લાડકીસ્પેશિયલ ફિચર્સ

કથા કોલાજ : પહેલી એશિયન અમેરિકન પહેલી અશ્વેત ઉપરાષ્ટ્રપતિ

-કાજલ ઓઝા-વૈદ્ય

નામ: કમલા હેરિસ
સ્થળ: વોશિંગ્ટન ડીસી
સમય: ૨૦૨૪
ઉંમર: ૫૯ વર્ષ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હું પહેલી અશ્ર્વેત મહિલા છું. એશિયન ઓરિજિન ધરાવતી પહેલી વાઈસ પ્રેસિડેન્ટ. હું જ્યારે વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઊભી હતી ત્યારે સૌને લાગતું હતું કે, અમેરિકન લોકો મને વોટ નહીં આપે… હું અમેરિકન મૂળની નથી માટે! પરંતુ, હવે મને એક વાત સમજાઈ ગઈ છે કે અમેરિકાની પ્રજા બુદ્ધિશાળી અને પોતાનો નિર્ણય જાતે કરનારી પ્રજા છે. અહીં સ્ત્રીઓનું સન્માન છે અને સ્ત્રી સ્વાતંત્ર્ય વિશે એક સ્પષ્ટ અને દ્રઢ માન્યતા છે. હું પણ આવી જ સ્વતંત્ર માન્યતાનો ઉછેર મેળવી શકી છું. મારી મા શ્યામલા ગોપાલન એક ઈન્ડિયન બાયોલોજીસ્ટ હતી. જેણે બ્રેસ્ટ કેન્સર પર ખૂબ મોટું રિસર્ચ કર્યું. ૧૯૫૮માં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એન્ડોક્રિનોલોજી ઉપર એણે પીએચડી કરવાનું શરૂ કર્યું. ૧૯૬૪માં એને ડોક્ટરેટ મળી ત્યારે એ મારા પિતા ડોનાલ્ડ હેરિસના પ્રેમમાં હતી. એ ઈકોનોમિક્સના પ્રોફેસર હતા અને મૂળ બ્રિટિશ જમૈકાના વતની હતા. એ સમયે અશ્ર્વેત લોકોનું નાગરિક આંદોલન પુરજોશમાં ચાલતું હતું. એમની મુલાકાત મારી મા સાથે આવા એક આંદોલનની રેલીમાં થઈ. એ પછી એ લોકો નિયમિત રીતે મળવા લાગ્યા. પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યાં. હું અને મારી નાની બેન માયા મારા માતા-પિતાના ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ દરમિયાન પહેલાં બર્કલે અને પછી કેલિફોર્નિયામાં આવેલા ફ્લેટલેન્ડ્સ વિસ્તારમાં મોટાં થયાં. અહીંના મોટાભાગના લોકો અશ્ર્વેત હતા. હું બાળપણથી જ અશ્ર્વેત બાળકો માટે કામ કરવા માગતી હતી. હું ૭ વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાના ડિવોર્સ થયા. મારા પિતા હેરિસ મને દર ઓલ્ટરનેટિવ વીકએન્ડ પર મળી શકતા. અમે એમને ઘરે જતાં ત્યારે મને અને મારી બેનને પડોશનાં બાળકો સાથે રમવાની છૂટ નહોતી કારણ કે, એ બધા અશ્ર્વેત હતાં.

જોકે, મારી મા મને દર વર્ષે ભારત લઈ આવતી. મારા કાકા-કાકી, મામા-મામી અને મારા સંપૂર્ણ પરિવાર સાથે અમે સતત સંપર્કમાં રહ્યા. મારી માએ મને હિન્દુ ધર્મની ઓળખ કરાવી. અમે ચેન્નાઈનાં કેટલાંક મંદિરોમાં ગયા જ્યાં મેં હિન્દુ ધર્મ વિશે જાણ્યું. મારા નાના પી.વી. ગોપાલન હવે રિટાયર્ડ ભારતીય સિવિલ સેવક છે. એમણે મને હિન્દુ ધર્મની ઓળખ કરાવતી વાર્તાઓ કહી. મારી મા એ સમયમાં ભણે, અમેરિકા જાય એ માટે મારા નાનાએ ખૂબ પ્રયાસ કર્યો હતો. એમના વિચારો પ્રગતિશીલ હતા અને એ સિવિલ સર્વિસમાં હતા ત્યાં સુધી એમણે મહિલા ઉત્થાન માટે સારા એવા પ્રયાસ કર્યા હતા.

