મુંબઈ: બોલિવૂડ એક્ટર ગોવિંદા (Govinda)ના ચાહકો માટે સારા સમાચાર છે. ત્રણ દિવસ પહેલા પગમાં અકસ્માતે ગોળી વાગવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા ગોવિંદાને હવે રજા આપી દેવામાં આવી છે. તેઓ વ્હીલચેરમાં બેસીને હોસ્પિટલની બહાર આવ્યા હતાં અને હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમની પત્ની સુનીતા અને પુત્રી ટીના પણ તેમની સાથે જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર શેર થઇ રહેલા એક વિડીયોમાં ગોવિંદાના પગ પર પ્લાસ્ટર જોવા મળે છે, ગોવિંદા ઘણા લોકોની સાથે હોસ્પિટલની બહાર નીકળતો જોવા મળે છે. ગોવિંદાએ હાથ જોડ્યા અને તેમના પર પ્રેમ વરસાવવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.
1 ઑક્ટોબર મંગળવારની સવારે તેમની લાયસન્સવાળી રિવોલ્વર વડે અકસ્માતે પગમાં ગોળી વાગી જતાં ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતાં, ત્યારે આ ઘટના બની હતી, સવારે 4.45 વાગ્યે આ ઘટના બની હતી.
મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ રહ્યા બાદ ગોવિંદાને હવે રજા આપવામાં આવી છે. આજે બપોરે 1 વાગ્યે ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેને જોવા માટે હોસ્પિટલની બહાર તેના ચાહકોની ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદા તેના ચાહકો અને પેપરાઝીની સામે આવ્યા અને હાથ જોડીને તેનો આભાર વ્યક્ત કર્યો.
હોસ્પિટલની બહાર આવીને તેમણે કહ્યું કે બધાને ખુબ ખુબ પ્રેમ અને નવરાત્રિની શુભકામનાઓ. આ દરમિયાન તેની પુત્રી ટીના તેના આંસુ લૂછતી જોવા મળી હતી.
મીડિયા સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું કે, ‘પ્રેમ વરસાવવા માટે આપ સૌનો આભાર… હવે હું સ્વસ્થ થઈ ગયો છું. તમે બધાએ મારા માટે કરેલી પ્રાર્થનાઓ માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.’
ગોવિંદાને મુંબઈની ક્રિટી કેર એશિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉ. રમેશ અગ્રવાલ તેની સારવાર કરી રહ્યા હતા. ડૉ. રમેશ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે 3-4 અઠવાડિયા સુધી આરામ કરવો પડશે, તેમની કસરતો અને ફિઝિયોથેરાપી ચાલુ છે. તેઓ ઠીક છે. અમે તેમને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. તેઓ ઘરે આરામ કરશે.