એકસ્ટ્રા અફેર

યુએનએસસીમાં કાયમી સભ્યપદની ભારતની ઈચ્છા નહીં ફળે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યપદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. એક તરફ યુનાઈટેડ નેશન્સના સંમેલનમાં ભારતે ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં પોતાને કાયમી સભ્યપદ આપવાનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો તો બીજી તરફ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત વીટો પાવર સાથે યુએનએસસીનું કાયમી સભ્ય બની ગયું છે. યુએનએસસીમાં અગાઉ માત્ર પાંચ દેશો પાસે વીટો વાપર સાથે કાયમી સભ્યપદનો આ દરજજો હતો પણ હવે છ દેશો પાસે વીટો પાવર સાથે કાયમી સભ્યપદ છે.

વોટ્સએપમાં ફોરવર્ડ કરાતા મેસેજ બહાર જેમની દુનિયા નથી એવા અબૂધ ને ગમાર લોકો આ પોસ્ટને વાઇરલ કરી રહ્યા છે તેથી યુનાઈટેડ નેશન્સમાં ભારતને કાયમી સભ્યપદ મળ્યું હોય કે ના મળ્યું હોય પણ વોટ્સએપ પર તો મળી જ ગયું છે. જે લોકો આ પોસ્ટને વાઇરલ કરી રહ્યા છે એ લોકોમાં એટલી અક્કલ પણ નથી કે કમ સે કમ યુનાઈટેડ નેશન્સની વેબસાઈટ પર જઈને ચકાસણી કરી લે. એટલી બુદ્ધિ ના ચાલે તો કોઈ પણ ન્યુઝ વેબસાઈટ પર જઈને તપાસ કરે તો પણ ભારત વીટો પાવર સાથે યુએનએસસીનું કાયમી સભ્ય બની ગયું છે કે નહીં તેની ખબર પડી જાય પણ આ દેશની બહુમતી પ્રજાએ અજ્ઞાનીઓ દ્વારા ફેલાવાતી વાતોને જ જ્ઞાન માનવાનો નિર્ધાર કરી લીધો છે તેથી આવા મેસેજ વાઇરલ થયા કરે છે.

ખેર, કહેવાની જરૂર જ નથી કે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી પોસ્ટને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત વીટો પાવર સાથે યુએનએસસીનું કાયમી સભ્ય બની જાય એ સમાચાર એટલા મોટા છે કે દિવસો લગી મીડિયામાં તેને લગતા સમાચારો આવ્યા કરે અને દિવસો લગી તેની ચર્ચા પણ ચાલ્યા કરે. મીડિયામાં અત્યારે એવું કશું નથી કેમ કે ભારતને હજુ પણ યુએનએસસીમાં કાયમી સભ્યપદ નથી મળ્યું કે વીટો પાવર પણ મળ્યો નથી. ભારતને વીટો પાવર સાથે યુએનએસસીમાં કાયમી સભ્યપદ મળી ગયું હોત તો આખા દેશમાં જશ્નનો માહોલ હોત ને તેનો જશ ખાટવા માટે શું શું થઈ ગયું હોત એ પણ કહેવાની જરૂર નથી.

જે લોકો આ દાવાને સાચો માની બેઠાં છે તેમણે એક વાત સમજવાની જરૂર છે. ભારતની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાયમી સભ્યપદની માગ બહુ જૂની છે પણ આ માગ કદાચ ક્યારેય પૂરી નહીં થાય ને તેનું કારણ ચીન છે. યુએનએસસીના વર્તમાન પાંચ કાયમી સભ્યોમાંથી અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને ફ્રાન્સે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ યુએનએસસીમાં કાયમ સભ્યપદના ભારતના દાવાની તરફેણમાં છે પણ ચીન એકમાત્ર એવો દેશ છે જે ભારતની તરફેણમાં નથી ને કોઈ કાળે ભારતની તરફેણમાં નહીં થાય.

આ વાત સમજવા માટે યુએનએસસીનું માળખું ને કાયમી સભ્યપદ માટે શું કરવું પડે એ સમજવું જરૂરી છે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ ૧૫ સભ્યો છે. યુનાઈટેડ નેશન્સના નિયમ પ્રમાણે બહુમતી સભ્યો ઠરાવની તરફેણમાં મત આપે તો ઠરાવ પસાર થાય પણ સાથે સાથે નિયમ છે કે સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યોમાંથી કોઈ વીટો વાપરે તો પણ ઠરાવ પસાર ના થાય.