મારી મા સ્વતંત્ર વિચારની હતી. એ પોતાની કારકિર્દી વિશે સભાન અને પ્રતિબદ્ધ હતી. મારા પિતા ભણેલા અને પ્રોફેસર હતા, ખરેખર તો એમણે થોડા સ્વતંત્ર વિચાર રાખ્યા હોત તો સારું થાત, પરંતુ એ શ્ર્વેત હોવાને કારણે એમના મનમાં અશ્ર્વેત અને બ્રાઉન લોકો પ્રત્યે એક વિચિત્ર પ્રકારનો અણગમો હતો, જે સમય જતાં ધીરે ધીરે બહાર આવ્યો, અંતે મારા માતા-પિતાએ છૂટાછેડા લીધા.

આપણે ગમે તે કહીએ, પણ અમેરિકામાં હજીયે રંગભેદ તદ્દન નાબૂદ થયો નથી. મારી સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે મારા પ્રતિદ્વંદ્વી છે, તે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ શ્ર્વેત છે અને એમનો ઝુકાવ અથવા એમની નીતિ શ્ર્વેત લોકો પરત્વે વધુ સહાનુભૂતિ ધરાવે છે.

| Also Read: માનસ મંથન : ગાંધીબાપુનાં વ્રતોમાંથી ને જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણી તપશ્ર્ચર્યા આત્મશુદ્ધિ માટે હોય

વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન સામસામે ઊભા હતા. રસાકસી ભરી ચૂંટણીમાં જો બાયડેન પાછા ખસી ગયા અને એમણે પોતાની જગ્યાએ પાર્ટીમાંથી મારું નામ સૂચવ્યું. લગભગ બધાને લાગ્યું કે, ‘આ કોઈ ફેવર’ છે. મને નવાઈ લાગી, કોઈ સ્ત્રીનું નામ સૂચવવામાં આવે તો એ ‘ફેવર’ હોય અને પુરુષનું નામ સૂચવવામાં આવ્યું હોત તો એ યોગ્ય કેન્ડિડેટ હોત?

આ વખતની અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં રસાકસી થવાની છે. ગઈકાલના એક સર્વે મુજબ ટ્રમ્પથી ૧૬ ટકા વધુ લોકોએ મને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે એટલું જ નહીં, પણ આ ચૂંટણી પર રમાતા સટ્ટામાં પણ ટ્રમ્પ કરતાં ૮ ટકા વધુ લોકો મારા નામની હિમાયત કરે છે. મેં જાહેરાત કરી છે કે, જો હું પ્રેસિડેન્ટ બનીશ તો ઘણા સમયથી પેન્ડિંગ પડેલા અનેક પ્રશ્ર્નોને વાચા આપીશ. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ મેં સ્વાસ્થ્ય સેવામાં સુધાર જે લોકો ઈલિગલ દાખલ થાય છે એ લોકો માટે અમેરિકન નાગરિકતાનો નિયમ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હથિયારો પર પ્રતિબંધ મૂકવાની વાત અને વિદ્યાર્થીઓને-જે પ્રથમવાર ગુનામાં પકડાયા છે એમને સોશિયલ સર્વિસ, રિહેબિલિટેશન અને પરિવારમાં પાછા સ્વીકારવાના પ્રયાસો હું કરતી રહી છું.

જાહેરજીવનમાં પ્રવેશવાનો મારો નિર્ણય બહુ નાની ઉંમરે થઈ ચૂક્યો હતો. હું હેસ્ટિંગ્ઝ કોલેજમાં લો ભણતી હતી ત્યારે જ મને સાન ફ્રાન્સિસ્કોમાં ડિસ્ટ્રિક્ટ એટર્ની કાર્યાલયમાં નોકરી મળી ગઈ. એ પછી અલ્મેડા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની કાર્યાલયમાં મેં ઈન્ટર્નશિપ કરી હતી, એટલે હું મારું કામ જાણતી હતી. એ જ વખતે ૨૦૦૩માં મને પ્રમોશન મળ્યું અને હું ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે ચૂંટાઈ. ૨૦૧૦માં કેલિફોર્નિયાની એટર્ની અને ૨૦૧૪માં ફરીથી એ જ પદ માટે હું ચૂંટાઈ… ૨૦૧૭થી ૨૧ સુધી કેલિફોર્નિયામાંથી યુનાઈટેડ સ્ટેટ્સના જુનિયર સેનેટર તરીકે જવાબદારી નિભાવ્યા પછી મેં સેનેટની ચૂંટણીમાં ભાગ લીધો અને લોરેટા સાન્ચેઝને હરાવ્યા.

| Also Read: સૌરાષ્ટ્રમાં નોરતાનો અનેરો ઉત્સાહ: ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર

