તિરુપતિ મંદિરમાં પ્રાયશ્ચિત મુદ્દે ટ્રોલ થઇ રહ્યા છે ડે. સીએમ પવન કલ્યાણ
અભિનેતામાંથી ડેપ્યુટી સીએમ બનેલા પવન કલ્યાણ તિરુપતિ લાડુ પ્રસાદ વિવાદ બાદ ફરી ચર્ચામાં છે. આ દિવસોમાં પવન કલ્યાણનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે ભગવાન તેમને તેમના કર્મોનું ફળ આપી રહ્યા છે. આપણે આ બાબત વિસ્તારથી જાણીએ.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં YSRCP શાસન દરમિયાન તિરુપતિ લાડુની તૈયારીમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. નાયડુના આરોપોના પગલે પવન કલ્યાણે કહ્યું હતું કે તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગ વિશે અગાઉ જાણ ન કરવા બદલ તેમને અફસોસ છે. જેના કારણે તેઓ 11 દિવસના પ્રાયશ્ચિત ઉપવાસ પર હતા. ત્યાર બાદ તેમણે પગપાળા તિરૂપતિ મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.
પવન કલ્યાણે બુધવારે તેમની બે દીકરી સાથે તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત બદલ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકત એ છે કે તિરુમાલા મંદિરના પગથિયાં ચડવા એ કોઈપણ માટે સરળ કાર્ય નથી, અને લોકો માટે વચ્ચે વિરામ લેવો સામાન્ય છે. પવન કલ્યાણ પણ તેમાં અપવાદ નથી. જો કે, ટ્રોલ્સ તેને સતત નિશાન બનાવી રહ્યા છે. તેઓ એક લોકપ્રિય સ્ટાર હોવાથી લોકો તેમને શારીરિક રીતે મજબૂત અને ચપળ હોવાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત તેઓ લોકોને એમ પણ જણાવી ચૂક્યા છે કે તેમણે માર્શલ આર્ટ્સની તાલીમ લીધી છે, જેને કારણે લોકોની અપેક્ષામાં વધારો થયો છે.
આ પણ વાંચો : Tirupati Laddu Row: તિરુપતિ લાડુ વિવાદથી દુ:ખી ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, 11 દિવસના ઉપવાસ કરશે
તિરૂપતિ મંદિરના પગથિયાં ચડતી વખતે તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે વારંવાર થોભવું પડ્યું હતું. તેમની બોડી લેંગ્વેજ પરથી લાગતું હતું કે તેઓ થાકથી ભાંગી પડવાની આરે હતા. તેમની સાથે તેમની ટીમ પણ હતી. પવન કલ્યાણ ચઢતી વખતે રસ્તામાં જ્યાં પણ વિસામો ખાવા રોકાતા હતા ત્યાં તેમની ટીમના સભ્યો તેમને હાથપંખાથી હવા નાખતા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને તેઓ લોકોના નિશાના પર આવી ગયા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે પવન કલ્યાણ ડ્રામા કરી રહ્યા છે. તેઓ તેમના કાર્યોની સજા ભોગવી રહ્યા છે. એક વ્યક્તિએ તો એવી પણ કોમેન્ટ કરી હતી કે આ વ્યક્તિને અસ્થમા અને પીઠનો દુખાવો છે, છતાં શું આવું નાટક કરવું જરૂરી છે? કેટલાકે લખ્યું છે કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ઓછા પ્રયત્નોએ પગથિયાં ચઢી શકે છે. પવન કલ્યાણ આવી ટિપ્પણીઓથી ટ્રોલ થઈ રહ્યા છે.
જોકે, કેટલાક લોકો તેમનો બચાવ પણ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે 55 વર્ષની ઉંમરે થઆક લાગવો સ્વાભાવિક છે. જોકે, કેટલાક લોકોએ એમાં આધ્યાત્મિક મુદ્દો પણ ઉમેર્યો છે અને લખ્યું છે કે જો કોઈની ભક્તિ સાચી હોય, તો ભગવાન પોતે ભક્તો માટે મુસાફરીને સરળ બનાવે છે.
પવન કલ્યાણ વિશે વાત કરીએ તો રાજકારણમાં તેમનો પ્રવેશ 2008માં થયો હતો. તેઓ તેમના ભાઈ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીમાં અધ્યક્ષ તરીકે જોડાયા હતા, પણ જ્યારે ચિરંજીવીએ કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું ત્યારે તેઓ નારાજ થયા હતા. 2014માં તેમણે પોતાની જનસેનાની સ્થાપના કરી હતી અને 2017થી તેઓ રાજકારણમાં સક્રિય છે.