નેશનલમનોરંજન

વિરોધના વંટોળ બાદ તેલંગણાના પ્રધાને સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા સંબંધી ટિપ્પણી પાછી ખેંચી

હૈદરાબાદ: અભિનેતા દંપતી સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડા માટે વિપક્ષી બીઆરએસના નેતા કે. ટી. રામારાવને દોષી ઠેરવતી ટિપ્પણીઓ પર ચારે તરફથી વિરોધ અને ટીકાનો વંટોળ ફૂંકાયા બાદ તેલંગણાના પ્રધાન કોંડા સુરેખાએ ગુરુવારે તેમનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.

બીજી તરફ સામંથા અને નાગા ચૈતન્યએ એવો ખુલાસો કર્યો હતો કે તેમના અલગ થવાનો તેમનો નિર્ણય આપસી સમજૂતીથી લેવામાં આવ્યો હતો.

ચિરંજીવી, નાગાર્જુન, જુનિયર એનટીઆર, વેંકટેશ, પ્રકાશ રાજ અને ખુશ્બુ જેવી અનેક સિને હસ્તીઓએ કોંડા સુરેખાની ટિપ્પણી બાબતે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.

જેમ જેમ વિરોધ વધતો દેખાયો તેમ કોંગ્રેસના તેલંગણા એકમે સુરેખાએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ પાછી ખેંચી લીધી હોવાથી સિનેમા ઉદ્યોગને આ વિવાદનો અંત લાવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો : સમંથાથી છૂટા પડી નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ, જૂઓ બન્નેનો ટ્રેડિશનલ લૂક

સુરેખાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે બીઆરએસના કાર્યકારી પ્રમુખ રામારાવ દ્વારા તેમના (સુરેખા) વિશે કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ બાદ લાગણીશીલ બની ગઈ હોવાથી અન્ય કલાકારોના નામ લેવા પડ્યા હતા.

મારે તેમની (રામારાવ) ટીકા કરવી હતી. મારે કોઈની સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. કોઈ પરિવારનું નામ લેવું એ અજાણતા થયેલું કૃત્ય હતું. તેણીની ટ્વિટ (સામંથાનું ઈન્સ્ટાગ્રામ) જોઈને મને ખરેખર ખરાબ લાગ્યું હતું. ગઈકાલે રાત્રે જ મેં મારી ટિપ્પણીઓ બિનશરતી પાછી ખેંચી લેવાનો સંદેશ આપતી એક પોસ્ટ કરી હતી એમ સુરેખાએ કહ્યું હતું.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર, સામંથાએ લખ્યું હતું કે ચૈતન્ય સાથેના તેના વિભાજન પાછળ કોઈ રાજકીય કાવતરું નહોતું, જેની જાહેરાત 2021 માં કરવામાં આવી હતી.

સામંથાએ પ્રધાન (સુરેખા)ને વ્યક્તિઓની ગોપનીયતા પ્રત્યે જવાબદાર અને આદર રાખવા વિનંતી કરી હતી.

‘મારા છૂટાછેડા એ અંગત બાબત છે, અને હું વિનંતી કરું છું કે તમે તેના વિશે અટકળો કરવાનું ટાળો. વસ્તુઓને ખાનગી રાખવાની અમારી પસંદગી ખોટી રજૂઆતને આમંત્રણ આપતી નથી.’

ચૈતન્યએ યાદ કર્યું કે તેના અને સામંથા દ્વારા ‘ઘણો વિચાર કર્યા પછી’ પરસ્પર નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘અમારા જુદા જુદા જીવનના લક્ષ્યોને લીધે અને બે પુખ્ત વયના લોકો તરીકે આદર અને ગૌરવ સાથે આગળ વધવાના હિતમાં આ નિર્ણય શાંતિથી લેવામાં આવ્યો હતો. જો કે, આ બાબતે અત્યાર સુધી વિવિધ પાયાવિહોણી અને સંપૂર્ણપણે હાસ્યાસ્પદ ગપસપ ચાલી રહી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button