શેર બજાર

સેન્સેક્સમાં પાંચ સત્રમાં પાંચ ટકાનો કડાકો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૬ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઇઝરાયલના વળતા હુમલાની ચિંતા વચ્ચે પશ્ર્ચિમ એશિયામાં વધતા તણાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી વચ્ચે સ્થાનિક બજારમાં એફએમસીજી, ઓટો અને એનર્જી શેરોમાં તીવ્ર ધોવાણ થવાથી ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે અથડાતાં અંતે સતત પાંચમા સત્રમાં એકાદ ટકા જેવા કડાકા સાથે નીચી સપાટીએ ગબડ્યા હતા.

સેન્સેક્સમાં પાંચ સત્રમાં પાંચ ટકાના કડાકા સાથે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૬ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે.

આ ઉપરાંત, ભૌગોલિક રાજકીય તણાવને કારણે પુરવઠાની અનિશ્ર્ચતતા વચ્ચે વૈશ્ર્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી પણ બજારના સેન્ટિમેન્ટે ફટકો પડ્યો હતો. સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ ૮૦૮.૬૫ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકા ઘટીને ૮૧,૬૮૮.૪૫ પર સેટલ થયો હતો. બેન્ચમાર્ક દિવસ દરમિયાન ૮૧,૫૩૨.૬૮ ની નીચી સપાટી અને ૮૩,૩૬૮.૩૨ ની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે ૧,૮૩૫.૬૪ પોઈન્ટ્સના સ્વિંગને પ્રતિબિંબિત કરે છે.

જ્યારે નિફ્ટી ૨૦૦.૨૫ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા ઘટીને ૨૫,૦૪૯.૮૫ પર આવી ગયો હતો. ઇન્ટ્રા-ડે, તે ૨૪,૯૬૬.૮૦ની નીચી સપાટી અને ૨૫,૪૮૫.૦૫ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી અને એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર્સ અને તેનાથી વિપરીત, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ટોપ લૂઝર્સ બન્યા હતા.

સેન્સેક્સ ૨૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ખૂલ્યો હતો. નિફ્ટી ૨૫,૨૦૦ની નીતે ખૂલીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નબળા પરિણામ પાછળ છટકા જેવો તૂટ્યો હતો. સેફાયર ફૂડ્સમાં બ્લોક ડીલ હતી. આઇટી અને બેન્ક શેરોમાં ચમકારો હતો, જ્યારે સ્મોલ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. જર્મન કંપનીની બીએમડબલ્યુ અને મીની કારનું વેચાણ ભારતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ૧૦ ટકા વધ્યું છે.

ડિફ્યુઝન તેના રૂ. ૧૬૮ના ઇશ્યુ ભાવ સામે ૧૧.૯૦ ટકા પ્રીમિયમ સાથે રૂ. ૧૮૮ના ભાવે અને એનએસઇ પર ૧૫.૧૭ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. અમંતા હેલ્થકેર લિમિટેડે ૧.૨૫ કરોડ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કરાવ્યું છે.
સ્ટરાઇલ લિક્વિડ પ્રોડક્ટ્સની વિવિધ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી આ કંપની ૧,૨૫,૦,૦૦૦ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. ભરણાંના ભંડોળનો ઉપયોગ ગુજરાત ખાતે નવી ઉત્પાદન સવલતની સ્થાપના સહિતના હેતુસર થશે.

વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં એકંદરે સાવચેતીનો માહોલ હતો, કારણ કે અમેરિકાના પ્રમુખ જો બાયડને મધ્યપૂર્વના યુદ્ધ અને ઇઝરાયલ દ્વારા વળતા હુમલા અંગે અસ્પષ્ટ અને મૂંઝવનારા કથનો કર્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ઇરાનના ઓઇલ ઇન્સ્ટોલેશન પર ઇઝરાયલના હુમલા અંગે ચર્ચાવિચારણા ચાલુ છે. એ જ સાથે, તેમણે એમ પણ કહ્યું છે કે ઇઝરાયલ તાત્કલિક વળતો હુમલો કરે એવી શક્યતા ઓછી છે. આ બંને વિધાનો ઇક્વિટી માર્કેટને વિરોધાભાસી સંકેત આપે છે.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૧૫,૨૪૩.૨૭ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. એશિયન બજારોમાં, સિયોલ, ટોક્યો અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા. મેઇનલેન્ડ ચીનમાં રજાના કારણે બજારો બંધ છે. યુરોપીયન બજારો મધ્ય સત્રના સોદામાં ઊંચા વેપાર કરી રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં રોકડ બજારમાં રૂ. ૩૦,૬૧૪ કરોડની જંગી એફઆઇઆઇની વેચવાલી જોવા મળી છે. એફઆઇઆઇએ મોંઘા ભારતથી સસ્તા હોંગકોંગમાં નાણાં ખસેડી રહ્યા છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૯ ટકા વધીને ૭૮.૩૯ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

