અશ્વિને 11મો મૅન ઑફ ધ સિરીઝ (એમઓએસ) અવૉર્ડ જીતીને વિશ્વવિક્રમની કરી બરાબરી, મુરલીથી ક્યાંય ચડિયાતો છે
કાનપુર: ભારતે મંગળવારે બાંગ્લાદેશ સામે જીતેલી બીજી ટેસ્ટમાં ઑફ-સ્પિનર અને ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને કુલ પાંચ વિકેટ લઈને મહત્ત્વનું યોગદાન તો આપ્યું જ હતું, આખી સિરીઝમાં તેના જેવો અસરદાર પર્ફોર્મન્સ બીજા કોઈનો નહોતો અને એને કારણે જ તેને મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. આ અવૉર્ડ તેના માટે સૌથી સ્પેશિયલ કહી શકાય, કારણકે તેણે ટેસ્ટજગતમાં સૌથી વધુ 800 વિકેટ લેનાર શ્રીલંકાના ઑફ-સ્પિનર મુથૈયા મુરલીધરનના વિશ્વવિક્રમની બરાબરી કરી છે. એ તો ઠીક, પણ અશ્વિન 11ના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં મુરલીધરનથી ક્યાંય ચડિયાતો છે.
આ પણ વાંચો: IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા
અશ્વિને બાંગ્લાદેશ સામેની શ્રેણીના ચાર દાવમાં કુલ 11 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પણ એટલી જ વિકેટ લીધી હતી, પરંતુ અશ્વિને જુદી જ કમાલ બતાવી. તેણે પહેલી ટેસ્ટમાં યાદગાર સેન્ચુરી પણ ફટકારી હતી જે બદલ તેને મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો હતો.
અશ્વિને 11મી વાર ટેસ્ટમાં મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતી લીધો. તેણે ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધુ 11 વાર આ અવૉર્ડ જીતનાર મુરલીધરનની બરાબરી કરી છે.
આ પણ વાંચો: ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા
ખરી વાત એ છે કે મુરલીધરને આ અગિયાર અવૉર્ડ 60 ટેસ્ટ-સિરીઝમાં મેળવ્યા હતા, જ્યારે અશ્વિન માત્ર 39 ટેસ્ટ-સિરીઝમાં 11 વાર મૅન ઑફ ધ સિરીઝ પુરસ્કાર વિજેતા બન્યો છે.
ટેસ્ટમાં કોના કેટલા મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ?
પ્લેયર | અવૉર્ડ |
મુરલીધરન | 11 |
આર. અશ્વિન | 11 |
જૅક કૅલિસ | 8 |
શેન વૉર્ન | 8 |
ઇમરાન ખાન | 8 |
રિચર્ડ હેડલી | 8 |