૨૦૨૦માં ડેમોક્રેટીક રાષ્ટ્રપતિ પદમાં મારે ભાગ લેવો હતો, પરંતુ મને પ્રાયમરીના પહેલાં રનમાં જ બહાર કાઢી નાખવામાં આવી. હું જાણું છું કે એ વખતે કોઈને મારા ગુણો કે આવડત જાણવામાં રસ નહોતો. ‘મેન્સ ક્લબ’માં કોઈ એક સ્ત્રી દાખલ થાય એ કોઈને મંજૂર નહોતું, કદાચ. એ પહેલાંના રાષ્ટ્રપતિ જો બાયડેને ઓગસ્ટ, ૨૦૨૦માં મને પોતાની સાથે રાખવાની જાહેરાત કરી અને અમે સાથે મળીને ૨૦૨૦ની ચૂંટણી જીત્યા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસે મેં ઉપરાષ્ટ્રપતિની શપથ લીધી, ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, આવનારી ચૂંટણીમાં હું રાષ્ટ્રપતિપદ માટે મારી જાતને તૈયાર કરીશ! આજે હું ડોનાલ્ડ ટ્રમ્પની સામે અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહી છું. નવાઈની વાત એ છે કે, મારી વિરુદ્ધ જ્યારે કોઈ વિગતો નથી મળતી, ત્યારે મારા ચારિત્ર્ય ઉપર આંગળી ચીંધવામાં આવી છે.

ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જાહેર ભાષણમાં મારા એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો. સાથે એવું પણ કહ્યું કે, મારા એક્સ બોયફ્રેન્ડે ડોનાલ્ડ ટ્રમ્પને મારા વિશે કેટલીક ખરાબ વાતો કહી છે… કહી હશે! હું એનો વિરોધ નથી કરતી. દુનિયાનો કોઈપણ સંબંધ તૂટી જાય એ પછી બંને વ્યક્તિઓને એકબીજા વિશે ફરિયાદ હોય જ! હું જ્યારે વિલિ બ્રાઉનને મળી ત્યારે ૨૭ વર્ષની હતી અને વિલિ ૬૦ વર્ષના. એ કેલિફોર્નિયાના મેયર હતા. અમે એક પાર્ટીમાં મળ્યા હતા. હું સિંગલ હતી અને એમના ડિવોર્સને ૧૦ વર્ષ થઈ ચૂક્યા હતા. અમેરિકા જેવા દેશમાં બે સિંગલ લોકો એકબીજાને મળે, ડેટ કરે કે એકબીજા સાથે સમય વિતાવે એમાં કોઈને કશું ખોટું નથી લાગતું! વિલિ બ્રાઉન અને હું બહુ સારા મિત્રો રહી ચૂક્યા છીએ. મારી કારકિર્દી ઘડવામાં એમનો ઘણો મોટો હાથ છે એ વાત મેં હંમેશાં આદરપૂર્વક સ્વીકારી છે, પરંતુ કારકિર્દી એની જ ઘડી શકાય જેનામાં કોઈ ટેલેન્ટ, આવડત અને આગળ વધવાની ધગશ હોય… એમણે મારામાં આવા કોઈ ગુણો જોયા હશે તો જ મારી મદદ કરી હશે ને!

આમ પણ કોઈ સ્ત્રી જ્યારે સડસડાટ પોતાની કારકિર્દીનાં પગથિયાં ચઢતી હોય ત્યારે સામાન્ય રીતે સૌને એવું લાગે છે કે, એણે પોતાના સ્ત્રીત્વનો કે શરીરનો ઉપયોગ કરીને આગળ વધવા માટે કોઈ ‘મોટા’ અને ‘વગદાર’ માણસની મદદ લીધી હશે. આમ જોવા જઈએ તો પુરુષો પણ આવું નથી કરતા? ચાપલુસી, ચમચાગીરી, કોઈના ખોટા કામમાં સહકાર આપીને આગળ નથી વધતા? તો પછી, માત્ર સ્ત્રી ઉપર જ પ્રશ્ર્નાર્થચિહ્ન કેમ લગાડવામાં આવે છે? દરેક સફળ માણસનો કોઈ મેન્ટોર હોય જ છે, પરંતુ પુરુષને એ વિશે કોઈ કશું કહેતું નથી.

હું ડરતી નથી. હાર-જીત તો રાજકારણમાં ચાલ્યા કરે, પરંતુ જો હું જીતીશ તો મેં આપેલાં વચનો ચોક્કસ પૂરાં કરીશ. અત્યારે પણ હું જે કામ કરી રહી છું એમાં કોઈ ખુશ નથી કારણ કે, મેં અનેક લોકોને મારા દુશ્મન બનાવ્યા છે. (ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત