મેટિનીસ્પેશિયલ ફિચર્સ

તકલીફ પણ હોશિયાર હોય છે, સહનશક્તિવાળાને જ શોધી કાઢે!

અરવિંદ વેકરિયા

બીજો દિવસે આણંદમાં સૂરજ ઊગ્યો એ પહેલાં આખી રાત બધાં ભેગા મળી ‘રણછોડરાય’. ‘ડાકોર’ અને ‘મેટાડોર’ની વાતો કરી ખૂબ હસ્યા. શો રદ થઈ ગયો એનો વસવસો ડાકોરનાં દર્શન પછી નીકળી ગયો. બાકી, કલાકારને કામ વગર અજાણ્યાં ગામમાં નવરા બેસવું થોડું ગમે? મેં જોયું છે મારા અનુભવે, કે કલાકારોને, પછી એ ‘ટોપ’નાં હોય કે ‘ઉગતા’, એમને નાની- મોટી તકલીફો આવતી જ હોય છે. ત્યારે થાય કે તકલીફો પણ કેટલી હોશિયાર હોય છે, સહનશક્તિવાળાને શોધી જ કાઢે છે. દિવસની તકલીફ તો આણંદ ગામમાં આનંદમાં ફેરવાય ગઈ, પણ બીજા દિવસની સવાર પડતાં જ દેસાઈ નામનું નાટકમાં પાત્ર ભજવતાં રાજેશ મહેતાનો અવાજ સાવ બેસી ગયો.ગઈ કાલનો આનંદ અને પહેલા શો ની સફળતાનો નશો સાવ ઓસરી ગયા. ભ.જો. બધાને સવારે જ બે શોનાં ‘કવર’ આપી ગયો.9

મેં અભયભાઈને આણંદનાં કોઈ ઈ.એન.ટી. સર્જન માટે પૂછ્યું. રાજેશભાઈ કહે, ‘કોઈ જરૂર નથી, આઈસક્રીમ ખાઈશ એટલે ગળું સારું થઈ જશે! ’ મને નવાઈ લાગી. મારી મધર મને હમેશાં કહેતાં કે ઠંડું ખાવાથી ગળું ખરાબ થઈ જાય એટલે જે દિવસે શો હોય ત્યારે હું ઠંડા ખાવા-પીવાથી દૂર રહેતો. અહીં આખું વિપરીત સાંભળ્યું. પાછું મને કહે, ‘મારી સાથે આવું જ્યારે બને ત્યારે આ અકસીર ઈલાજ કરું અને સારું પણ થઈ જાય.’ મેં ઘણો ફોર્સ કર્યો કે ડોક્ટરને બતાવી દઈએ, ગળું સાવ બેસી ગયું છે,પણ જીદ છોડે એ મહેતા નહી. સત્યનું પહેલું સ્વાગત હંમેશાં વિરોધથી થતું હોય છે એમ રાજેશભાઈ ન માન્યાં.

ખેર ! હું અને રાજેશભાઈ ફ્રેશ થઈ સવારના પહોરમાં નાસ્તો કરવાને બદલે આઇસક્રીમ શોધવા નીકળ્યાં.આણંદ આમ પણ આવી ચીજો માટે પ્રખ્યાત છે. અમે આઇસક્રીમ પાર્લરમાં પહોંચ્યા. મારી નજર સામે રાજેશભાઈ ૧૦ કેન્ડી ખાઈ ગયા. મારે તો મુક બનીને જોવાનું જ હતું. મનમાં ચિંતા હતી કે પહેલા શોની માઉથ પબ્લિસિટી આમનો બેઠેલો અવાજ શો ધોઈ ન નાખે. એમને ગળું ‘ખોલવાનો’ આવો અનુભવ જે હતો. વીસ વર્ષની ઉંમરે માણસ પોતાની ઇચ્છાથી ચાલે છે, ત્રીસની ઉંમરે બુદ્ધિથી અને ચાલીસ પછી અનુભવથી દોડે છે !

ખેર! અમે હોટલ પર પાછા આવ્યા અને તાજ્જુબ! એમનો અવાજ એકદમ સારો થઈ ગયો. મને આંચકો તો લાગ્યો કે આ કઈ રીતે શક્ય બન્યું હશે? શાંતિ એ થઈ કે હવે શોમાં વાંધો નહિ આવે. હા, અવાજ શો દરમિયન પણ ટકી રહેવો જોઈએ.

