નેશનલ

કલમ 370 હટાવ્યા બાદ લદાખના કારગીલમાં પહેલીવાર ચૂંટણી, આજે થશે મતદાન

વર્ષ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા બાદ પ્રથમ વખત આજે કોઈ ચૂંટણી યોજવા જઈ રહી છે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની કારગિલ વિંગમાં આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી આ વિસ્તારના લોકોના મૂડનો અંદાજ આપી શકે છે. કારગિલ ચૂંટણીમાં હરીફાઈ મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ગઠબંધન વચ્ચે રહેશે.

ગઈ કાલે આ ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવવામાં આવ્યા પછી કારગીલમાં આ પ્રથમ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી છે.

કારગીલની 26 સીટો માટે 85 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને કેટલાક અપક્ષ ઉમેદવારોને સમર્થન આપી રહી છે. કારગિલ નેશનલ કોન્ફરન્સનો પરંપરાગત ગઢ રહ્યો છે અને કોંગ્રેસ તેની મુખ્ય હરીફ રહી છે. હવે ભાજપ સામે લડવા માટે અંને પક્ષોએ ગઠબંધન કર્યું છે.

જમ્મુ અને કાશ્મીર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપીની લદ્દાખ ક્ષેત્રમાં ખાસ હાજરી જણાતી નથી. પીડીપી ચૂંટણીની રેસમાંથી બહાર હોવાનું જણાઈ રહ્યું છે. તે જ સમયે, હાલમાં નેશનલ કોન્ફરન્સ કારગિલ પરિષદમાં 10 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસે મહિના પહેલા 8 કાઉન્સિલરો સાથે એનસી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ બંનેએ એવી બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો જ્યાં ભાજપ મુખ્ય દાવેદાર નથી.

બે ધાર્મિક સંસ્થાઓ જમિયત ઉલેમા કારગિલે પરંપરાગત રીતે નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું છે. ઈમામ ખોમેની મેમોરિયલ ટ્રસ્ટે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આ સાથે જ સ્થાનિક ધર્મગુરુઓએ પણ લોકોને ભાજપ વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન લદ્દાખના બીજેપી સાંસદ જામ્યાંગ નામગ્યાલે લોકોને એનસી-કોંગ્રેસ ગઠબંધનને મત ન આપવા વિનંતી કરી છે. તેમણે એનસી ચીફ ફારૂક અબ્દુલ્લાને ‘યઝીદ’ ગણાવ્યા. ‘યાઝીદ’ એ ઇમામની હત્યામાં સામેલ હોવા બદલ શિયા મુસ્લિમો માટે નફરતનું પ્રતીક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button