સ્ટાર-યાર-કલાકાર: મખમલી મિજાજના ગીતકાર મજરુહ સુલ્તાનપુરી
-સંજય છેલ
એકવાર સંગીતકાર જતીન-લલિતના ઘરે ગીતકાર આનંદ બક્ષી આવ્યા. ત્યાં એક વયોવૃદ્ધ શાયરને જોઇને બક્ષીએ ‘હેલો અંકલ!’ કહીને ટીખળ કરી.
શાયર ભડકીને બોલ્યા: ‘બક્ષી, યે મત ભૂલો હમ તુમ્હારે ઝેહની બાપ હૈ…!’ એટલે કે માનસિક પિતા છું! એ રૂવાબદાર શાયર એટલે મજરૂહ સુલ્તાનપુરી, જેમણે ૧૯૪૬થી ૨૦૦૦ સુધી ૫૬ વરસ સતત હજારો ગીતો લખ્યાં, જે આજેય એક રેકોર્ડ છે. ‘દાદાસાહેબ ફાળકે’ જેવો એવોર્ડ મેળવનારા પ્રથમ ગીતકાર હતા. ૧લી ઓક્ટો. ૧૯૧૯ના રોજ યુ.પી.ના સુલ્તાનપુરમાં જન્મેલા મજરૂહજીની હમણાં જ ૧૦૫મી જન્મજયંતી ગઇ.
મજરૂહનું મૂળ નામ અસરાર હતું. ‘મજરૂહ’ ઉપનામનો અર્થ છે જખ્મી. મજરૂહ યુનાની ડોકટરીનું ભણ્યા એટલે ઉર્દૂ સાથે પર્શિયન ભાષા શીખેલી, જેનાથી શાયરીનો રંગ લાગ્યો. પછી અંગ્રેજ સત્તા વિરૂદ્ધ ક્રાંતિકારી ગઝલોથી મુશાયરાઓ ગજાવ્યા. એમના શાયર-ગુરૂ જીગર મુરાદાબાદીની સલાહથી ફક્ત રોટી કમાવા મજરૂહજીએ ૧૯૪૬માં પહેલીવાર ‘શાહજહાં’ ફિલ્મમાં કે. એલ. સાઈગલનું ગીત : ‘જબ દિલ હી ટૂટ ગયા…’ લખ્યું ને પછી એવા તો છવાઇ ગયા કે છેક છેલ્લે શાહરૂખની ફિલ્મ ‘વન-ટુ કા ફોર’-ના ‘ખામોશિયાં ગુનગુનાને લગી…’ સુધી અદ્ભુત ગીતો લખ્યાં. છેક ૭૦માં વરસે ‘પહેલા નશા પહેલા ખુમાર’ જેવું ટીનએજરોનું રોમેંટિક ગીત લખનાર મજરૂહે ‘જાનમ’ ‘ચંદનિયા’ જેવા અનેક નવા શબ્દો ઉર્દૂ-હિંદી ભાષાને પણ આપ્યા.
જેમ જુવાનીમાં બ્રિટિશરો સામે બગાવત કરેલી એમ આઝાદી બાદ નહેરુ સરકારનો ક્રાંતિકારી શાયરીથી ખુલ્લો વિરોધ કરતાં, જેથી એકવાર જેલ પણ થયેલી, જે નહેરુને ગમ્યું નહોતું એટલે એમણે રાજકપૂરને કહ્યું: ‘૨-૩ મહિનાની વાત છે. મજરૂહના પરિવારનું ધ્યાન રાખજો..!’ રાજકપૂર ચૂપચાપ મજરૂહના ઘરે પૈસા મોકલતા, પણ રાજકપૂરની ફિલ્મોમાં તો મજરૂહના હરીફ કવિ શૈલેંદ્ર જ ગીતો લખતાં એટલે મજરૂહે પૈસા પાછા મોકલ્યા, પણ પૈસાના બદલામાં રાજકપૂરે મજરૂહ પાસે એક ગીત લખાવ્યું: ‘દુનિયા બનાને વાલે કયા તેરે મન મેં સમાઈ?’
વરસો બાદ શૈલેંદ્રએ ‘તીસરી કસમ’ ફિલ્મ પ્રોડ્યુસ કરી ત્યારે ફિલ્મમાં એ ગીતને મૂકવા રાજકપૂરે કહ્યું ત્યારે મજરૂહે કહ્યું કે ગીતકાર તરીકે મારું નામ ના આપતા… એમાં તો મારા મિત્ર શૈલેંદ્રનું ખરાબ દેખાશે કે પોતાની જ ફિલ્મમાં પોતાના હરીફ પાસે હવે ગીત લખાવવું પડે છે?’ તોય સિદ્ધાંતવાદી શૈલેંદ્રએ પણ જીદ કરીકે કે ગીતકારમાં નામ તો મજરૂહનું જ આવશે. છેવટે રાજકપૂરે વચલો રસ્તો કાઢીને હસરતનું નામ રખાવ્યું. કેવા મોટા ગજાના માણસો-કલાકારો ને નેતાઓ હતા એ સમયે!
