સિંગાપોરમાં ભારતીય મૂળના પૂર્વ પ્રધાનને કોર્ટે ૧૨ મહિનાની જેલની સજા ફટકારી
સિંગાપોરઃ સિંગાપોરમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ પરિવહન પ્રધાન એસ. ઇશ્વરનને આજે હાઇ કોર્ટે ૧૨ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેમને જાહેર સેવક તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બે ઉદ્યોગપતિ મિત્રો પાસેથી સાત વર્ષમાં ૪૦૩,૩૦૦ સિંગાપુર ડોલરની કિંમતની ભેટ લેવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
૨૪ સપ્ટેમ્બરે ૬૨ વર્ષીય ઇશ્વરનને ભેટ લેવા અને ન્યાયમાં અવરોધ લાવવાના ચાર ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સજા સંભળાવવા દરમિયાન ન્યાયાધીશ વિન્સેન્ટ હૂંગે જણાવ્યું કે તેમણે ફરિયાદ અને બચાવ પક્ષ બંને તરફથી સજા પર વિચાર કર્યો હતો, પરંતુ તેઓ બંને સ્થિતિઓ પર સહમત થવામાં અસમર્થ રહ્યા હતા. ન્યાયાધીશે જણાવ્યું કે પૂર્વ પ્રધાને ભેટ લઇને પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે ઇશ્વરને જાહેર નિવેદન આપીને આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.
ન્યાયાધીશે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં ઇશ્વરને તેના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢતા ખોટા ગણાવ્યા હતા. તેમને વિશ્વાસ હતો કે તે છૂટી જશે. ન્યાયાધીશે કહ્યું કે જાહેર સેવક તરીકેનું પદ જેટલું ઊંચું હશે તેટલું જ દોષિત હોવાનું સ્તર વધારે રહેશે.
ઇશ્વરનના વકીલ દવિન્દર સિંહે આઠ મહિનાથી વધુ સજા ન કરવા માટે દલીલ કરી હતી. ડેપ્યુટી એટર્ની જનરલ તાઇ વેઇ શિયોંગે છથી સાત મહિનાની સજાની માંગ કરી હતી. ઇશ્વરનના વકીલોએ સજાને ૭ ઓક્ટોબર સુધી મોકૂફ રાખવાની માંગ કરી હતી અને ઇશ્વરનને તે જ દિવસે સાંજે ૪ વાગ્યે કોર્ટમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું.