નાયરમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી: એકનાથ શિંદેએ આપ્યા ડીનની બદલીના આદેશ…
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રખ્યાત નાયર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક રાજકીય પાર્ટીના નેતા દ્વારા સવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઉચ્ચ કક્ષાના મહિલા અધિકારીની નિમણૂક કરીને તપાસની માગ કરી તેના થોડા કલાકો બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલાની નોંધ લીધી છે. નાયર હોસ્પિટલમાં જાતીય સતામણીના કેસમાં હોસ્પિટલના ડીનની બદલી કર્યા બાદ મુખ્ય પ્રધાને વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો :લવ જેહાદની 1 લાખથી વધુ ફરિયાદો; 14 લોકસભા બેઠકો વોટ જેહાદ: ફડણવીસ
આ મામલો સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેની ગંભીર નોંધ લીધી છે. તેમણેે આ કેસમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને પીડિતોને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને તાત્કાલિક હોસ્પિટલના ડીનની બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે. હોસ્પિટલના સ્ટાફ અને વિદ્યાર્થીઓની સલામતી માટે વધારાના પગલાં લેવામાં આવશે એમ પણ મુખ્ય પ્રધાને કહ્યું છે.
આરોગ્ય ક્ષેત્રે આવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે. અમે આ મામલે તપાસ કરીશું અને દોષી સામે કડક કાર્યવાહી કરીશું એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું અને એવી ખાતરી આપી હતી કે હોસ્પિટલમાં દરેક માટે સલામત વાતાવરણ ઊભું કરવું એ અમારી ફરજ છે.
મહિલા આંતરિક સમિતિ દ્વારા એક વ્યક્તિને દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ સસ્પેન્શન બાદ પણ તેને કોલેજ દ્વારા હાંકી કાઢવામાં આવ્યો ન હતો. ડીન દ્વારા સસ્પેન્શનમાં કરવામાં આવેલા વિલંબને કારણે તેમની સામે કાર્યવાહી કરવાની માગણી થઈ રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તેના અધિકારક્ષેત્રમાં સસ્પેન્ડ કરાયેલ વ્યક્તિને માનવતાવાદી દૃષ્ટિકોણથી કોલેજ કેમ્પસમાં રહેવા માટે ઘર પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનાર વ્યક્તિ પ્રત્યે મ્યુનિસિપલ વહીવટીતંત્ર કેવો માનવીય અભિગમ અપનાવે છે? એવો પ્રશ્ર્ન ઉઠાવવામાં આવી રહ્યો હતો.
એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે જાતીય સતામણીના આરોપી સામે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ખટલો ચલાવીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, પરંતુ એન્કાઉન્ટર ન કરવું જોઈએ.
આ પણ વાંચો :કામનું જબરજસ્ત પ્રેશર: બેન્ક મેનેજરની અટલ સેતુ પરથી દરિયામાં છલાંગ
રાજ્ય મહિલા પંચના અધ્યક્ષા રૂપાલી ચાકણકરે કહ્યું હતું કે જ્યારે જાતીય સતામણીની ફરિયાદ મળી ત્યારે તેમમે પાલિકાને હોસ્પિટલના ડીન સુધીર મેઢેકર સામે પગલાં લેવાનો નિર્દેશ પાલિકાને આપ્યો હતો, કેમ કે સંબંધિત આરોપી પ્રોફેસર સામે પગલાં લેવામાં વિલંબ કરાયો હતો.
મનસેના સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે સિનિયર મહિલા પોલીસ અધિકારીએ આ કેસની તપાસ કરવી જોઈએ.
મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે નાયર હોસ્પિટલના બનાવને કોલકાતાની આર. જી. કાર હોસ્પિટલમાં બનેલા બળાત્કાર અને હત્યાના કેસ સાથે સરખામણી કરી હતી.