એકસ્ટ્રા અફેર

ગાય રાજ્યમાતા, સારો નિર્ણય ભ્રષ્ટાચારમાં ના અટવાઈ જાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એક મોટો નિર્ણય લઈને ગાયને રાજ્યમાતા જાહેર કરી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં એલાન કરાયું છે કે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગાયને રાજયમાતા જાહેર કરવાનો આ નિર્ણય લેવામાં
આવ્યો છે.

આ આદેશ પ્રમાણે, દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે શ્રેષ્ઠ છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય સારવાર પદ્ધતિ, ગૌમૂત્ર સજીવ ખેતી પદ્ધતિમાં પણ ગાયનું ખૂબ મહત્ત્વ છે તેથી સરકારે ગાયને રાજ્યમાતા જાહેર કરી છે. સરકારના કહેવા પ્રમાણે, દેશી ગાય આપણા ખેડૂતો માટે વરદાન છે, તેથી અમે ગાયને રાજ્યમાતાનો દરજજો આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય પ્રમાણે, રાજ્ય સરકાર હવે પછી દેશી ગાયના પોષણ અને ઘાસચારા માટે મદદ કરશે.

શિંદે સરકારનો નિર્ણય સારો છે કેમ કે ગાય હિંદુઓની આસ્થા સાથે જોડાયેલું પ્રાણી છે. ભારતમાં ગાયને માતાનો દરજજો મળેલો છે અને હિંદુ ધર્મમાં ગાયની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાં તમામ ૩૩ કરોડ દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. આ કારણે ગાય પૂજનીય છે અને ગૌવંશની રક્ષા કરવી હિંદુઓની ફરજ છે.

ગાય સાથે જોડાયેલી શ્રદ્ધાને જોતાં શિંદે સરકારનો નિર્ણય સરાહનીય છે કેમ કે આપણે ત્યાં ગાય સમાજને સૌથી મદદરૂપ પ્રાણી હોવા છતાં સૌથી ઉપેક્ષિત પ્રાણી છે. હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવી કેમ કે પૌરાણિક કાળથી ગાય લોકોનું પોષણ કરે છે. વૈદિક અને પૌરાણિક કાળમાં પણ ભારતમાં ગૌવંશ જ લોકોની તંદુરસ્તી સાચવતો હતો. ગાયો દૂધ આપતી એ પીને લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાતી. બળદ ખેતીના કામમાં વપરાતા અને ખેતી તો આજે પણ આપણા અર્થતંત્રની કરોડરજજુ જ છે. અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે તેથી બળદોનું મહત્ત્વ પહેલાં જેવા ના રહ્યું પણ સદીઓ પહેલાં કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે બળદ જ આપણી ખેતીને ચલાવતા અને આપણને ખાવા માટે અનાજ આપતા.

આ કારણે આપણે ગાયને માતા માનીને પૂજીએ છીએ અને ગાય તમામ હિંદુઓ માટે પવિત્ર મનાય છે પણ ગાય જેટલી અવદશા બીજા કોઈ પ્રાણીની નથી થતી. ભારતમાં રસ્તા પર જેટલી ગાયો રઝળે છે તેટલા પ્રમાણમાં બીજું કોઈ પ્રાણી રઝળતું નહીં દેખાય. તેનું કારણ એ કે, હિંદુ ધર્મમાં ભલે ગાયને પવિત્ર ગણાવાઈ હોય પણ મોટા ભાગના ગાય પાળનારાં માટે ગાય કમાણીનું સાધન છે.

ગાયો દૂધ આપે ત્યાં લગી તેમના માલિકો તેમને સાચવે ને ગાયના દૂધની કમાણી પર તાગડધિન્ના કરે, પણ જેવી ગાય દૂધ આપતી બંધ થઈ કે તેમના માટે નકામી થઈ ગઈ. ગાય વસૂકી જાય એટલે પછી તેને રસ્તે રઝળતી છોડી દે. દેશનાં મોટા ભાગનાં શહેરોમાં આ રીતે તરછોડી દેવાયેલી ગાયો રસ્તા પર બેઠી હોય છે ને તેમની કોઈ કાળજી સુધ્ધાં નથી લેતું.

