તને સાસરે સાસુ ‘મા’ મળશે !
કૌશિક મહેતા
ડિયર હની ,
મને ખબર છે તને તારી ફ્રેન્ડ પૂછતી હશે કે, ‘પતિ કેવો છે? ઘરમાં બધુ કેમ છે?’ એની સાથે એ પણ ખાસ પૂછતાં હશે કે ‘સાસુ કેવી છે?’
સમાજમાં સામાન્ય રીતે એવું જ મનાય છે કે, સાસુ – વહુ વચ્ચે ૩૬નો આંકડો હોય છે. સાસુ તો વહુને પહેલેથી જ દાબમાં રાખે અને એમાં વહુ સાસુને ફાવવા ના દે .. આ લડાઈ ચાલતી આવી છે અને પૂરું થવાની નામ લેતી નથી.
માને દીકરો એની પત્નીના એટલે કે વહુના હાથમાં જતો ના રહે એની ચિંતા હોય છે તો પત્નીને પતિ માવડિયો ના બને એ માટે એ બધું કરી છૂટે છે. અહીંથી શરૂઆત જંગની થાય છે પછી ‘તું તું.. મે મે’ ચાલ્યા કરે છે.
| Also Read: વિશેષ : ગર્ભવતી મહિલાઓ પર તોળાય છે ઝીકા વાયરસનું જોખમ
-પણ તને હું ખાતરી આપું છે કે, મારી બા અને તારી સાસુ બધા માનતા હોય છે એવી નથી જ. એ બહુ મમતાળું છે. એ તો માણસભૂખી છે. અને સાચું કહું તો એને દીકરી નથી ને એટલે એ વહુમાં દીકરી શોધે છે.સાથે એની ય ગેરેન્ટી આપું છે કે, તું સાસુમાં ‘મા’ શોધીશ તો તને નિરાશા તો હાથ નહીં જ આવે. મારી વાતમાં વિશ્ર્વાસ ના પડતો હોય તો ભાભી એટલે કે તારી જેઠાણીને પૂછી જોજે.
ભાભી શહેરી કલ્ચરમાં ઉછર્યા નહોતા. એ સાસરે આવ્યા ત્યારે સ્વાભાવિક છે કે, આપણાં ઘરની રીતભાતથી પરિચિત નહોતાં. અને બાય પાછાં રોટલે મોટા એટલે મહેમાનોની અવરજવર રહે, પણ બાએ ભાભીને બધુ શીખવ્યું. એક પ્રસંગ તને કહેવો છે…
ભાભીની પહેલી ડિલિવરી હતી. બાએ ત્યારે બહુ સંભાળ લીધી હતી. ત્યારે બાને દીકરીની આશા હતી પણ દીકરો આવ્યો. પણ બાની સારસંભાળમાં કોઈ ઓટ આવવા દીધી નહોતી. આપણે ત્યાં રિવાજ છે કે સુવાવડ બાદ સવા મહિને વહુ એના ઘેર જાય. ભાભી માવતર જતાં હતાં. ભાભીએ બાળક સાથે ડેલી બહાર પગ મૂક્યો. એમની આંખમાં આંસુ હતા. બાની આંખ પણ ભીની હતી. કોઈ વહુ એના માવતર નહીં, પણ કોઈ દીકરી એના સાસરે જતી હોય એવું એ દ્રશ્ય હતું. આપણાં ભાડૂઆત તો બોલ્યા ય ખરા કે આ તો મા દીકરીને વળાવતી હોય એવું લાગે છે.
| Also Read: હટીને લખવા કરતાં લખવામાંથી હટી જા…!
આવી છે મારી બા. તું જરા ય ચિંતા ના કરતી. તું એક ડગલું એના તરફ ભરીશને તો એ બે ડગલાં સામે માંડશે..ને વહાલનો દરિયો બની જશે. તને ના માવતરની યાદ આવશે ના તારી માની. તને મારી બામાં તારી માની છબી દેખાવા લાગશે, કારણ કે મારી બા છે જ એવી. એ પારકાને પોતીકા કરી જાણે છે. એની લાગણીઓ સામે તું અળગી રહી જ નહીં શકે. તું પણ એની લાગણીના પ્રવાહમાં તણાઇ જ જઈશ.
