લાડકીસ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિમાં પુરુષો માટે ૯ સંકલ્પ: સ્ત્રી સન્માન ને સશક્તીકરણ તરફ પ્રથમ ડગલું..

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

નવરાત્ર એટલે માતાજીની ઉપાસનાનો પર્વ.

જોકે આ મહાપર્વ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ આત્મપરીક્ષણ અને જાતને સુધારવાનો સમય છે.

આખરે આ નવ દિવસ એ માત્ર નાચ-ગાનના દિવસો નથી. આ નવ દિવસ શક્તિની આરાધનાના પણ છે. અને આરાધના પણ કેવી? માત્ર કર્મકાંડથી જ આરાધના કરવી? શક્તિના સન્માનમાં સ્ત્રી પ્રત્યેની વિચાર પ્રક્રિયા કે આચરણ વિશે જે કંઈ ચાલે છે એ ચાલવા દેવાનું ? કે પછી એમાં ય ફેરફાર કરવાનો ?

અંગત રીતે હું માનું છું કે આ નવ દિવસમાં, પુરુષો પણ કેટલાક સંકલ્પ લઈને સ્ત્રી સન્માન અને સશક્તીકરણ તરફ એક ડગલું ભરી શકે છે માટે જ આજે આપણે એવા નવ સંકલ્પ વિશે વાત કરીશું જે દરેક પુરુષે પોતાના જીવનમાં અપનાવવા જોઈએ.

સંકલ્પ -૧
સ્ત્રીને સમાન માન આપવું…
પ્રથમ અને સૌથી મહત્ત્વનો સંકલ્પ એ છે કે દરેક સ્ત્રીને પુરુષ સમાન માન આપે. ઘરમાં હોય કે બહાર, કામકાજમાં હોય કે સમાજમાં, દરેક સ્ત્રીને સમાન અધિકારો અને આદર મળવો જોઈએ. આપણે સ્ત્રીઓને માત્ર ઘરની ચાર દીવાલો સુધી સીમિત ન રાખી શકીએ અથવા તો જો સ્ત્રી બહાર પણ નીકળે છે તો આપણે કંઈ એના પર ઉપકાર નથી કરતા. બહાર ફરવું કે બહાર કામ કરવું એ સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે. પુરુષ જો એમ માનતો હોય કે હું એની કરિઅરમાં એને મદદ કરું છું અથવા તો મેં એને પરવાનગી આપી છે તો હવે પુરુષે એના વિચાર બદલવાના છે. આવું કરશે એટલે આપોઆપ એની અંદર સમાનતાનો ભાવ આવશે..

સંકલ્પ -૨
સ્ત્રીની પ્રગતિમાં સહભાગી બનો…
સ્ત્રીની પ્રગતિ માત્ર એના પર નિર્ભર નથી, પરંતુ પુરુષે પણ તેમાં સહભાગી બનવું જરૂરી છે. એનાં સપનાં પૂરા કરવા માટે પુરુષે એને પ્રોત્સાહિત કરવી જોઈએ, એને શિક્ષિત કરવામાં મદદ કરવી જોઈએ અને એના કાર્યક્ષેત્રમાં સમર્થન આપવું જોઈએ. એ માટે જો સ્ત્રીનાં ઘરનાં કેટલાંક કામ માથે લેવા પડે તો લઈ લેવા, પણ ફાલતું જેવાં કામ કે ફાલતું જેવા રિવાજો આગળ ધરીને એને અટકાવી ન શકાય. રિવાજ કે કામ એ આપણે ઊભી કરેલી સિસ્ટમ છે. એ સિસ્ટમ કોઈ એક જ વ્યક્તિ માટે અવરોધનું કારણ ન બની શકે.

સંકલ્પ -૩
સ્ત્રીને થતાં અન્યાયના વિરોધમાં બોલો…
જ્યારે કોઈ સ્ત્રી સાથે અન્યાય થાય ત્યારે ચુપ રહેવું એ પણ અન્યાય છે. પુરુષે આના વિરોધમાં અવાજ ઉઠાવવો જોઈએ ને અન્યાય સામે લડવું જોઈએ. જોકે એને માટે સૌથી પહેલી જરૂર છે પુરુષ દ્વારા પોતે જ મા-બહેનની ગાળોનું ત્યજવું. પુરુષ સૌથી મોટું અપમાન પોતે જ કરતો હોય છે. કોઈ પણ વાતમાં મા-બહેનની ગાળો દેતો હોય છે. આ ખુદ પુરુષ જ અટકાવી શકે.

