નેશનલ

ઝારખંડમાં નમો.. નમો.. : 80,000 કરોડનાં ખર્ચે 550 જિલ્લાઓમાં 63,000 આદિવાસી-પ્રભુત્વ ધરાવતાં ગામડાંઓનો થશે વિકાસ

આજે ઝારખંડનાં હઝારીબાગમાં રૂ. 80,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતા . શ્રી મોદીએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, 40 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નું ઉદઘાટન કર્યું હતું અને 25 ઇએમઆરએસ માટે શિલારોપણ કર્યું હતું તથા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમાન) હેઠળ વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઝારખંડની વિકાસલક્ષી સફરમાં સામેલ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને થોડાં દિવસો અગાઉ જમશેદપુરની મુલાકાતને યાદ કરીને સેંકડો કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝારખંડનાં હજારો ગરીબોને પાકા મકાનો સુપરત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. રૂ. 80,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં આદિવાસી સમુદાયોનાં સશક્તીકરણ અને કલ્યાણ સાથે સંબંધિત આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સરકારની આદિવાસી સમુદાયો પ્રત્યેની પ્રાથમિકતાનો પુરાવો છે. પ્રધાનમંત્રી મોદીએ આજની પરિયોજનાઓ માટે ઝારખંડ અને ભારતની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :Gandhi Jayanti 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન, રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પી

મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પ્રસંગની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનું આદિજાતિ કલ્યાણ માટેનું વિઝન અને વિચારો ભારતની રાજધાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી માનતાં હતાં કે, ભારત ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે આદિવાસી સમાજો ઝડપથી પ્રગતિ કરે. શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, હાલની સરકાર આદિવાસી ઉત્થાન પર મહત્તમ ધ્યાન આપી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે ‘ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ થશે, જેમાં આશરે રૂ. 80,000 કરોડનાં ખર્ચે આશરે 550 જિલ્લાઓમાં 63,000 આદિવાસી-પ્રભુત્વ ધરાવતાં ગામડાંઓનો વિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપતા કહ્યું કે, આદિવાસી બહુમતી ધરાવતા આ ગામોમાં સામાજિક-આર્થિક જીવનને સુધારવા માટે કામ કરવામાં આવશે અને તેનો લાભ દેશના 5 કરોડથી વધુ આદિવાસી ભાઈ-બહેનો સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે, “ઝારખંડનાં આદિવાસી સમાજને પણ એનો મોટો લાભ થશે.”

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાની ભૂમિ પરથી ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર ઝારખંડમાં પ્રધાનમંત્રી જનમન યોજનાનો શુભારંભ થયો હતો. તેમણે જાહેરાત કરી હતી કે, 15 નવેમ્બર, 2024નાં રોજ જનજાતી ગૌરવ દિવસનાં રોજ ભારત પ્રધાનમંત્રી જનમન યોજનાની પ્રથમ વર્ષગાંઠ ઉજવશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમ-જનમાન યોજના મારફતે વિકાસનાં ફળ દેશનાં એ આદિવાસી વિસ્તારો સુધી પહોંચી રહ્યાં છે, જે પાછળ રહી ગયાં છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પીએમ-જનમાન યોજના હેઠળ આજે આશરે રૂ. 1350 કરોડનાં મૂલ્યનાં વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ થયો હતો. આ યોજના વિશે વાત કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અતિ પછાત આદિવાસી વિસ્તારોમાં વધુ સારા જીવન માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને માર્ગો જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.

ઝારખંડમાં પીએમ-જનમન યોજનાની તેના પ્રથમ વર્ષમાં જ મળેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, અતિ પછાત 950થી વધારે ગામડાંઓમાં દરેક ઘરને પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ૩૫ વનધન વિકાસ કેન્દ્રોને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ અંતરિયાળ આદિવાસી વિસ્તારોને મોબાઇલ કનેક્ટિવિટી સાથે જોડવા માટે થઈ રહેલાં કાર્યો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે પ્રગતિ માટે સમાન તકો પ્રદાન કરીને આદિવાસી સમાજની કાયાપલટ કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે આદિવાસી યુવાનોને શિક્ષણ અને તકો મળશે, ત્યારે આદિવાસી સમાજ પ્રગતિ કરશે. આ માટે શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય નિવાસી શાળાઓનું નિર્માણ કરવાની ઝુંબેશમાં સંકળાયેલી છે. આજે 40 એકલવ્ય નિવાસી શાળાઓનું ઉદઘાટન અને 25 નવી શાળાઓનો શિલાન્યાસ કરીને પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, એકલવ્ય શાળાઓ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવી જોઈએ અને ઉચ્ચ ધોરણનું શિક્ષણ પ્રદાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે સરકારે દરેક શાળાનું બજેટ પણ લગભગ બમણું કરી દીધું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સાચાં પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે. આદિવાસી યુવાનો આગળ વધશે અને તેમની ક્ષમતાથી દેશને ફાયદો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ સંતોષ ગંગવાર અને આદિજાતિ બાબતોનાં મંત્રી જુઆલ ઓરમ ઉપસ્થિત રહ્યાં હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button