નેશનલસ્પેશિયલ ફિચર્સ

Gandhi Jayanti Special: ગાંધીજીના મૂલ્યો સાથે જોડાયેલી પ્રવાસન સફર એટલે “ગાંધી સર્કિટ”

અમદાવાદ: 2 જી ઓકટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતી. દેશની સ્વાતંત્ર્ય ચળવળના પર્યાય તરીકે બાપુના નામની ગણના થાય. વળી માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ બાપુના વિચારો પોંખાયા છે. ભારત બહાર લગભગ અનેક નાના મોટા દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ આવેલી છે. આખી જિંદગી મહાત્મા ગાંધીએ જે અંગ્રેજ સત્તાની સામે અહિંસક મોરચો માંડેલો તે બ્રિટનની સંસદ સામે જ બાપુનું પૂતળું ખડું કરવામાં આવ્યું છે. આ છે મહાત્મા ગાંધીનું સમગ્ર વિશ્વમાં રહેલી લોકપ્રિયતા.

પણ આજે આપણે વાત કરવી મહાત્મા ગાંધી સાથે જોડાયેલા એવા સ્થળોની કે જેની સાથે મહાત્મા ગાંધીજીનો નાતો જોડાયેલો છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ખાસ મહાત્મા ગાંધી સાથે જોડાયેલા સ્થળોને ગાંધી સર્કિટ સ્વરૂપે સાંકળ્યાં છે. તે સ્થળો પર પહોંચીને તમે મહાત્મા ગાંધીની સ્વાતંત્ર્યની ભાવનાઓ, તેમના વિચારો, તેમની અહિંસક લડત અને તેમના મૂલ્યોની સાથે રૂબરૂ થઈ શકશો.

કીર્તિ મંદિર:
પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન જુના મકાન પાસે બનાવાયેલ કીર્તિમંદિર એ મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. જેનું ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. કીર્તિમંદિરની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી આવે છે. કીર્તિમંદિર ગાંધીજીની ૭૯ વર્ષની ઉંમર મુજબ એટલા ફુટ ઊંચુ બનાવવામાં આવ્યું છે.

કબા ગાંધીનો ડેલો:
કબા ગાંધી નો ડેલો એ ઘર છે જ્યાં ગાંધીજીના પિતા રાજકોટ રાજ્યના દિવાન તરીકે રાજકોટમાં રહેતા હતા અને જ્યાં ગાંધીજી પણ ટૂંકા ગાળા માટે રહ્યા હતા. રાષ્ટ્રીય શાળાની સ્થાપના 1921માં ગાંધીવાદી મૂલ્યો પ્રદાન કરવા અને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી. અહીં તેમણે રાજકોટ સત્યાગ્રહ દરમિયાન 21 દિવસના ઉપવાસ પર ઉતર્યા હતા. આ બંને સંસ્થાઓ મોહનદાસથી મહાત્માના નિર્માણ સાથે સંકળાયેલી હતી. આ બંને સ્થાનો હવે સ્મારક છે અને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપે છે.

કોચરબ આશ્રમ:
અમદાવાદ ખાતે આવેલ એક ઐતિહાસિક સ્થળ અને સંગ્રહાલય છે. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. 25 મે, 1915ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો.આ આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું.

ગાંધી આશ્રમ:
ઘણા વર્ષો સુધી અમદાવાદનો ગાંધી આશ્રમ ભારતની આઝાદી માટે મહાત્મા ગાંધીના અહિંસક સંઘર્ષનું કેન્દ્ર હતું. તે ચળવળની ઉર્જા આજે પણ તેમણે 1917માં સાબરમતીના કિનારે સ્થાપેલ સત્યાગ્રહ આશ્રમમાં અનુભવી શકાય છે. અહીંથી જ મહાત્મા અને તેમના અનુયાયીઓનાં જૂથે વિવિધ સત્યાગ્રહોનું નેતૃત્વ કર્યું હતું, જેમાં સૌથી નોંધપાત્ર હતી 1930ના વર્ષની ઐતિહાસિક દાંડી કૂચ, આ એક પ્રવાસે બ્રિટિશ શાસનના પાયામાં લૂણો લગાડ્યો હતો.

