ઇન્ટરનેશનલનેશનલસ્પોર્ટસ

હિટમૅન રોહિત શર્મા બન્યો કૅપ્ટનોમાં કિંગ, વિરાટનો વિશ્વવિક્રમ તોડ્યો

કાનપુર: બાંગ્લાદેશના ટેસ્ટ ખેલાડીઓ પાકિસ્તાન ખાતેનો તાજેતરનો પ્રવાસ હંમેશાં યાદ રાખશે અને ત્યાર બાદ તેમણે ભારતની જે ટૂર કરી એ હંમેશાં ભૂલવાની કોશિશ કરશે, પણ ભૂલી નહીં શકે. નજમુલ શૅન્ટોની ટીમ પાકિસ્તાનને એની જ ધરતી પર ટેસ્ટ-શ્રેણીમાં 2-0થી હરાવીને ઐતિહાસિક સફળતા મેળવીને ભારત આવી, પણ અહીં તેમણે 0-2થી કારમી હાર જોવી પડી. વરસાદના વિઘ્નોને અંતિમ ટેસ્ટના પહેલા દિવસે ફક્ત 35 ઓવરની રમત થઈ શકી અને ત્યાર પછી પૂરા બે દિવસની રમત ધોવાઈ ગઈ અને છેક ચોથા તથા પાંચમા દિવસ મળીને કુલ સવાબે દિવસની રમત શક્ય હતી જેમાં ભારતે સાત વિકેટે વિજય મેળવ્યો. એ સાથે, રોહિત શર્માની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. તે હાલમાં ટેસ્ટ ટીમોનો સૌથી સફળ કૅપ્ટન છે.

ભારતે કુલ મળીને બે જ દિવસની થયેલી રમતમાં પ્રથમ દાવ 285/9ના સ્કોર સાથે ડિક્લેર કરીને બાવન રનની સરસાઈ લીધી અને ત્યાર પછી બાંગ્લાદેશને ફક્ત 146 રને ઑલઆઉટ કર્યા બાદ 95 રનનો નજીવો લક્ષ્યાંક 98/3ના સ્કોર સાથે મેળવી લીધો હતો. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારતે 11 ટેસ્ટમાંથી આઠ જીતી છે, જ્યારે માત્ર બે મૅચમાં પરાજય જોયો છે અને એક મૅચ ડ્રૉમાં ગઈ છે.

ડબ્લ્યૂટીસીના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત 98 પૉઇન્ટ સાથે મોખરે છે અને ભારતની 74.24ની ટકાવારી પણ સૌથી વધુ છે. ઑસ્ટ્રેલિયા (90 પૉઇન્ટ, 62.50ની ટકાવારી) બીજા નંબરે અને શ્રીલંકા (60 પૉઇન્ટ, 55.56ની ટકાવારી) ત્રીજા નંબરે છે.
હવે સફળ કૅપ્ટન્સીની મૂળ વાત પર આવીએ તો રોહિતની કૅપ્ટન્સીમાં ભારતે 18માંથી 12 ટેસ્ટ જીતી છે. ડબ્લ્યુટીસીના ઇતિહાસમાં સૌથી ઓછી ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળીને જીતની 66.66ની સૌથી વધુ ટકાવારી રોહિતના નામે છે. તે પ્રથમ સ્થાને છે. તેણે બાંગ્લાદેશ સામેની 2-0ની ક્લીન સ્વીપની સફળતા સાથે જ ડબ્લ્યૂટીસીના ઇતિહાસમાં વિજયની સૌથી સફળ ટકાવારી ધરાવનાર વિરાટ કોહલી (63.63)નો વર્લ્ડ રેકૉર્ડ તોડીને ટેસ્ટ-ક્રિકેટમાં દબદબો બતાવ્યો છે.

ઓછામાં ઓછી 10 ટેસ્ટમાં સુકાન સંભાળનાર ડબ્લ્યૂટીસીના સૌથી સફળ કૅપ્ટનોમાં રોહિત પ્રથમ નંબરે, કોહલી બીજા નંબરે તેમ જ બેન સ્ટોક્સ ત્રીજા અને પૅટ કમિન્સ ચોથા નંબરે છે.

જોકે ભારત હજી સુધી ડબ્લ્યૂટીસીની બબ્બે ફાઇનલમાં પહોંચવા છતાં ટેસ્ટનું ચૅમ્પિયન નથી બની શક્યું. બે ડબ્લ્યૂટીસીની સીઝનમાંથી એકમાં ન્યૂ ઝીલૅન્ડ અને બીજામાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. આ વખતની ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પણ ભારત પહોંચશે એની પાકી સંભાવના છે.

ડબ્લ્યૂટીસીના કૅપ્ટનોમાં સૌથી વધુ જીતની ટકાવારી કોની?

ટકાવારી કૅપ્ટન કેટલી ટેસ્ટમાં કેટલી જીત

66.66 રોહિત શર્મા 18માંથી 12 ટેસ્ટમાં જીત
63.63 વિરાટ કોહલી 22માંથી 14 ટેસ્ટમાં જીત
62.50 બેન સ્ટોક્સ 24માંથી 15 ટેસ્ટમાં જીત
60.71 પૅટ કમિન્સ 28માંથી 17 ટેસ્ટમાં જીત
57.14 ટિમ પેઇન 14માંથી 8 ટેસ્ટમાં જીત

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત