છેલ્લા દસ વર્ષમાં 219 મંદિરોને કરાયા અપવિત્ર: આંધ્રના ડેપ્યુટી સીએમનું નિવેદન
નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે પોતાની પ્રાયશ્ચિત દીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “છેલ્લા 5-10 વર્ષથી કોઈને કોઈ પ્રકારે અપવિત્રતા થઈ રહી છે અને આ ગાળામાં લગભગ 219 મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યા હતા. રામતીર્થમમાં ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને આથી આ માત્ર એક પ્રસાદીનો મુદ્દો નથી.” આ પ્રાયશ્ચિત દીક્ષા સનાતન ધર્મ પરીરક્ષક ટ્રસ્ટને આગળ વધારવાની પ્રતિબદ્ધતા છે, અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે એકવાર હું આ પ્રાયશ્ચિત દીક્ષા પૂર્ણ કરી લઇશ, પછી આવતીકાલે અમે જાહેરાત કરીશું.
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે તિરુપતિ મંદિરમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ કરાયાના આરોપો બાદ ભગવાનને પ્રસન્ન કરવા તેમની અગિયાર દિવસના પ્રાયશ્ચિતના ભાગરૂપે અહીંના કનક દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ વિધિમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પાર્ટીના નેતાઓ પણ તેમની સાથે હતા. મંદિરની સીડીઓને બ્રશથી ઘસીને ધોઈને સાફ કરવામાં આવી હતી.
પવન કલ્યાણે મંદિરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું સનાતન ધર્મ (હિંદુત્વ)નું દ્રઢતા પૂર્વક પાલન કરું છું.” અમે રામમાં ભક્ત છીએ અને અમે ઘરોમાં તેમના નામનો જપ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ, પારસી,જૈન અને ખ્રિસ્તી સહિત તમામ ધર્મોને સમાનરૂપે આદર મળે છે. જનસેનાના નેતાએ કહ્યું કે બિનસાંપ્રદાયિકતાની વિભાવના ક્યારેય એકતરફી ન હોઈ શકે; તેના બદલે, તે એક દ્વિ-પક્ષીય અભિગમ છે જેણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ.
મંદિરના પ્રસાદના વિવાદને લઈને તેમના ટ્વીટના જવાબમાં જવાબમાં અભિનેતા પ્રકાશ રાજની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અભિનેતાને આ બાબત સાથે શું લેવાદેવા છે. તેણે પૂછ્યું, “પ્રકાશ રાજે મારી વિરુદ્ધમાં ટિપ્પણી કરી છે. હું હિંદુઓ સાથે થતા દુર્વ્યવહાર વિશે વાત કરી રહ્યો હતો. આમાં પ્રકાશ રાજની ભૂમિકા શું છે? શું મેં કોઈ ધર્મનું અપમાન કર્યું?, શું મેં ઈસ્લામનું અપમાન કર્યું?, શું મેં ખ્રિસ્તી ધર્મનું અપમાન કર્યું? જો કોઈ ભૂલ હોય, જો કોઈ ખરાબ થાય છે, તો શું મારે તેના વિશે વાત ન કરવી જોઈએ?’