ઓક્ટોબર હીટથી મુંબઈગરા પરસેવે રેબઝેબ: આખો મહિનો કેમ જશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયે મુશળધાર વરસાદ પડતા વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયા બાદ મંગળવારે અચાનક ભારે ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. ઑક્ટોબર મહિનાના પહેલા જ દિવસે આકરી ગરમી પડતા આગામી દિવસમાં ઑક્ટોબર હીટ કેવી રહેશે તેની ચિંતા મુંબઈગરાને સતાવી રહી છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ નૈર્ઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું હોવાથી પશ્ર્ચિમી પવનો નબળા પડવા માંડયા છે અને તેને કારણે અકળાવી દેનારી ગરમી પડી રહી છે.
ચોમાસાના ચાર મહિના દરમિયાન પશ્ર્ચિમ પવનો સામાન્ય રીતે મુંબઈમાં વાતાવરણને ઠુંડુ અને આહલાદક રાખવામાં મદદ કરતા હોય છે. પરંતુ ગયા શુક્રવારથી વરસાદ ગાયબ થતા વાતાવરણમાં તાપમાન થોડું થોડું ઉપર જઈ રહ્યું હતું .
ઑક્ટોબરના પહેલા જ દિવસે મંગળવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતુ, જે સામાન્ય કરતા એક ડિગ્રી વધુ હતું. હજી એક દિવસ પહેલા એટલે કે ૩૦ સપ્ટેમ્બરના કોલાબામાં અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૩૨.૬ ડિગ્રી અને ૩૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં થોડો વધારો નોંધાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી દિવસ દરમિયાન ભારે ઉકળાટ પણ જણાઈ રહ્યો હતો. કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા તો સાંતાક્રુઝમાં ૭૮ ટકા નોંધાયું હતું.
ઑક્ટોબરનો પહેલા જ દિવસ પરેસેવાથી રેબઝેબ થઈ જતા આખો ઑક્ટોબર મહિનો કેવો જશે તેની ચિંતા મુંબઈગરાને સતાવી રહી છે ત્યારે નોંધનીય છે કે મુંબઈમાંથી હજી સુધી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી નથી. મુંબઈમાં ૧૦ ઑક્ટોબરની આસપાસ ચોમાસાની વિદાય થતી હોય છે, ત્યારે નવરાત્રિના દિવસોમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતું કરી ચૂકયું છું. ચોમાસાના ચાર મહિનામાં કોલાબામાં ૩૦ સપ્ટેમ્બર સુધી ૨,૬૪૧ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૩,૦૮૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.