જગત જનનીના આશીર્વાદ લેવા એકસાથે પહોંચ્યા કોંગ્રેસ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ અને પછી…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી બારણે ટકોરા દઇ રહી છે ત્યારે નવરાત્રીનો પાવન તહેવાર પણ આવી ચૂક્યો છે અને આ દરમિયાન માં જગદંબાનો આશીર્વાદ લેવા માટે કટ્ટર હરિફ કૉંગ્રેસ અને ભાજપ બંનેના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ એક જ સમયે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: નહેરુ-ગાંધીની ત્રણ પેઢીથી અનામતનો વિરોધ કરાઇ રહ્યો છે: બાવનકુળે
નાગપુરમાં આવેલા અંબે માતાના પ્રસિદ્ધ મંદિરમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળે એકસાથે પહોંચ્યા હતા અને તેમણે માતાજીના આશીર્વાદ લીધા હતા. નવરાત્રીના પહેલા દિવસે બંનેએ આ મંદિરમાં થયેલી આરતીમાં ભાગ લીધો હતો અને માં જગત જનનીના આશીર્વાદ લીધા હતા.
માતાજીના દર્શન બાદ બાવનકુળેએ કહ્યું હતું કે જગદંબા એ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોળેની કુળદેવી છે અને હું પણ નાનપણથી અહીં પૂજા કરતો આવ્યો છું. આજે પણ લોકો જે અહીં માગે છે, તે લોકોને મળે છે. મેં માતાજી પાસેથી મહારાષ્ટ્રની 14 કરોડ જનતા સુખી અને સમૃદ્ધ રહે તેવા આશીર્વાદ માગ્યા છે. મહારાષ્ટ્રના ખેતમજૂરો અને ખેડૂતો પર કોઇ નૈસર્ગિક આફત ન આવે, તેવી પ્રાર્થના મેં કરી હતી. મેં માતાજી પાસેથી તેમના ભક્ત તેમની પાસેથી જે કંઇ માગે તે તેમને આપવાની પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો: રાજ્યમાંથી 15 હજાર છોકરીઓ ગુમ થઇ છે, નાના પટોળેના નિવેદનથી ખળભળાટ
જ્યારે નાના પટોળેએ કહ્યું હતું કે આ મારા કુળદેવી છે અને હું અહીં અવારનવાર આવતો હોઉં છું. મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા એ આપણું પહેલું કર્તવ્ય છે. આપણા અન્નદાતાઓ જે સરકારની ખોટી નીતિઓના કારણે મોટાપાયે આત્મહત્યા કરી રહ્યા છે તેમને સમૃદ્ધી મળે અને આ સરકારથી છૂટકારો મળે તેવી પ્રાર્થના મેં કરી હતી.