સ્પોર્ટસ

સૌથી ઓછા બૉલ રમીને મેળવેલા વિજય: ભારતનો બીજા નંબરનો શ્રેષ્ઠ દેખાવ…

ટીમ ઇન્ડિયા માટે સવાબે દિવસ જીતવા માટે પૂરતા, વિક્રમોની વણજાર અને ડબ્લ્યૂટીસીમાં સ્થાન વધુ મજબૂત

કાનપુર: ભારતે માત્ર ‘સવાબે દિવસની ટેસ્ટ’માં મંગળવારે બાંગ્લાદેશને હરાવીને બે મૅચની શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી હતી. વરસાદના વિઘ્નોને કારણે આ ટેસ્ટ ડ્રૉમાં જવાની પાકી સંભાવના હતી, પરંતુ ભારતને જાણે જીતવા માટે સવાબે દિવસ પૂરતા હતા એમ મંગળવારે લંચના બ્રેક બાદ વિજય મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ ટીમે સૌથી ઓછા બૉલ રમીને ટેસ્ટ જીતી હોય એની રેકૉર્ડ-બુકમાં ભારતની આ ટેસ્ટ વિશ્ર્વમાં ચોથા સ્થાને છે. જોકે ભારતે કાનપુરની ટેસ્ટના બન્ને દાવમાં કુલ મળીને 312 બૉલ રમીને વિજય પ્રાપ્ત કરી લીધો. આ રેકૉર્ડની દૃષ્ટિએ માત્ર ભારતનો જોઈએ તો આ બીજા નંબરનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતે મોખરાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે.
ટીમ ઇન્ડિયાને છેલ્લા દિવસે જીતવા ફક્ત 95 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ 17.2 ઓવરમાં ત્રણ વિકેટે 98 રન બનાવીને સાત વિકેટના માર્જિનથી શાનદાર જીત હાંસલ કરી હતી.

આ પણ વાંચો :કાનપુર ટેસ્ટમાં ભારતની 7 વિકેટે શાનદાર જીત, ‘બેઝબોલ’ અંદાજમાં કર્યા બાંગ્લાદેશના સુપડા સાફ

પહેલા દિવસે બાંગ્લાદેશે ત્રણ વિકેટે 107 રન બનાવ્યા એ તબક્કે વરસાદને કારણે રમત અટકાવવામાં આવી અને લગભગ પોણાત્રણ દિવસ બાદ (સોમવારે) રમતનો ફરી આરંભ થયો હતો. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 233 રન બનાવ્યા ત્યાર પછી ભારતે 34.4 ઓવરમાં (208 બૉલમાં) 9 વિકેટે 285 રનના સ્કોર પર પહેલો દાવ ડિક્લેર કરી દીધો હતો. ભારતે બાવન રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં બાંગ્લાદેશની ટીમનો માત્ર 146 રનમાં વીંટો વળી જતાં ભારતને 95 રનનો નાનો ટાર્ગેટ મળ્યો હતો અને ભારતે 17.2 ઓવરમાં (104 બૉલમાં) કૅપ્ટન રોહિત (8 રન), યશસ્વી જયસ્વાલ (51) અને શુભમન ગિલ (6)ની વિકેટ ગુમાવીને 98 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.

સૌથી ઓછા બૉલ રમીને ટેસ્ટ જીતવામાં આવી હોય એની રેકૉર્ડ-બુકમાં ઇંગ્લૅન્ડ મોખરે છે. બ્રિટિશરોએ 1935માં બ્રિજટાઉનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 276 બૉલ રમીને ટેસ્ટ જીતી હતી. આ જ વિક્રમોમાં ભારત (2024માં કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા સામે 281 બૉલ રમીને મેળવેલા વિજય સાથે) બીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાએ 2005માં કેપ ટાઉનમાં ઝિમ્બાબ્વે સામે 300 બૉલ રમીને ટેસ્ટ જીતી લીધી હતી અને હવે ચોથા સ્થાને ફરી ભારત છે જેણે 312 બૉલ રમીને બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો છે.

આ મૅચમાં વિક્રમોની વણજાર રચાઈ હતી. બાંગ્લાદેશ સામે ભારત 15 ટેસ્ટ રમ્યું છે જેમાંથી 13 જીત્યું છે અને બે મૅચ ડ્રૉમાં ગઈ છે.

આ પણ વાંચો :IND VS BAN: બાંગ્લાદેશ સામે ભારતે રચ્યો ઇતિહાસ, જાણો આજે શું કર્યું?

ઘરઆંગણે ભારત લાગલગાટ 18 ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. આ વિજયગાથા 2013માં ઑસ્ટ્રેલિયાના વ્હાઇટ-વૉશ સાથે શરૂ થઈ હતી. ભારતને ઘરઆંગણે કોઈ ટીમે હરાવ્યું હોય એવું છેલ્લે છેક 2012માં બન્યું હતું જેમાં ઇંગ્લૅન્ડ સામે ભારતનો પરાજય થયો હતો.

2021-’22માં સાઉથ આફ્રિકા સામેની હાર પછી ભારત (હોમ ગ્રાઉન્ડ પર કે વિદેશમાં) ટેસ્ટ-શ્રેણી હાર્યું જ નથી. અઢી વર્ષના આ સમયગાળામાં સાત ટેસ્ટ-સિરીઝ રમાઈ જેમાંથી છ ભારત જીત્યું અને એક શ્રેણી ડ્રૉ નીવડી છે.

કોઈ ટીમે એક ટેસ્ટના બન્ને દાવ મળીને 300-પ્લસ રન બનાવ્યા હોય એમાં ભારતનો 7.36નો રન-રેટ હાઇએસ્ટ છે. ભારતે સાઉથ આફ્રિકાનો 6.80ના રન-રેટનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. સાઉથ આફ્રિકાએ એ વિક્રમ 2005માં ઝિમ્બાબ્વે સામે નોંધાવ્યો હતો.

આ પણ વાંચો :Champions Trophy માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર નિર્ણય સરકાર કરશેઃ BCCI…

કોઈ ટેસ્ટ વરસાદના કે બીજા કોઈ કારણસર પાંચમા દિવસમાં ગઈ હોય અને એમાં સૌથી ઓછા બૉલ ફેંકાયા બાદ ટેસ્ટ પૂરી થઈ હોય એમાં કાનપુરની ટેસ્ટનો નંબર ત્રીજો છે: (1) 2000માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ ટેસ્ટમાં કુલ 883 બૉલ ફેંકાયા હતા. (2) 2022માં ઓવલમાં ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા ટેસ્ટમાં 909 બૉલ ફેંકાયા હતા. (3) કાનપુરમાં મંગળવારે પૂરી થયેલી ભારત-બાંગ્લાદેશની ટેસ્ટમાં 1,040 બૉલ ફેંકાયા હતા.

યશસ્વી જયસ્વાલ ભારતનો એવો પ્રથમ બૅટર છે જેણે ટેસ્ટના બન્ને દાવમાં 50થી પણ ઓછા બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી. તેણે સોમવારે પહેલા દાવમાં હાફ સેન્ચુરી 31 બૉલમાં અને મંગળવારે બીજા દાવમાં 43 બૉલમાં પૂરી કરી હતી.

ડબ્લ્યૂટીસીના પૉઇન્ટ્સ-ટેબલમાં બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલાં ભારત મોખરે હતું અને હજી પણ છે, પરંતુ ફરક એ પડ્યો છે કે પ્રથમ નંબરના ભારત અને બીજા નંબરના ઑસ્ટ્રેલિયા વચ્ચેનો તફાવત વધી ગયો છે. ભારતના 74.27 પૉઇન્ટ સામે ઑસ્ટ્રેલિયાના 62.50 પૉઇન્ટ છે. અગાઉ બન્ને દેશ વચ્ચે માત્ર નવ પૉઇન્ટનો તફાવત હતો જે હવે વધીને 12 પૉઇન્ટ થઈ ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button