બિહારમાં રાહત બચાવ કામગીરી કરી રહેલું હેલિકોપ્ટર થયું ક્રેશ: પૂરના પ્રવાહમાં ખાબક્યું…
મુઝઝફરપુર: બિહારમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલું એરફોર્સનું હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરપુરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર સીતામઢીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું, જો કે હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકો અને પાયલોટ સુરક્ષિત છે. આ અકસ્માત મુઝફ્ફરપુરના ઔરાઈના નયા ગામના વોર્ડ 13માં થયો હતો. હેલિકોપ્ટર પાણીમાં ખાબક્યું હતું અને આ બાદ ભારે અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ખૂબ જ નીચું ઉડી રહ્યું હતું. ત્યારે અચાનક તેમાં આગ લાગી અને તે પૂરના પાણીમાં ખાબક્યું હતું. લોકોએ હેલિકોપ્ટરને પડતું જોયું, ત્યારબાદ ગામલોકો ત્યાં દોડી ગયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ગ્રામલોકોએ સમયસર પહોંચીને હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકો અને પાયલોટને ગ્રામજનોએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં આગ લાગવાને કારણે પાયલટે હેલિકોપ્ટરને પાણીમાં લેન્ડ કર્યું હતું.
સેનાએ આપ્યું નિવેદન:
આ દુર્ઘટનાને લઈને સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એન્જિન ફેલ થયા બાદ પાયલટે હેલિકોપ્ટરને પાણીમાં લેન્ડ કર્યું હતું. એરફોર્સના તમામ કર્મચારીઓ અને પાઇલોટ સુરક્ષિત છે. પાણીમાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. પાયલોટ અને ઘાયલ જવાનોને સારવાર માટે એસકેએમસીએચ મોકલવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.