પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી બ્લૅકમેઈલ કરનારા યુવકને કોયતાના 30 ઘા ઝીંકી પતાવ્યો
હત્યા પછી આરોપી પ્રેમી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી તેને બ્લૅકમેઈલ કરનારા યુવકને પ્રેમીએ કોયતાના 30 જેટલા ઘા ઝીંકી કથિત હત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. હત્યા પછી આરોપી પ્રેમી જાતે જ પોલીસ સ્ટેશને ગયો હતો અને પોતે કરેલા ગુનાની માહિતી આપી હતી.
કોપરી પોલીસે આરોપી મયૂરેશ નંદકુમાર ધુમાળ (24) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે મયૂરેની 20 વર્ષની પ્રેમિકાને પણ પૂછપરછ માટે તાબામાં લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર યુવતી 28 એપ્રિલે એક લગ્નસમારંભમાં ગઈ હતી, જ્યાં તેની ઓળખાણ થાણેના કોપરી વિસ્તારના અષ્ટવિનાયક ચોક ખાતેની સંચાર સોસાયટીમાં રહેતા સ્વયં સતીશ પરાંજપે (24) સાથે થઈ હતી. આ સોસાયટીના ભાડેના ફ્લૅટમાં પરાંજપે એકલો રહેતો હતો.
આ પણ વાંચો : ડોક્ટર માતા આટલું કેમ ન સમજી શકી ને નવજાત સાથે ઝંપલાવી દીધું!
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે કારમાં ફેરવવાને બહાને આરોપી યુવતીને તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેને ઘેનયુક્ત ઠંડું પીણું પિવડાવવામાં આવ્યું હતું. આરોપીએ અર્ધબેભાન અવસ્થામાં યુવતીની નિર્વસ્ત્ર તસવીરો પાડી લીધી હતી. બાદમાં તસવીરોથી બ્લૅકમેઈલ કરી આરોપી યુવતીને મળવા આવવા દબાણ કરવા લાગ્યો હતો.
કહેવાય છે કે પરાંજપેનો ત્રાસ વધી જતાં યુવતીએ તેના પ્રેમી ધુમાળને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. ધુમાળે મોબાઈલ ફોનમાંથી અશ્ર્લીલ તસવીરો ડિલિટ કરવાનું કહેવા છતાં પરાંજપે તેની વાત માનવા તૈયાર નહોતો. પરિણામે ધુમાળે તેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.
ગુરુવારની રાતે આરોપી કોયતા સાથે પરાંજપેના ઘર પાસે પહોંચ્યો હતો. ખાસ્સો સમય રાહ જોયા છતાં પરાંજપે આવ્યો નહોતો. આખરે શુક્રવારે ધુમાળ ફરી કોયતો લઈને પરાંજપેના ઘરે ગયો હતો. બન્ને વચ્ચે બોલાચાલી પછી ધુમાળે કોયતાના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. કોયતાના 30 ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.