દાહોદમાં હિંદુવાદી દ્વારા બાળકીની હત્યા, ભાજપે માફી માગવી જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાતના દાહોદમાં છ વર્ષની બાળકી પર બળાત્કારના પ્રયાસમાં સફળ ના થતાં તેની હત્યા કરી દેવાઈ એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. આ પાશવી કૃત્યનો આરોપી ગોવિંદ નટ નામનો સ્કૂલનો પ્રિન્સિપાલ છે. ગોવિંદ નટ ભાજપ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે તેથી કોંગ્રેસ સહિતના વિપક્ષો તૂટી પડ્યા છે. બીજી તરફ વિશ્ર્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોવિદં નટ સાથે પોતાને કંઈ લેવાદેવા નહીં હોવાનો બચાવ કરી રહ્યા છે.
ગોવિંદ નટના ભાજપ, સંઘ અને વિશ્ર્વ હિંદુ પરિષદ સાથે કનેક્શન હોવાના પુરાવા સોશિયલ મીડિયા પર હોવા છતાં ભાજપ એવું કહી રહ્યો છે કે, ગુજરાતની પ્રજાએ વિપક્ષોને સ્વીકાર્યા નથી તેથી કૉંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપ સામે મનઘડત આરોપો મૂકીને ભાજપની છબી બગાડવાનો પ્રયાસ કરે છે.
પહેલાં આ થથરાવી નાખે એવી ઘટનાની વાત કરી લઈએ કે જેથી આપણા કહેવાતા સંસ્કારી દેશમાં નૈતિકતાનું કઈ હદે અધ:પતન થયું છે તેનો ખ્યાલ આવે. આપણે જેમને ધર્મના રક્ષકો માનીએ છીએ એ હિંદુત્વના બની બેઠેલા ઠેકેદારો કેવી હરકતો કરી રહ્યા છે અને હિંદુત્વ પર કલંક લગાવી રહ્યા છે તેની ખબર પડે.
સામાન્ય રીતે પોલીસ રાજકારણીઓની દલાલ બનીને વર્તતી હોય છે પણ આ કેસમાં પોલીસ ખરેખર સભાનતાથી અને ઘટનાની ગંભીરતાને સમજીને જવાબદારીથી વર્તી છે. આ કલંકિત ઘટનાને રોકી ના શકાઈ તેમાં પોલીસનો
વાંક નથી કેમ કે બાળકીના પરિવારે જેના પર ભરોસો મૂકેલો એ સ્કૂલનો આચાર્ય જ હેવાન નીકળ્યો તેમાં પોલીસ કશું ના કરી શકે પણ પોલીસે બાળકીની લાશ મળી પછી કોઈ પણ શેહશરમમાં આવ્યા વિના નટને જેલભેગો જ ન કર્યો પણ એ છટકી ના શકે એ માટેના પુરાવા પણ રજૂ કર્યા છે.
આ ઘટનામાં દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરૂવાર ને ૧૯ સપ્ટેમ્બરે ગુમ થઈ ગઈ હતી. શાળાએ ગયેલી છોકરી મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બીજી તરફ પરિવારે બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે તે શાળાના આયાર્ય સાથે સ્કૂલ ગઈ હતી. પોલીસે ગોવિંદ નટની પૂછપરછ કરતાં આયાર્ય બાળકીને સમયસર શાળામાં લાવ્યા હોવાની રેકર્ડ વગાડતા હતા તેથી પોલીસે બાળકીને સ્કૂલની આસપાસ શોધવા માંડી.
પોલીસ, લોકો અને પરિવારજનો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યાં ત્યારે શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડની દીવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી. પરિવારના સભ્યો બાળકીને લિમખેડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા કે જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસ હાજર જ હતી ને શાળાના આચાર્ચ ગોવિંદ નટ શંકાના દાયરામાં હતા પણ એ નામક્કર જતાં પોલીસે અલગ રસ્તો અપનાવ્યો. પોલીસ શૈક્ષણિક સહાયક અને એનજીઓના કાર્યકર બનીને સ્કૂલમાં ગઈ, પોલીસે બાળકો સાથે વાત કરી તો ખબર પડી કે, બાળકી પ્રાર્થનાસભામાં કે મધ્યાહન ભોજન વખતે દેખાઈ જ નહોતી. પોલીસને એ શંકા મજબૂત બની કે આ કાંડમાં આચાર્યનો હાથ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો બાળકી સ્કૂલમાં આવી નહોતી એ સાબિત થયું. આ પુરાવા સાથે આચાર્યની પૂછપરછ કરી તો તેમણે ગુનાની કબૂલાત કરવી પડી. ગોવિંદ નટે સ્વીકાર્યું કે, બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ છેડછાડ કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેનું મોઢું દબાવી દીધું અને તેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી. પોલીસે નટને ઉઠાવીને જેલભેગો કરી દીધો છે અને હવે કોર્ટ તેમને તેમના કુકર્મની સજા આપશે.