ગાંધી આશ્રમની પરિસરમાં તમને હૃદયકુંજ જોવા મળશે, ગાંધીજીનું ખૂબ જ સાધારણ, નમ્ર નિવાસસ્થાન જે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું જ્ઞાનતંતુ કેન્દ્ર હતું. ગાંધી સ્મારક સંગ્રહાલય, એક ઉત્તમ ચિત્રાત્મક અને લેખિત દસ્તાવેજ; ગાંધી સાહિત્યનું પુસ્તકાલય અને ગાંધીજી દ્વારા લખાયેલા પત્રોનો વિશાળ સંગ્રહ પણ જોવ પણ મળશે. આજે, સાબરમતી આશ્રમ એક રાષ્ટ્રીય સ્મારક છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીની મહત્તા તેમના માટે માત્ર કહેવત ન હતી; તે જીવનનો એક માર્ગ હતો.

સ્વરાજ આશ્રમ બારડોલી:
સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીના નેતૃત્વમાં 1921-22માં ખેડૂત સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આ સ્થળ ગાંધીજીએ સામૂહિક સવિનય કાનુનભંગ ચળવળમાં તેમના પ્રયોગ માટે પસંદ કર્યું હતું. સ્વરાજ આશ્રમ, બારડોલી ભારતમાં તીર્થસ્થાન બની ગયું છે. બારડોલી સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધી પાસેથી સરદારનું બિરુદ મળ્યું.

સન 1930માં દાંડી સત્યાગ્રહ થયો ત્યારે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા, કુતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર સાબરમતી આશ્રમમાં પગ મુકીશ નહિ. ત્યારે શ્રી સરદારસાહેબે ગાંધીજીને કહ્યું હતું કે આપની પ્રતિજ્ઞા મુજબ આપ સાબરમતી આશ્રમ ન જઈ શકો પરંતુ બારડોલી આશ્રમમાં તો આવી શકો છો જેથી સને 1936થી સને 194 સુધી દરવર્ષે ગાંધીજી બારડોલી સ્વરાજ આશ્રમમાં આવતા અને એક મહિના સુધી રહેતા.

દાંડી સ્મારક:
દાંડી એ ગુજરાતના નવસારી જિલ્લામાં અરબ સાગરના કિનારે આવેલું ગામ છે. જ્યારે મહાત્મા ગાંધીએ તેને 12 માર્ચ, 1930ના મીઠાના કાયદાના ભંગ માટે શરૂ કરેલ પગપાળા માર્ચ માટે સ્થળ તરીકે પસંદ કર્યું ત્યારે તે વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ પામ્યું. તેમણે તેમના કેટલાક અનુયાયીઓ સાથે અમદાવાદથી દાંડી સુધી વેરા લાદવાના વિરોધમાં કૂચ કરી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો અને 24 દિવસ સુધી સતત પગપાળા પ્રવાસ કર્યો.

દાંડી કૂચની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ હતી જ્યાંથી અસલાલી,, બારેજા, નવાગામ, વાસણા, માતર, ડભાણ-નડિયાદ, બોરીઆવી, આણંદ , બોરસદ, રાસ, કંકાપુરા, કારેલી, ગજેરા, અણખી, જંબુસર, આમોદ, બુવા, સમજી, ત્રાલસા, દેરોલ, ભરૂચ, અંકલેશ્વર, સજોદ, માંગરોળ, રાયમા, ઉમરાછી, એરથાણ, ભટગામ, સાંધિયેર, દેલાડ, છાપરાભાઠા, સૂરત, ડીંડોલી, વાંઝ, નવસારી, ધામણા, વિજલપુર, અને દાંડીનો સમાવેશ થાય છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button