સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝની ટીમને 10 વિકેટે કચડી નાખી…
દુબઈ: અહીં શુક્રવારે ભારત-ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ પહેલાં બપોરે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની મૅચ રમાઈ હતી. આ મૅચ રસાકસીભરી બનવાની ધારણા હતી, પરંતુ લૉરા વૉલ્વાર્ટની સાઉથ આફ્રિકન ટીમે હૅલી મૅથ્યૂઝની કૅરિબિયન ટીમને 10 વિકેટે કચડીને બધી ધારણા ખોટી પાડી હતી.
સાઉથ આફ્રિકાની ટીમ કૅરિબિયન ટીમ સામે ખૂબ જ મજબૂત સાબિત થઈ હતી.
બૅટિંગ મળ્યા પછી વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં છ વિકેટે 118 રન બનાવ્યા હતા જેમાં સ્ટેફની ટેલરે અણનમ 44 રન બનાવ્યા હતા. તેણે 41 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી આ 44 રન બનાવ્યા હતા. બીજી કોઈ બૅટર 20 રન સુધી પણ નહોતી પહોંચી શકી.
સાઉથ આફ્રિકાની લેફ્ટ-આર્મ સ્પિનર નૉનકુલુએકો મલાબાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. કૅરિબિયન ટીમ સાઉથ આફ્રિકન ટીમની સાત બોલરના આક્રમણમાં દબાઈ ગઈ હતી.
સાઉથ આફ્રિકાએ લૉરા વૉલ્વાર્ટ (59 અણનમ, 55 બૉલ, સાત ફોર) અને તૅઝમિન બ્રિટ્સ (57 અણનમ, બાવન બૉલ, છ ફોર)ની ઓપનિંગ જોડીએ 17.5 ઓવરમાં 119 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.
વેસ્ટ ઇન્ડિઝની આઠ બોલર્સમાંથી એકેયને વિકેટ નહોતી મળી.
આખી મૅચમાં એક સિક્સર જોવા મળી હતી અને એ સિક્સર વેસ્ટ ઇન્ડિઝની સ્ટેફની ટેલરે ફટકારી હતી.