ડોક્ટર માતા આટલું કેમ ન સમજી શકી ને નવજાત સાથે ઝંપલાવી દીધું!
માતૃત્વ ધારણ કરવું તે કોઈપણ મહિલા માટે સુખદ અનુભવ હોય છે, પરંતુ માતા બન્યા બાદ તેના શરીર મનમાં ઘણા ફેરફાર આવે છે અને તે સમયે તેની બરાબર સંભાળ લેવામાં આવે તે જરૂરી છે. જોકે અહીં વાત એક એવી માતાની છે જે પોતે ડોક્ટર હતી અને માતા બન્યા બાદ આવતા અમુક પ્રશ્નો અને તેના ઉકેલ વિશે જાણતી હોવાની અપેક્ષા તેની પાસેથી રાખી શકાય તેમ હતી, પરંતુ તેણે જે આત્યંતિક પગલું ભર્યું અને જે કારણે ભર્યું તે જાણી સૌ કોઈને દુઃખ સાથે અચરજ થાય તેમ છે.
આ પણ વાંચો : ‘લાડકી બહેન’ માટે પૂરતી નાણાકીય જોગવાઈ: અજિત પવાર
આ ઘટના મહારાષ્ટ્રના પૈઠણ તાલુકાની છે. એક મહિલા તબીબે તેનાં છ માસના બાળક સાથે ગોદાવરી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટનાથી તબીબનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મહિલાએ આવું પગલું શા માટે ભર્યું તેનુ કારણ વધારે અકળાવનારું છે.
આત્મહત્યા કરનાર મહિલાનું નામ ડોકટર પૂજા પ્રભાકર વ્હરકટે, પૈઠણ તાલુકો (અશ્રય ચાંગતપુરી, જિ. પૈઠણ) છે. મહિલાને સ્તનમાંથી દૂધ ન આવતું હોવાથી હતાશાના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પૂજાના લગ્ન થોડા વર્ષો પહેલા પૈઠણના પ્રભાકર સાથે થયા હતા. છ મહિના પહેલા તેણે એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. તે તેના બાળકની ખૂબ કાળજી લેતી હતી. પરંતુ, તેના સ્તનમાંથી દૂધ ન આવતું હોવાથી તે બાળકને દૂધ આપી શકતી નહોતી. તે સતત તેના વિશે વિચારતી હતી અને તેથી તે તણાવમાં હતી.
આ હતાશામાં, મંગળવારે (૧ ઓક્ટોબર) તેણે તેનાં નિયમિત રિક્ષા ચાલકને તેના ઘરે બોલાવ્યો. છ મહિનાની બાળકી સાથે રિક્ષામાં બેઠી અને રિક્ષાચાલકને પૈઠણ શેગાંવ રૂટ પર પાટેગાંવ ખાતે બ્રિજ પર નદી જોવાનું કહીને થોભાવ્યો હતો. તે પછી, તે બાળકને લઈને થોડો સમય નદી તરફ જોતી રહી અને થોડી જ વારમાં તેણે પુલના કિનારેથી સીધા નદીમાં છલાંગ લગાવી.
આ પણ વાંચો : કલ્યાણમાં ભૂતપૂર્વ નગરસેવિકાના પતિનું અપહરણ કરી ખંડણી માગનારા પકડાયા
આ બધું થયું ત્યારે રિક્ષા ચાલક ત્યાં જ હતો. પરંતુ, પૂજા આવું કંઈક કરવા જઈ રહી છે તેની તેને કલ્પના ન હોવાથી તે બંનેને બચાવી ન શક્યો. ઘટનાની જાણ થતાં જ તેણે તાત્કાલિક સ્થાનિકોને અને પછી પોલીસને જાણ કરી.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. લાંબા સમય સુધી શોધખોળ બાદ પૂજાનો મૃતદેહ મળ્યો પરંતુ બાળકનો મૃતદેહ મળ્યો નહોતો. આ ઘટનાથી મહિલાના પરિવારને મોટો આઘાત લાગ્યો છે.
હાલમાં આ કારણ જ બહાર આવ્યું છે. હવે તો બીજું કોઈ કારણ તેની આત્મહત્યા પાછળ હશે તો પોલીસ તપાસમાં બહાર આવે તેવી સંભાવના છે.