૫૬ વરસ મજરૂહે વેરાયટીવાળાં ગીતો લખ્યાં: ‘દે દે મેરે પાંચ રૂપૈયે બારા આના’ જેવુ ફની ગીત હોય કે ‘ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે…’ હોય કે ‘ચૂરા લિયા હૈ, તુમને જો દિલ કો…’ કે પછી ‘હમે તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે’ જેવાં રોમેંટિક ગીતો હોય, પણ મજરૂહને ફિલ્મી ગીતોઓમાંયે કાવ્યનો ભાષાશુદ્ધિનો આગ્રહ. આનંદ બક્ષી માટે કહેલું: ‘યે સિર્ફ ગાને લિખતે હૈં, શાયર થોડે હી હૈ?’
(જવાબમાં બક્ષીએ ‘બોબી’ ફિલ્મનું મૈં શાયર તો નહીં- ગીત લખેલું.) ગુલઝારના ‘ગીત નામ ગુમ જાયેગા..’ માટે આખાબોલા મજરૂહે કહેલું કે નામ ગુમ હો જાયેગા.’સાચું વાક્ય છે…, ‘ગુલઝાર, ગ્રામર બગાડે છે.!’ એકવાર સંગીતકાર અનુ મલિકે ‘અકેલે હમ, અકેલે તુમ’. ફિલ્મના ગીતમાં ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા, પહેલી નઝરમેં પહેલી બાર હો ગયા..’ જેવી પંક્તિ રાખી તો મજરૂહ ભડક્યા: ‘પહેલી નઝરમેં પહેલા પ્યાર હોગા તો ક્યા દૂસરી નઝરમેં દૂસરા ઔર તીસરી નઝરમેં તીસરીબાર હોગા? ગાના હૈ યા ગણિત?! ’
ઘણીવાર હું જે ફિલ્મો લખી રહ્યો હતો એમાં મજરૂહસાહેબને મળવાનું થતું.નવા સંગીતકારો-નિર્માતા એમને છંછેડતા અને ભોળા મજરૂહ રિસાઈ જતા. પછી હું એમનો પક્ષ લેતો. ક્યારેક એમના કાંપતા હાથને ઝાલીને કાર સુધી મૂકવા જતો ત્યારે લાગતું કે સંગીત-સાહિત્યના એક અણમોલ ઈતિહાસને હું રસ્તો પાર કરાવી રહ્યો છું.
મજરૂહે ૧૯૪૬થી નૌશાદ, રોશન, એસ.ડી અને આર. ડી.બર્મન, લક્ષ્મી-પ્યારેથી લઈને અનુ મલિક, જતીન લલિત કે એ.આર.રહેમાન સુધી ચાર પેઢીના સંગીતકારો સાથે કામ કર્યું. મેં લખેલી શાહરૂખની ફિલ્મ: ‘વન-ટુ કા ફોર’માં સંંગીતકાર એ.આર.રહેમાને અડધી રાત્રે તામિળ ગીત સંભળાવ્યું. હું સાક્ષી છું કે મજરૂહસાહેબે પાંચ જ મિનિટમા તામિળ ગીતની ધૂન પર લખ્યું: ‘તીરછી નઝરો સે ના દેખો આશિકે દિલગીર કો, કૈસે તિરંદાઝ હો? સીધા તો પકડો તીર કો!’
મજરૂહ પહેલા પેન્સિલથી લખતા પછી પેનથી.. કારણ કે એ કહેતા: ‘મેરે લિયે લિખના પવિત્ર કામ હૈ, જબ મૈં પૂરી તરહ તૈયાર હોતા હૂં, તબ હી કલમ ઉઠાતા હૂં!’
૧૯૮૦નાં દૌરમાં ડિસ્કો-મ્યુઝિક માટે મજરૂહજી કહેતા: ‘જબ હમ ભાગ રહે હૈં. તુમ ભી ભાગ રહે હો, તબ ભાગતે ભાગતે શાયરી કૈસે હો સકતી હૈ?’
મજરૂહ લગભગ નાસ્તિક અને કોમવાદીઓને ખૂબ ધિક્કારે. સંગીતકાર નૌશાદ મજરૂહના વેવાઇ થાય, પણ નૌશાદને મુસ્લિમ ગાયકો-શાયરો માટે બહુ પક્ષપાતી. મજરૂહે આનો ખૂલ્લો વિરોધ કરેલો અને વેવાઇ સાથે કામ કરવાનું છોડી દીધેલું!
એક વાર પત્નીની જિદને કારણે મજરૂહે હજ પર જવું પડેલું. ત્યાં પહોંચીને કાબાની પવિત્ર દીવાલને હાથ લગાડવા જતા હતાં ત્યાં એમનો હંમેશાં કાંપતો હાથ અચાનક થંભી ગયો ને એમણે મનમાં કહ્યું : નહીં…યે મેરા ખુદા નહીં હો સકતા!’ ને કાબાની પવિત્ર દીવાલને અડ્યા વિના પાછા ફરી ગયા. અન્યાયી અને અસમાનતાવાળી દુનિયા માટે ખુદા તરફ એમને અનેક ફરિયાદો હતી. મજરૂહજીના જુવાન દીકરાએ આત્મહત્યા કરેલી એની નારાજગી પણ હોય. આ કિસ્સો જ્યારે કહેલો ત્યારે એમની વૃદ્ધ આંખમાં થીજી ગયેલાં આંસુમાં સેંકડો ગઝલ તરતી દેખાતી.
સૌથી રિસાઇ જનારા મજરૂહનો કદાચ ઈશ્વર સાથેય રિસામણાંનો સંબંધ હશે.