મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ શેરિંગ પર સમજૂતિ થઇ, ટૂંક સમયમાં થશે જાહેરાત…
મુંબઇઃ આગામી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી મહાયુતિ ગઠબંધન એટલે કે ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે તૈયાર છે. ભાજપ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે ત્યારબાદ શિવસેના અને એનસીપીનો નંબર આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ 150 થી 155 સીટો પર, શિવસેના 90 થી 95 સીટો પર અને એનસીપી 40 થી 45 સીટો પર ચૂંટણી લડી શકે છે.
બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે ગઠબંધનના નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ગઠબંધનના ઘટક પક્ષોની વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કરવામાં આવશે. મોટાભાગની બેઠકોની વહેંચણી પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર 25 બેઠકોની ચર્ચા કરવાની બાકી છે જે માટે બેઠકના બે રાઉન્ડ યોજાશે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનામાં ભાગલા નહોતા પડ્યા.
શિવસેના ઠાકરે અને શિંદે જૂથ સાથે જ હતા અને તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં લડ્યા હતા. અજિત પવાર પણ તેમના કાકા શરદ પવાર સાથે હતા આ પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં ઘણી રાષ્ટ્રીય ઉથલપાથલ જોવા મળી છે. 2019 માં બહુમતી મળવા છતાં પણ ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર બની શકી નહોતી નવેમ્બર મહિનામાં દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે સીએમ તરીકે શપથ લીધા હતા. અજીત સવારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ સાથે સરકાર બનાવવા માટે તેમની પાર્ટી છોડી દીધી હતી. તેમને નાયબ મુખ્ય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. જો કે, ત્રણ દિવસ પછી બંનેએ રાજીનામું આપી દીધું હતું અને અજીત તેમના કાકા શરદ પવાર સાથે પાછા જતા રહ્યા હતા.
આ પછી ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. તેમણે 28 નવેમ્બરના રોજ ફ્લોર ટેસ્ટ પાસ કરી હતી. ઉદ્ધવ ઠાકરેને જૂન 2022 માં મોટો ફટકો પડ્યો હતો. તેમની પાર્ટીના એકનાથ શિંદે કેટલાક વિધાન સભ્યોના જૂથ સાથે એનડીએમાં જોડાયા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિંદેને સીએમ બનાવવામાં આવ્યા હતા અને ફડણવીસ ડેપ્યુટી સીએમ બની ગયા હતા. થોડા મહિના પછી અજિત પવાર ફરી એકવાર તેમના કાકાથી અલગ થઈ ગયા હતા અને કેટલાક નેતાઓ સાથે મહાયુતિ ગઠબંધનમાં જોડાઈ ગયા હતા અને ફરીથી ડેપ્યુટી સીએમ બની ગયા હતા.