ગોવિંદ નટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલો હતો, વિશ્ર્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલો હતો ને ભાજપના નેતાઓ સાથે તેને ઘરોબો હતો તેના સોશિયલ મીડિયા પર પુરાવા છે અને વિશ્ર્વ હિંદુ પરિષદ તથા સંઘે તો એ પોતાનો માણસ હોવાનું સ્વીકાર્યું પણ છે. એ છતાં ભાજપ હાથ ખંખેરી રહ્યા છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે સ્વીકાર્યું કે, ગોવિંદ નટ અમારી સાથે જોડાયેલા હતા પણ છેલ્લાં બે વર્ષથી તેમની જવાબદારીથી મુક્ત હતા તેથી આ મામલે વિશ્ર્વ હિંદુ પરિષદનું નામ સંડોવવું યોગ્ય નથી. ગુજરાતના સંઘ પ્રચારક શંભુપ્રસાદ શુક્લે સ્વીકાર્યું છે કે, ગોવિંદ નટ અને તેમનાં બન્ને બાળકો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલાં છે. પંચમહાલ જિલ્લાના સંઘ પ્રચારક તરીકે એ કામ કરે છે પણ પ્રચારક તરીકે યોગ્ય કાર્ય કરતા ન હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી તેમને સેવામાંથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે ગોવિંદ નટની બેઠકના, વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજરીના અને સંઘની શિબિરમાં સંઘના ગણવેશમાં નટના ફોટા છે. ગોવિંદ નટ વિશ્ર્વ હિન્દુ પરિષદમાં હોદ્દો ધરાવતો હતો. આ હોદ્દા પર નિમણૂક કરવામાં આવી ત્યારે સોશિયલ મીડિયામાં તેમને અભિનંદન આપતા મેસેજ લોકોએ આપ્યા હતા. નટના સોશિયલ મીડિયા પર ત્રણ એકાઉન્ટ હતા અને તેની ધરપકડ પછી અચાનક ફોટા ગાયબ થઈ ગયા પણ એ પહેલાં ઘણા ફોટા વાયરલ થઈ ગયા હતા છતાં ભાજપ તેનો બચાવ કરે છે. વિપક્ષો ભાજપની ઈમેજ બગાડવા માટે આ બધું કરે છે એવી વાતો કરે એ હાસ્યાસ્પાદ કહેવાય.
ભાજપનો બચાવ નબળી માનસિકતાનો પુરાવો છે. કોલકાતાની ડોક્ટર પરની રેપ અને હત્યાની ઘટનાને ભાજપે જોરશોરથી ચગાવેલી. મોદી સાહેબે લાલ કિલ્લા પરથી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. દાહોદમાં છ વર્ષની બાળકી પર રેપનો પ્રયાસ થયો ને તેમાં સફળ ના થતાં કહેવાત હિંદુવાદીએ તેની હત્યા કરી નાખી એવું ભાજપ શાસિત ગુજરાતની જ પોલીસ કહે છે ને ભાજપ હત્યારાના પોતાની સાથે કોઈ સંબધ છે એવું સ્વીકારવા જ તૈયાર નથી.
ભાજપ આ મહાભૂલ કરી રહ્યો છે. ગોવિંદ નટે બતાવેલી વિકૃતિ ને કરેલો અપરાધ વ્યક્તિગત છે ને આવા માણસને પોષીને અમે હિંદુ સમાજનો બહુ મોટો અપરાધ કર્યો છે એવું સ્વીકારીને ભાજપે હિંદુઓની માફી માગવી જોઈએ. પોતાની સાથે આવાં કોઈ વિકૃતો હશે તો તેમને બહાર કરાશે એવી ખાતરી આપવી જોઈએ.