મારી બા પાસેથી ઘણું શીખવા જેવું છે. એ અન્નપૂર્ણા છે. અમારા ઘેર સગાવહાલા કે મિત્ર પરિવાર બાની રસોઈના કારણે ખેંચાઇ આવતા હોય છે. એ ૨૫ – ૫૦ માણસની રસોઈ એકલા હાથે કરી શકે છે.
એનાથી ય વધુ માણસો જમવાના હોય તો ય એને અમે કદી ટેન્શનમાં જોઈ નથી. સવારે વહેલા ઊઠી એ કામગીરી શરૂ કરી દે છે અને સવારે ૧૧ વાગ્યે ત્યાં સુધીમાં તો મોટાભાગની રસોઈ થઈ ગઈ હોય!
એ વાનગીઓની રેસીપી બૂક છે. એમાં નાવીન્ય પણ એટલું જ. એ તહેવારોમાં અવનવી આઈટમ બનાવે. સેવ-મમરા, ગાંઠિયા અને ચવાણાના ડબાના તળિયા દેખાય અને એમાં છેલ્લે જે ભુક્કો હોય એમાંથી એ સૂકા સમોસાં બને એ તો મારી બા જ બનાવી શકે. કોઈ નમકીનવાળા એ જોઈ જાય તો એના માટે રોયલ્ટી ચૂકવવા તૈયાર થઈ જાય. તહેવારોમાં તો સગાવહાલા, આડોશી પાડોશીને ત્યાં નાસ્તા કરવા માટે એમને આમંત્રણ હોય. કોઈ વીઆઇપી હોય એમ એના શિડ્યુલ બને. આટલા વાગ્યે અહીં અને પછી તહીં…. અને આ બધામાં અમારે ક્યારેય નાસ્તામાં ચા મોડી મળી હોય કે, જમવામાં મોડું થયું હોય એવું બને નહીં. એ સાચા અર્થમાં મલ્ટિટાસ્કિંગ કરી જાણે છે. મોટાભાગની ગૃહિણી એવી જ હોય છે. તારે એની પાસેથી ટાઈમ મેનેજમેન્ટ પણ શીખવા જેવું છે. એ તારી પાસે કોઈ નવી વાત કે વાનગીની રેસીપી હશે તો એ સ્વીકારવા પણ એનું મન ખુલ્લુ હોય છે.
| Also Read: તંદુરસ્તી-મનદુરસ્તી: ડિપ્રેશન (વિષાદ) શું છે?, ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા…
મારી બા કોઈને વળતરની અપેક્ષા વિના મદદ કરતી હોય છે. એ તારી ફ્રેન્ડ, ગાઈડ અને ફિલોસોફર બની શકે એમ છે. એની પાસેથી શીખી શકાય એટલું શીખી લેજે. મારી બા સંબંધોની પાઠશાળા છે. એ તને અહીં સાસરિયાં જેવું લાગવા નહીં દે. ઘરની યાદ જરૂર તને આવશે, પણ સાસરામાં પણ એ ઘર જેવું ફિલ કરાવશે. આ એનો જન્મજાત સ્વભાવ છે. એણે એમાં કોઈ પ્રયાસ કરવા પડતાં નથી.
મારી બાની આવી તો કેટલીય વાતો છે. ક્યારેક નિરાંતે વધુ વાત કરીશું. એના સંગમાં તું કોરીકટ રહી જ નહીં શકે. એના લાગણીના વાઈરસ એવા છે કે જલ્દીથી સામેવાળાને સંક્રમિત કરી નાખે છે એટલે સાસુની જે ઇમેજ સમાજમાં ફરતી રહે છે કે પ્રસ્થાપિત થઈ છે એનાથી વિપરિત સાસરામાં આ સાસુમામાં તને ‘મા’ મળશે.
તારો બન્ની