સાંજે ઓડિયેન્સ હકડે-ઠઠ હતું. શો પત્યાં પછી રાતનાં જ નીકળી જવાનું હતું. સમયસર શો શરૂ થયો. પ્રેક્ષકોના સુંદર પ્રતિસાદ સાથે શો ચાલી રહ્યો હતો. મારો અને કોલગર્લની ભૂમિકા ભજવતી રજની સાલિયનનો સીન ચાલુ હતો. ત્યાં અચાનક વચ્ચેથી એક વ્યક્તિ લથડતી ચાલે આવતી મને દેખાઈ, પણ મેં સીન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવારમાં એ માંડ માંડ ચાલતી વ્યક્તિ સ્ટેજ પાસે આવીને ઊભી રહી. મને કહે : અરવિંદ વેકરિયા, ‘હું ડી.એસ.પી. મકવાણા’ રજની એ વ્યક્તિ અને એની વર્તણૂક જોઈ એકદમ ગભરાય ગઈ. મેં મારા પાત્રમાંથી બહાર નીકળી પ્રેમથી કહ્યું, ‘શો પછી મળીએ હમણા તમારી આ રીતની હાજરી નાટકમાં પ્રેક્ષકોને રસક્ષતિ ઊભી કરે છે.’

‘…પછી તો મળીશું જ! એ અહીં આવો’ કહીને એ કહેવાતાં ડી.એસ.પી.એ બૂમ મારી. બે સગીર વયની બાળાઓ, ચહેરા પર લપેડા કરેલી એમની ડાબે-જમણે ગોઠવાઇ ગઇ. એમનાં ખભા પર હાથ મૂકી મને કહે, ‘તમને આવી ખોટી કોલગર્લ સાથે સીન ભજવવાની શું મજા આવે? આ બંને સાચુકલી જ કોલગર્લ છે એમની સાથે ભજવો.’

ત્યાં બીજા બે હવાલદાર પ્રગટ્યા: ‘સાહેબ. ચાલો ..પછી સાથે મળીશું..ખરાબ લાગે આવું.. ચાલો..ચાલો’ કહીને માંડ માંડ એ ડી.એસ.પી. ને બહાર ખેંચી ગયા. રજની તો સ્તબ્ધ! હું પણ ગભરાય તો ગયો જ હતો. એ કહેવાતા ડી.એસ.પી. મકવાણા ખૂબ ‘પીધેલા’ હતા. એને જેમતેમ પેલાં બે હવાલદાર, એમને હલાવતા-હલાવતા લઈ ગયા. એ દરમિયાન પણ એ મકવાણાનો બબડાટ ચાલુ હતો : ‘બતાવવું તો
સાચું બતાવવું. આ બંનેને સ્ટેજ ઉપર રમતી મૂકી દીધી હોત તો નાટકને ચાર ચાંદ લાગી જાત’.

રણછોડરાયની કૃપા કે નાટક ફરી શરૂ થતા ગાડી પાછી ‘ગિયર’માં આવી ગઈ. હવે તો જલ્દી નાટક પૂરું કરી સીધા મુંબઈ ભેગા થવાની તાલાવેલી લાગી ગઈ. સાલુ, ડી.એસ.પી. જેવી પદવી મેળવનાર સાવ આવા? જો કે માણસની એક મોટી અને બહુ ખરાબ આદત છે : ન મળે તો ધીરજ નથી રાખતો અને બધું મળે તો કદર નથી કરતો… ઝટ શો પૂરો કરી ભાગવા સિવાય બીજો મગજમાં વિચાર જ નહોતો. દહેશત હતી કે શો પછી ફરી પેલી ‘બે’ ને લઇને પીધેલો ડીએસપી હાજર ન થઇ જાય… પછી તો શો પૂરો કરી બધાએ સ્ટેશન તરફ રીતસર દોટ મૂકી.


આપે છે બધાં જખ્મો પણ મને મારું કરવાની આદત પડી છે,
બીજાને દોષ આપી શું કરું, મને તો મારી જ શરાફત નડી છે.


દુનિયાનો સારામાં સારો સિંગર મચ્છર છે. એનું ગીત ગમે કે ન ગમે પણ તાળીઓ તો વગાડવી જ પડે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત