સ્પોર્ટસ

ઇરાની કપના આ બૅટરનો પણ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો, ‘મને સિલેક્શન વખતે યાદ રાખજો’

મુંબઈના 537 રન સામે રેસ્ટ ઑફ ઇન્ડિયાના 289/4

લખનઊ: પાંચ દિવસની ઇરાની કપ મૅચમાં મુંબઈના સરફરાઝ ખાને (222 અણનમ, 286 બૉલ, ચાર સિક્સર, પચીસ ફોર) યાદગાર ડબલ સેન્ચુરીથી રણજી ચૅમ્પિયન મુંબઈને 537 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો ત્યાર બાદ રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઓપનર અભિમન્યુ ઈશ્વરને (151 નૉટઆઉટ, 212 બૉલ, એક સિક્સર, બાર ફોર) સમયસર સદી ફટકારીને નૅશનલ સિલેક્ટર્સને ગર્ભિત ઇશારો કરી દીધો હતો કે આગામી ટેસ્ટ-સિરીઝો વખતે ટીમ પસંદ કરતી વખતે મને પણ દાવેદાર ગણજો.

ઈશ્વરને છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં સદી ફટકારી છે.

ભારતની આગામી ટેસ્ટ-શ્રેણી ન્યૂ ઝીલૅન્ડ સામે અને પછી ઑસ્ટ્રેલિયા સામે છે. ભારત જો કિવીઓ સામે 3-0થી ક્લીન સ્વીપ કરશે તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.

ગુરુવારે ઇરાની કપમાં ત્રીજા દિવસની રમતને અંતે રેસ્ટ ઑફ ઇન્ડિયાનો સ્કોર ચાર વિકેટે 289 રન હતો. ઈશ્વરનની સાથે વિકેટકીપર ધ્રુવ જુરેલ (30 નૉટઆઉટ, 41 બૉલ, એક સિક્સર, ચાર ફોર) રમી રહ્યો હતો. ઈશ્ર્વરને 100 રન 117 બૉલમાં અને 150 રન 208 બૉલમાં પૂરા કર્યા હતા.

આ પણ વાંચો : આઇસીસીએ વર્લ્ડ કપમાં મહિલા ક્રિકેટરોની કઈ મોટી ચિંતા દૂર કરી આપી?

કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ફક્ત નવ રન બનાવીને મોહમ્મદ જુનેદ ખાનના બૉલમાં પૃથ્વી શૉના હાથમાં કૅચઆઉટ થયો હતો. સાઇ સુદર્શન (32 રન), દેવદત્ત પડિક્કલ (16) અને ઇશાન કિશન (38) પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. મુંબઈના પેસ બોલર મોહિત અવસ્થીએ બે વિકેટ તેમ જ મોહમ્મદ જુનેદ ખાન અને તનુષ કોટિયને એક-એક વિકેટ લીધી હતી. સ્પિનર શમ્સ મુલાનીને 87 રનમાં એકેય વિકેટ નહોતી મળી.

એ પહેલાં, મુંબઈનો પ્રથમ દાવ 537 રનના સ્કોર પર પૂરો થયો હતો. બુધવારે સાંજે 536/9ના મુંબઈના સ્કોર સાથે સરફરાઝ ખાન 221 રને નૉટઆઉટ હતો અને ગુરુવારે મુંબઈની છેલ્લી વિકેટ પડતાં સરફરાઝ 222 રને અણનમ રહ્યો હતો. રેસ્ટ ઑફ ઇન્ડિયાના પેસ બોલર મુકેશ કુમારે સૌથી વધુ પાંચ વિકેટ તેમ જ યશ દયાલ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ સારાંશ જૈને લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button