દરમિયાન નેાંધવું રહ્યું કે, ગુરુવારે સતત ચોથા સત્રમાં ઘટીને બેન્ચમાર્ક સેન્સેક્સ ૧,૭૬૯.૧૯ પોઈન્ટ અથવા ૨.૧૦ ટકા ઘટીને ૮૨,૪૯૭.૧૦ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૧,૮૩૨.૨૭ પોઈન્ટ અથવા ૨.૧૭ ટકા ઘટીને ૮૨,૪૩૪.૦૨ પર આવી ગયો હતો. નિફ્ટી ૫૪૬.૮૦ પોઈન્ટ અથવા ૨.૧૨ ટકા ઘટીને ૨૫,૨૫૦.૧૦ પર આવી ગયો હતો.
આગમી દિવસોમાં શેરબજારમાં મોટો કડાક લાવી શકે એવા પરિબળો ઝળુંબી રહ્યાં છે. વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના બજારના સેન્ટિમેન્ટને ફટકો મારી રહી છે. ઇઝરાયલને છંછેડીને ઇરાને સમગ્ર વિશ્ર્વની શાંતિને ડહોળી નાંખી છે.

એક તરફ ઇઝરાયલે ઇરાનને ચોખ્ખી ચેતવણી આપી છે અને અમેરિકાએ પણ ઇકરાનને ખુલ્લેઆમ ધમકાવી નાંખ્યું છે. ઇઝરાયલને અમેરિકા સાથ આપી રહ્યું છે, તો ઇરાનને રશિયા તરફથી સાથ મળવાની સંભાવના છે. આ રીતે જો સુપર પાવર યુદ્ધમાં ઝંપલાવશે તો સમગ્ર વિશ્ર્વ માટે મોટું જોખમ ઊભું થઇ જશે.

જીઓ-પોલિટિકલ જોખમ ઊભા થતાં રોકાણકારો અને હેજ ફંડો ગોલ્ડ અને અન્ય સેફ હેવન એસેટ તરફ આગળ વધે છે અને ઇક્વિટી જેવા રિસ્કી એસેટમાં વેચવાલી વધવાને કારણે શેરબજારને ફટકો પડે છે. બીજી તરફ આ જ કારણસર ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જે ઇન્ફ્લેશન વધારે છે અને વૈશ્ર્વિક અર્થતંત્રને ફટકો મારે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે વૈશ્ર્વિક સપ્લાઇ ચેઇન ખોરવાઇ જાય છે અને નિકાસ વેપારને ફટકો પડે છે.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્ર્વમાં ચિંતા વધી રહી છે. ઈરાને લગભગ ૧૮૦ મિસાઈલો છોડીને ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે તો સામે ઈઝરાયલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં એક સાથે ૫ાંચ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ચીન પણ ભારતીય શેરબજાર માટે નકારાત્મક પરિબળ બનીને ઊભું થયું છે.

ચીનની અર્થવ્યવસ્થામાં કહેવાતા સુધારા અને ચીની સરકારે જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજ તથા અત્યંત નીચા વેલ્યુએશન્સને કારણે વિદેશી સંસ્થાકીય ફંડો ચીની શેરબજાર તરફ ફંટાયા હોવાના અહેવાલ છે. હવે સેલ ચાઇના એન્ડ બાય ઇન્ડિયાને સ્થાને સેલ ઇન્ડિયા એન્ડ બાય ચાઇના જેવો ઘાટ ઘડાઇ રહ્યો છે.

આ પરિસ્થિતિમાં એફઆઇઆઇની વેચવાલી સતત ચાલુ રહેવા સાથે વધતી રહેવાની સંભાવના છે, જે બજારને અને બજારના સેન્ટિમેન્ટને તોડવાનું કામ કરશે. અલબત્ત, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) પાસે ખૂબ પ્રવાહિતા હોવાથી બજારને ટેકો મળશે ખરોય સેન્સેક્સમાં પાંચ સત્રમાં ૩૩૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો છે અને એફઆઇઆઇએ રૂ. ૩૨,૦૦૦ કરોડની વેચવાલી નોંધાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button