6, 6, 6, 4, 6, 6…સુરતમાં સ્ટાર ક્રિકેટરે ઓવરમાં ફટકાર્યા 34 રન
સુરત: અહીં લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી), 2024 નામની સ્પર્ધા ચાલી રહી છે જેમાં બુધવારે ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર માર્ટિન ગપ્ટિલે (131 અણનમ, 54 બૉલ, અગિયાર સિકસર, નવ ફોર) ધમાલ મચાવી દીધી હતી. તેણે ધમાકેદાર અણનમ સેન્ચુરી તો ફટકારી જ હતી, એ સદી દરમ્યાન તેણે વેસ્ટ ઇન્ડિઝના નવીન સ્ટુઅર્ટ (2-0-63-0) નામના ફાસ્ટ બોલરની એક ઓવરમાં 34 રન ખડકી દીધા હતા.
ગપ્ટિલે સ્ટુઅર્ટની પાવરપ્લેમાં અંતિમ ઓવરના છ બૉલમાં આ પ્રમાણેના (6, 6, 6, 4, 6, 6) છ સ્કોરિંગ શૉટથી સુરતનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. ગપ્ટિલની આ સેન્ચુરી મૅચ-વિનિંગ સાબિત થઈ હતી.
ગપ્ટિલ સધર્ન સુપર સ્ટાર્સ ટીમમાં હતો અને એ મૅચ કોનાર્ક સૂર્યાઝ સામે હતી. ઇરફાન પઠાણના સુકાનમાં કોનાર્ક સૂર્યાઝ ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 192 રન બનાવ્યા હતા જેમાં સાઉથ આફ્રિકન વિકેટકીપર અને ઓપનર રિચર્ડ લિવીના 63 રન હાઈએસ્ટ હતા. સર્ધન વતી પેસ બોલર સુબોધ ભાટીએ સૌથી વધુ ત્રણ અને શ્રીલંકન ચતુરંગા ડિસિલ્વાએ બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો :પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને EDએ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
સધર્ન સુપર સ્ટાર્સે માત્ર 16 ઓવરમાં ફક્ત બે વિકેટના ભોગે 195 રન બનાવીને (24 બૉલ બાકી રાખીને) વિજય મેળવ્યો હતો. ગપ્પિટલના અણનમ 131 રન સિવાય બીજો કોઈ બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. કૅપ્ટન-વિકેટકીપર શ્રીવત્સ ગોસ્વામીએ 18 રન બનાવ્યા હતા.
કોનાર્ક વતી બાવન વર્ષના જાણીતા લેગ-સ્પિનર પ્રવીણ તામ્બેએ અને ઑસ્ટ્રેલિયન પેસ બોલર બેન લૉફલિને એક-એક વિકેટ લીધી હતી.
છ ટીમ વચ્ચેની આ ટૂર્નામેન્ટમાં સધર્ન સુપર સ્ટાર્સ ટીમ 10 પૉઇન્ટ સાથે મોખરે છે. આ ટીમ તમામ પાંચ મૅચ જીતી છે. ઇરફાનની કોનાર્ક ટીમ (4 પૉઇન્ટ) અને ઇયાન બેલના સુકાનમાં રમતી ઇન્ડિયા કૅપિટલ્સ ટીમ (4 પૉઇન્ટ) સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ટૂર્નામેન્ટની અન્ય ત્રણ ટીમમાં ગુજરાત જાયન્ટ્સ (કૅપ્ટન શિખર ધવન), મણિપાલ ટાઇગર્સ (કૅપ્ટન હરભજન સિંહ) અને અર્બનાઇઝર્સ હૈદરાબાદ (કૅપ્ટન સુરેશ રૈના)નો સમાવેશ છે.