નેશનલ

ઝારખંડમાં જ્યોતિ મૌર્ય જેવો કેસ: પિઝા ડિલીવરી બોય પતિએ પત્નીને ભણાવી, નોકરીએ લાગતા જ પત્ની BF સાથે ભાગી ગઇ

કેટલાક મહિનાઓ પહેલા સરકારી અધિકારી જ્યોતિ મૌર્યનો કેસ સામે આવ્યો હતો જેમાં જ્યોતિ મૌર્યના પતિ આલોકે આક્ષેપ કર્યો હતો કે તેણે મહેનત કરીને પરસેવાની કમાણી ખર્ચીને પત્ની જ્યોતિને ભણાવી અને જ્યોતિ હવે કોઇની સાથે લગ્નબાહ્ય સંબંધો રાખી છૂટાછેડાની માગ કરી રહી છે. આ કિસ્સો મીડિયામાં ખૂબ ચગ્યો હતો. અને હવે આ જ પ્રકારની ઘટના ઝારખંડમાં સામે આવી છે. જેમાં પત્નીની બેવફાઇથી પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પત્ની સામે પગલા લેવાની વિનંતી કરી છે.

ઝારખંડના કથૌન ગામની રહેવાસી ટિંકુ યાદવે જણાવ્યું હતું કે તેના લગ્ન પ્રિયાકુમારી નામની એક યુવતી સાથે થયા હતા. લગ્ન પહેલા પ્રિયાએ પોતે ભણવા માગતી હોવાનું જણાવ્યું હતું. લગ્ન પછી ટિંકુએ તેની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેને નર્સિંગના કોર્સમાં એડમિશન અપાવી લગભગ 2.5 લાખનું દેવું કરી તેનું ભણતર પૂરું કરાવ્યું હતું.
પરંતુ ટીંકુને ખ્યાલ ન હતો કે ભણવાની સાથે સાથે તેની પત્ની તેની પીઠ પાછળ તેની સાથે છેતરી રહી છે.


પ્રિયાકુમારી તેના ઘરની પાસે રહેતા દિલખુશના પ્રેમમાં પડી ગઇ, અને નર્સિંગનો કોર્સ પૂરો થતા સુધીમાં તે તેના પ્રેમી સાથે ભાગી પણ ગઇ. જ્યારે ટિંકુને આખી ઘટનાનો ખ્યાલ આવ્યો ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હતું. તેણે પૈસા ઉધાર લઇને મહેનત કરીને પત્નીને ભણાવી, અને પત્ની તેની ભલમનસાઇનો ફાયદો ઉઠાવી તેના પ્રેમી સાથે ફરાર થઇ ગઇ.

પ્રિયાકુમારીએ તેના પ્રેમી સાથે ભાગીને ઝારખંડથી દિલ્હી પહોંચી અને ત્યાંની કોર્ટમાં તેણે તેના પ્રેમી સાથે લગ્ન પણ કરી લીધા. ઉપરાંત કોઇ જ શરમ જ રાખ્યા વગર તેણે તેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. પત્નીની બેવફાઇથી આઘાતમાં આવીને ટિંકુએ પોલીસ સ્ટેશને જઇને ન્યાયની માગ કરી છે. પોલીસ હાલ બંનેની શોધખોળ કરી રહી છે અને બંનેને પકડ્યા બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button