આમચી મુંબઈ

કલ્યાણમાં ભૂતપૂર્વ નગરસેવિકાના પતિનું અપહરણ કરી ખંડણી માગનારા પકડાયા

સમસ્યાઓના સમાધાનને બહાને જ્યોતિષની જાળમાં સપડાવ્યો: કલ્યાણની રૂમમાં પિસ્તોલની ધાકે બાંધી રાખ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભૂતપૂર્વ નગરસેવિકાના પતિનું કથિત અપહરણ કર્યા બાદ 20 લાખ રૂપિયાની ખંડણી માગવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સમસ્યાઓના સમાધાન માટે જ્યોતિષ પાસે લઈ જવાને બહાને અપહૃતને પિસ્તોલની ધાકે કલ્યાણની એક રૂમમાં પૂરી રાખવામાં આવ્યો હતો.

માનપાડા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગિરીશ રમેશ ખૈરે (50), વિનયકુમાર કૃષ્ણ યાદવ ઉર્ફે રાઘવ (22) અને વિનાયક કિસન કરાડે (35) તરીકે થઈ હતી. તેમની પાસેથી અઢી લાખની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી. અપહરણનું કાવતરું અપહૃતના ઓળખીતા ગિરીશ ખૈરેએ ઘડ્યું હોવાનો દાવો પોલીસે કર્યો હતો. કલ્યાણની ભૂતપૂર્વ નગરસેવિકાના પતિને તેમની બધી સમસ્યાઓનું સમાધાન કરાવવા જ્યોતિષ પાસે જવાની સલાહ ખૈરેએ આપી હતી. આ માટે ખૈરેએ તેના સાથી વિનાયક કરાડેને જ્યોતિષની ભૂમિકા ભજવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : સીએસએમટીથી 10 મહિનાની બાળકીનું અપહરણ: મહિલા સહિત બેની ધરપકડ

જ્યોતિષ પાસે લઈ જવાને બહાને ભૂતપૂર્વ નગરસેવિકાના પતિને કલ્યાણમાં સખુબાઈ પાટીલ નગર સ્થિત એક ઢાબાની પાછળના નિર્જન સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આરોપીઓએ પિસ્તોલની ધાકે અપહૃતને એક રૂમમાં ખુરશી સાથે બાંધી રાખ્યો હતો. આ રૂમ પણ ખૈરેએ જ ભાડે લીધી હતી. ગુનામાં વપરાયેલી પિસ્તોલ બિહારથી લાવવાનું કામ આરોપી યાદવને સોંપાયું હતું, જેના માટે તેને 15 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

કહેવાય છે કે અપહરણ બાદ નગરસેવિકા પાસેથી 20 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ પ્રકરણે માનપાડા પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી અપહૃતને છોડાવ્યો હતો. જોકે આરોપી ફરાર થઈ ગયા હતા. બાદમાં કલ્યાણના કોલસેવાડી, ચક્કી નાકા ખાતેથી આરોપીઓને તાબામાં લેવાયા હતા. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button