વોટ મેળવવા મહારાષ્ટ્ર સરકારનો ‘રાજ્યમાતા – ગોમાતા’નો નિર્ણય: કોંગ્રેસ
મુંબઈ: દેશી ગાયોને ‘રાજ્યમાતા – ગોમાતા’ ઘોષિત કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો હેતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં મત મેળવવા માટે છે એવો આરોપ મંગળવારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે સોમવારે ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આરોગ્ય સંભાળમાં ગાયોના મહત્વને ટાંકી તેમના સંરક્ષણ અને જાળવણી માટે સ્વદેશી ગાયોને ‘રાજ્યમાતા – ગોમાતા’ તરીકે જાહેર કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં આરોપ કર્યો હતો કે ‘તેઓ (ભાજપ) ગૌમાંસના વેપારીઓ પાસેથી પૈસા લે છે અને ચૂંટણીની પૂર્વસંધ્યાએ ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરે છે.
મરાઠવાડામાં ગોમાતા તરસે મૃત્યુ પામી રહી હતી અને હવે ચૂંટણીની પૂર્વસંધ્યાએ તેમને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. રાજ્યની ચૂંટણી પહેલા મત મેળવવાની ગણતરી તરીકે આ કરવામાં આવી રહ્યું છે.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ લડશે 160 બેઠક? બે મુખ્ય સહિતના સાથી પક્ષોને મળશે ફક્ત 128 સીટ!
આગામી ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે બેઠકોની વહેંચણીની વાટાઘાટો સકારાત્મક રીતે આગળ વધી રહી છે. શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી (એસપી)નો સમાવેશ કરતી મહા વિકાસ આઘાડી દશેરા સુધીમાં 180-200 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.
તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલાં 26 નવેમ્બર અગાઉ મતદાન થઈ જાય એ જરૂરી છે.
(પીટીઆઈ)