અમેરિકા, રશિયા, ચીન, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ એ પાંચ સભ્યો પાસે વીટો પાવર છે. આ પાંચમાંથી કોઈ પણ સભ્યને વાંધો પડે તો યુનાઈટેડ નેશન્સની કોઈ પણ દરખાસ્તનું પડીકું થઈ જાય. યુનાઈડેટ નેશન્સમાં અસલી પાવર વીટો પાવરવાળા ૫ સભ્ય દેશો પાસે છે ને બાકીના ૧૦ તો ઉચકૂચિયા છે. આ ઉચકૂચિયા ૧૦ સભ્યો બદલાયા કરે છે જ્યારે અમેરિકા, રશિયા, ચીન, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ એ પાંચ સભ્યો કાયમી છે ને તેમનું રાજ ચાલે છે. યુએનએસસીમાં કાયમી સભ્યપદ મેળવવાનો નિર્ણય પણ આ પાંચ દેશો પાસે છે પણ ચીન આપણી વિરુદ્ધ હોવાથી આપણે વરસોથી અમેરિકા, રશિયા, ચીન, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ એ પાંચ સભ્યોની પંગતમાં બેસીને છઠ્ઠો દેશ બનવા મથ્યા કરીએ છીએ ને અમેરિકાને અછોવાનાં કરીએ છીએ પણ મેળ પડતો નથી.
અમેરિકા સહિતના દેશો આપણને કાયમી સભ્યપદ આપવાની વાતો કરે છે પણ વાસ્તવમાં એ બધા આપણને મૂરખ બનાવ્યા કરે છે. આ વાતને સમજવા માટે થોડોક જૂનો ઈતિહાસ જાણી લઈએ. અમેરિકા આપણને ઠાલું આશ્ર્વાસન આપ્યા કરતું તેથી આપણે છેવટે ૨૦૧૭ના ઓક્ટોબરમાં અમેરિકાને યુનાઈટેડ નેશન્સમાં ભારતને કાયમી સભ્યપદનો ઠરાવ લાવવા કહેલું. અમેરિકાએ પહેલાં ગલ્લાંતલ્લાં કર્યાં પછી હાથ અધ્ધર કરીને જાહેર કરી દીધું કે, ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં વીટો પાવર સાથે કાયમી સભ્યપદ મળી શકે એમ નથી.

અમેરિકાનો દાવો હતો કે, ભારતને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ આપવા માટે બંધારણ બદલવું પડે તેમ છે. અમેરિકાને યુનાઈટેડ નેશન્સના બંધારણમાં સુધારા કરવામાં અને ભારતને કાયમી સભ્યપદ આપવામાં વાંધો નથી પણ ચીન ને રશિયા બંધારણ બદલવા તૈયાર નથી તેથી ભારતને કાયમી સભ્યપદ મળી શકે તેમ નથી.

આ વાતનો સ્પષ્ટ અર્થ એ થયો કે, અત્યારે જેમને વીટો પાવર મળેલો છે એ દેશો નવા કોઈ દેશને વીટો પાવર આપવા તૈયાર નથી તેથી ભારતનો મેળ પડે એમ નથી. અમેરિકાએ ભારતને ગોળી ગળાવેલી કે, ભારતની ઈચ્છા હોય તો વીટો પાવર વિના યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ અપાવવા અમે કોશિશ કરી શકીએ. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં અસલી તાકાત વીટો પાવર જ છે. વીટો પાવર વિનાના કાયમી સભ્યપદનો અર્થ જ નથી તેથી ભારતે આ વાતમાં સહમતી ના આપી.

આ વાત જૂની છે પણ સ્થિતિ બદલાઈ નથી. બલ્કે વધારે ખરાબ થઈ છે. ૨૦૨૦માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી ચીન સાથેના આપણા સંબંધો વધારે ખરાબ થઈ ગયા છે. ચીનને અત્યારે પાકિસ્તાનનાં હિતો સાચવવામાં વધારે રસ છે એ બધું જોતાં ચીન કદી ભારતની તરફેણ કરશે નહીં ને આપણને કદી યુએનએસસીમાં કાયમી સભ્યપદ મળશે નહીં. બલ્કે કોઈને પણ કાયમી સભ્યપદ મળે તેમ નથી. ભારતની સાથે સાથે ગ્રુપ ઓફ ફોર દેશોના અન્ય સભ્યો જર્મની, જાપાન અને બ્રાઝિલ પણ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માગી રહ્યા છે પણ કોઈની ઈચ્છા નહીં ફળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button