દિલ્હી પોલીસ પશ્ચિમ બંગાળના સાંસદો અને નેતાઓને ઢસડીને લઇ ગઈ, તૃણમૂલ કોંગ્રેસનો આરોપ
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં કેન્દ્ર પાસેથી ભંડોળની માંગણી અંગેના વિરોધ પ્રદર્શનના બીજા દિવસે પાર્ટીના સાંસદો અને નેતાઓ સાથે દિલ્હી પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે નેતાઓને નિર્દયતાથી ઢસડવામાં આવ્યા. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં પ્રદર્શન કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે રાજ્ય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ એમ કહીને તેમને મળવાનો ઇનકાર કર્યો હતો કે તેઓ પાંચથી વધુ પ્રતિનિધિઓને નહીં મળે.
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) અને પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યના રૂ. 15,000 કરોડના લેણાં રોકી રાખવાનો આરોપ લગાવ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ, જેઓ તેમની સાથે વડા પ્રધાન અને ગ્રામીણ વિકાસ પ્રધાનને લખેલા પત્રોના બંડલ લઈને આવ્યા હતા, તેમણે પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિને મળ્યા વિના જવાનો ઇનકાર કર્યો હતો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદો અને રાજ્યના કેબિનેટ પ્રધાનોનું જૂથ પ્રદર્શન પર બેસી ગયું હતું. રાત્રે 9 વાગ્યા સુધી પ્રદર્શન ચાલુ રહ્યુ હતું. ટીએમસીનો દાવો છે કે આ પછી પોલીસના જવાનો નેતાઓને ઢસડીને લઇ ગયા, પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. જો કે મોડી રાત્રે તમામ નેતાઓને છોડી દેવામાં આવ્યા હતા.
સાંસદ મહુઆ મોઇત્રાને મહિલા પોલીસકર્મીઓ પકડીને ખેંચી લઇ ગયા હતા. તેના પર મહુઆ મોઇત્રાએ કહ્યું કે, તમે લોકો એક સાંસદ સાથે આવો વર્તાવ કરો છો!
ભાજપે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપને ફગાવી દીધા છે અને તૃણમૂલ કોંગ્રેસ પર પશ્ચિમ બંગાળના કૌભાંડો પરથી ધ્યાન હટાવવા માટે દિલ્હીમાં “ડ્રામા” કરવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ રાજ્ય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાની ઓફિસમાં બેઠેલ જોવા મળી રહ્યા છે. તેમણે લખ્યું કે, “આજે 02:30 કલાકનો સમય વેડફાયો. આજે હું તૃણમૂલ સાંસદોની રાહ જોઈને 08:30 વાગ્યે ઓફિસથી નીકળી છું. તૃણમૂલ સાંસદો અને બંગાળના મંત્રીઓના પ્રતિનિધિમંડળે 06:00 વાગ્યે ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી. પરંતુ તેઓ તૃણમૂલ કાર્યકર્તાઓને જનતા બતાવીને મળવા માંગતા હતા, જે કાર્યાલયની સિસ્ટમની વિરુદ્ધ છે.”
આ અંગે મહુઆ મોઇત્રાએ કહ્યું કે સાધ્વી નિરંજન તમે જૂઠું બોલી રહ્યા છો. તમે અમારા પ્રતિનિધિમંડળને એપોઇન્ટમેન્ટ આપી હતી. પ્રવેશવાની મંજૂરી આપતા પહેલા તમે બધા નામોની ચકાસણી કરી અમને દરેકને તપાસ્યા, અમને 3 કલાક રાહ જોવી અને તેમ પાછળના દરવાજેથી ભાગી ગયા.