી હતી.

બન્ને દેશની ટીમ:
ભારત: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રેણુકા સિંહ ઠાકુર.

ન્યૂ ઝીલૅન્ડ: સૉફી ડિવાઇન (કૅપ્ટન), સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, ઍમેલી કેર, બ્રૂક હૉલ્લિડે, મૅડી ગ્રીન, ઇસાબેલ ગેઝ (વિકેટકીપર), જેસ કેર, રૉઝમેરી મેઇર, લીઆ તાહુહુ અને એડન કાર્સન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button