સુમસામ રસ્તે ગુંડાઓના હુમલાથી બચવા કપલે દોડાવી કાર અને ….
પુણેઃ ઘણી વાર લોકો રોડ માર્ગે પોતાની કારમાં બહારગામ કે કામધંધા અંગે બહાર જવાનું પસંદ કરે છે. પરિવાર સાથે એકાદ બે દિવસની નાની ટ્રિપ માટે પણ તેઓ કારમાં જતા હોય છે, જેમાં ક્યારેક રાતના સમયે પણ ડ્રાઇવિંગ કરતા હોય છે, કારણ કે રાતના સમયે રસ્તા મોટા ભાગે ખાલી મળતા હોય છે, તેથી ટ્રાફિકજામની સમસ્યા નડતી નથી, પણ પુણેના એક આઈટી એન્જિનિયરને મોડી રાતે ડ્રાઇવિંગ કરતી વખતે ઘણો ભયાનક અનુભવ થયો હતો. આપણે વિગતે જાણીએ.
મહારાષ્ટ્રના પુણેથી કારમાં જઈ રહેલા આઈટી એન્જિનિયર અને તેની પત્ની પર રસ્તામાં ઉભેલા ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના 29 સપ્ટેમ્બરના રોજ સવારે 1.30 વાગ્યે બની હતી. એન્જિનિયર કરનાની તેમના પરિવાર સાથે લવાલે-નાંદે રોડ થઈને મુલશી તાલુકાના નાંદે ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. કરનાનીએ દાવો કર્યો હતો કે તેઓ જ્યારે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે લગભગ 40 લોકોની ભીડ લાકડીઓ અને પથ્થરોથી સજ્જ હતી. આ ટોળાએ તેમની કાર પર હુમલો કર્યો હતો.
આઈટી એન્જિનિયર રવિ નારાયણ કરનાનીનું કહેવું છે કે તેઓ તેમની પત્ની સાથે કારમાં હતા. આ દરમિયાન લોકોએ તેની કારનો ઘણા દૂર સુધી પીછો કર્યો અને તેમના પર હુમલો કરતા રહ્યા. આ દરમિયાન તેઓ પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હુમલા દરમિયાન કારને પણ નુકસાન થયું હતું. કરનાનીનો આરોપ છે કે આ ગંભીર ઘટના હોવા છતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક કોઇ મદદ કરી નહોતી. તેઓ જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે એફઆઈઆર નોંધવાને બદલે પોલીસે માત્ર અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
જોકે, આ મામલે પોલીસનું કહેવું છે કે હુમલાખોરો સ્થાનિક ગ્રામીણ હતા, જેઓ કરનાની અને તેના પરિવારને ‘અજાણ્યા ઘૂસણખોરો’ ગામમાં આવી ગયા હોવાનું માનતા હતા. મોડી રાત્રે ગામમાં બહારના લોકોએ પ્રવેશ કર્યો હોવાનું લાગતા ગ્રામજનોએ તેમને શંકાસ્પદ સમજી તેમના પર હુમલો કર્યો હતો. પોલીસનો દાવો છે કે ગામવાસીઓ તેમના ગામની સુરક્ષા કરી રહ્યા હતા. તેઓ અજાણ્યા લોકોથી ડરતા હતા, તેથી જ તેમણે કરનાની અને તેમની કાર પર હુમલો કર્યો હતો.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કરનાની અને તેના પરિવારે પોલીસ પાસે સુરક્ષા તેમજ ન્યાયી તપાસની માંગણી કરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને ગુનેગારોને સજા મળે. આ ઘટનાએ આ વિસ્તારના કાયદા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આઈટી પ્રોફેશનલ અને તેના પરિવાર પર આવો હુમલો સ્થાનિક પોલીસની કામગીરી પર તો સવાલો ઉઠાવે જ છે, સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં બહારના લોકો સાથે કેવું વર્તન કરવામાં આવે છે તે પણ દર્શાવે છે. આ ઘટના બાદ કરનાની અને તેનો પરિવાર ઘણો ડરી ગયો છે