| Also Read: કવર સ્ટોરી : જોખમી આટાપાટા એફએન્ડઓના વિનાશક ખેલામાં ૯૩ ટકા સટોડિયાની ખાનાખરાબી

સંકલ્પ -૪
ઘરનાં કામમાં સહભાગી બનો…
ઘરનાં કામમાં સહભાગી બનો… ઘરનું કામ માત્ર સ્ત્રીનું કામ નથી. પુરુષે પણ ઘરના કામમાં સહભાગી બનવું જોઈએ. આનાથી સ્ત્રીને થોડો આરામ મળશે અને એ પોતાનાં અન્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વળી, સ્ત્રીને આપણે ઘરકામ કરવા પરણીને નથી લાવ્યા. ‘ઘરકામ કરવું એ સ્ત્રીની જ જવાબદારી છે’ એ ગેરમાન્યતા મનમાંથી કાઢી નાખવી.

સંકલ્પ -૫
સ્ત્રીને સન્માન આપતી ભાષા વાપરો..
આપણી ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ છે. જો આપણે સ્ત્રીને સન્માન આપીએ છીએ તો આપણે એની સાથે સન્માનપૂર્વક વાત કરવી જોઈએ. આપણે સ્ત્રી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું બંધ કરવું જોઈએ. સ્ત્રી એ કોઈ માલ કે આઈટમ નથી. પુરુષે ગાળો ઉપરાંત આવી ભાષા અને આવી વૃત્તિ પર પણ પ્રતિબંધ મૂકવો પડશે.

સંકલ્પ -૬
સ્ત્રી સંબંધિત મુદ્દાઓ પર જાગૃત રહેવાનો સંકલ્પ કરો…
સ્ત્રી સંબંધિત મુદ્દાઓ જેવા કે લિંગ ભેદભાવ, ગૃહહિંસા, બાળલગ્ન વગેરે વિશે જાગૃત રહેવું જરૂરી છે. આપણે આ મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ ને અન્ય લોકોને જાગૃત પણ કરવા જોઈએ. ખાસ તો આપણા સંતાનને આ વિશે શીખવી – માહિતગાર કરી ભવિષ્યના સારા નાગરિકો તૈયાર કરવા.

| Also Read: સાયબર સાવધાની : સાયબર સર્જિકલ સ્ટ્રાઈકનો વિચાર ઉમદા પણ પરિણામ?

સંકલ્પ -૭
પુત્રી – પુત્રને સમાન તક આપો…
ઘણા પરિવારોમાં પુત્ર અને પુત્રીને સમાન તક મળતી નથી. પુરુષોએ આ પરંપરાને તોડવી જોઈએ અને પુત્રી અને પુત્ર બંનેને સમાન શિક્ષણ અને તક આપવી જોઈએ. દીકરી છે એટલે પરણીને બીજે ઘેર જ જવાની છે એવી માનસિકતા છોડવી. દીકરીનું ભણતર એને જ ભવિષ્યમાં કામ આવશે. એના પરિવારને પણ પછી કામમાં આવશે !

સંકલ્પ -૮
સ્ત્રીના સશક્તીકરણ માટે કામ કરવું…
સ્ત્રીઓના શિક્ષણ અને સશક્તીકરણ માટે ઘણાં સંગઠન કામ કરી રહ્યા છે. શક્ય હોય તો પુરુષે આવાં સંગઠનો સાથે જોડાઈને સ્ત્રીના સશક્તિકરણ માટે કામ કરવું જોઈએ. હા, પોતે જો આર્થિક રીતે સધ્ધર હોય તો આવા કોઈ ગ્રુપને આર્થિક મદદ કરવી. આ રીતે અનેક મહાશક્તિઓને સુંદર ભવિષ્યની ભેટ આપી શકાય છે.

સ્ત્રીને આદર આપો…
સ્ત્રી પ્રત્યેનો આદર એ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ તે આપણાં કાર્યોમાં પણ દેખાવું જોઈએ. આપણે સ્ત્રીને એનાં દરેક ક્ષેત્રમાં આદર આપવો જોઈએ.

આવાં નવ સંકલ્પ જો પુરુષ કરે ને એને અમલમાં મૂકે તો ખરા અર્થમાં આ નવરાત્રિમાં એણે શક્તિપૂજા કરી લેખાશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત