નવરાત્રીના નવ દિવસ આ મંદિરોમાં પણ જોવા મળશે ધમધમાટ
અમદાવાદઃ નવરાત્રીનું પર્વ આખા દેશમાં મનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં વિશેષ ઉત્સાહથી ઉજવાય છે. ગુજરાતની નવરાત્રી માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. દેશવિદેશના સહગેલાણીઓને પણ આકર્ષે તે માટે ગુજરાત સરકાર નવરાત્રી સમય ખાસ આયોજનો કરતી હોય છે. આ વખતે પણ સરકારે આવા યોજનો કર્યા છે. જેમાં ભક્તિભાવ માટે હજારોની સંખ્યામાં આવતા ભક્તજનોને પણ પૂરો લાભ મળે તે માટે મંદિરોમાં પણ વિશેષ વ્યવસ્થાઓ કરી છે.
આગામી 3જી ઓક્ટોબરથી નવવરાત્રી પર્વની ઉજવણી શરૂ થવાની છે. ત્યારે ગુજરાતના નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ નવ મંદિરો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે
તેમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા જણાવાયુ છે.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન મુળુભાઈ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી 3જીથી 11મી ઓક્ટોબર અને મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે 3જીથી 12મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : વિશેષ: આરાધના ને અધ્યાત્મનો અવસર છે નવલી નવરાત્રી
આ ઉપરાંત રાજ્યમાં માતાજીના અન્ય સાત દેવસ્થાન ખાતે પણ એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં દેવભૂમિ દ્વારકાનાં હરસિદ્ધ માતા મંદિર ખાતે પણ 4થી ઓક્ટોબરે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. મહેસાણા જિલ્લાના શ્રી ઉમિયા માતા મંદિર-ઊંઝા તથા કચ્છના શ્રી આશાપુરા માતાજીના મઢ ખાતે 5મી ઓક્ટોબર, પંચમહાલના શ્રી મહાકાળી મંદિર-પાવાગઢ ખાતે 7મી ઓક્ટોબર, અમદાવાદના શ્રી ભદ્રકાલી મંદિર ખાતે 8મી ઓક્ટોબર, સુરેન્દ્રનગરના શ્રી ચામુંડા માતા મંદિર-ચોટીલા તથા મહેસાણાના શ્રી મોઢેશ્વરી માતા મંદિર-મોઢેરા ખાતે 9મી ઓક્ટોબરના રોજ નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
દેશ-દુનિયામાં જાણીતા અને ગુજરાતના ગૌરવ સમાન ગરબા આજે વૈશ્વિક ઓળખ બન્યા છે, ત્યારે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ‘સાંસ્કૃતિક વિરાસત’ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે વધુમાં વધુ ભક્તોને માતાજીની આરાધના કરવાનો લ્હાવો મળી રહે તે માટે માતાજીનાં શક્તિપીઠ તેમજ દેવસ્થાનો ખાતે ભવ્ય આયોજન હાથ ધરાયું છે. આ માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં સામાન્ય નાગરીકોને પણ જોડાઈને માતાજીની આરાધનામાં સહભાગી થઇ શકશે. ગાંધીનગર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગે આ શક્તિ આરાધનાના પર્વમાં લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો છે.