ભારતમાં હજારો ધાર્મિક સંસ્થાઓ છે અને મંદિરો છે. તેમની કમાણી કરોડોમાં છે પણ આ ગાયો પાછળ થોડોક ખર્ચ કરીને તેમને સાચવવાની તેમની તૈયારી નથી હોતી. કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ પોતાની રીતે ગાયોની સેવા માટે મથ્યા કરે છે, પણ મંદિરો કે ધાર્મિક સંસ્થાઓ ચૂપ રહે છે. ગાયની આ અવદશા સામે કોઈ કશું બોલતું નથી, તેમને ગાય માતા છે એ વાત યાદ આવતી નથી કે તેની પૂજા કરવી જોઈએ એ પણ સૂઝતું નથી. આ રીતે લાખો ગાયો રસ્તે રઝળતી હશે પણ તેમની સેવા માટે કશું થતું નથી.

આ ગાયો પ્લાસ્ટિક ને બીજો ગંદો કચરો ખાઈને પેટ ભરે છે ને પછી તેના કારણે આફરો ચડી જાય કે શ્ર્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તરફડીને મરતી હોય છે. આપણા રાજકારણીઓ કે ધર્મના બની બેઠેલા આગેવાનો કદી એ મુદ્દે વાત નથી કરતા કેમ કે એ વાત કરવા જાય તો રસ્તે રઝળતી ગાયોની સંભાળ લેવી પડે એટલે તેરી બી ચૂપ, મેરી બી ચૂપ કરીને બધા ચૂપ રહે છે.

આપણે ખરેખર ગાયોને રાજમાતા માનતા હોય તો આ સ્થિતિ બદલવી જોઈએ કેમ કે રાજમાતા રસ્તે રઝળતી હોય તેનાથી મોટું અપમાન શું હોઈ શકે ? એકનાથ શિંદે સરકારે સારો નિર્ણય લીધો, પણ ખરેખર સરકાર ગાયને રાજમાતા માનતી હોય તો રસ્તે એક પણ ગાય રઝળતી ના દેખાય એવી સ્થિતિ સર્જવી પડે. ખાલી સરકારી રાહે જાહેરાત કરી દેવાથી કામ ના ચાલે. રાજમાતાનું ગૌરવ પણ જાળવવું પડે.

આ ગૌરવ જાળવવા માટે ગાયોને રસ્તે રઝળતી કરનારાંને સજાની જોગવાઈ કરતા કાયદા બનાવવા પડે. ગાયનો માત્ર કમાણી માટે ઉપયોગ કરીને પછી તેમને તરછોડી દેનારાંને આકરી સજા થાય ને બીજાં કોઈ એવી હરકત કરતાં પણ ડરે એવી સ્થિતિ સર્જવી પડે. આ ઉપરાંત રઝળતી ગાયોને સાચવવાની અને તેમના માટે ખોરાકની વ્યવસ્થા કરવી પડે. રસ્તા પરની ગાયો ઘણી વખત ગંભીર ઈજાનો ભોગ બને છે,બીમાર થઈ જાય છે. તેમની તાત્કાલિક સારવાર થાય એ પ્રકારનું તંત્ર ગોઠવવું પડે.

ભારતમાં ગૌરક્ષા એક મોટો ધંધો બની ગયો છે. અત્યારે પણ દેશભરમાં હજારો ગૌશાળાઓ અને કહેવાતી સેવાભાવી સંસ્થાઓ ચાલે છે કે જે રઝળતી ગાયોને સાચવવાના દાવા કરે છે, પણ વાસ્તવમાં બહુ ઓછી ગૌશાલા કે સેવાભાવી સંસ્થાઓ સાચી સેવા કરે છે. ગાયોની સેવાના નામે બારોબાર સરકારી ગ્રાન્ટ ચાઉં કરી જવાના ધંધા ચાલે છે ને તેમાંથી ઘણાંનાં ઘર ચાલે છે. મહારાષ્ટ્ર સરકાર ગાયને રાજ્યમાતા જાહેર કરીને જે ગ્રાન્ટ વાપરવા માગે છે તેમાં પણ આ ધંધો થવાનો ખતરો છે જ એ જોતાં રાજ્ય સરકારે આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય એ પણ જોવું પડશે. ગાય માતા પોતાનો ઘાસચારો કોઈ બીજું ખાઈ જાય તો સરકારને ફરિયાદ કરવા જવાનાં નથી એ જોતાં સરકારે જ તકેદારી રાખવી પડે.

ભારતમાં ભ્રષ્ટાચાર એ હદે વ્યાપેલો છે કે, ભલભલા સારા નિર્ણયો પણ તેના કારણે ફારસરૂપ બની જાય છે. શિંદે સરકારનો નિર્ણય ફારસરૂપ ના બને ને ગૌમાતા માટેની
પાઈએ પાઈ ગૌમાતા પાછળ જ વપરાય એવી આશા
રાખીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button