અમેરિકા જવાનું સપનું જોનારા ભારતીયો જાણી લે તેમના કામની આ વાત…
નવી દિલ્હીઃ અમેરિકાએ આ વર્ષે ફરી એકવાર ભારત માટે રેકોર્ડ સંખ્યામાં વિઝા જારી કર્યા છે. સોમવારે અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે પ્રવાસીઓ, કુશળ કામદારો (સ્કીલ્ડ વર્કર્સ) અને વિદ્યાર્થીઓ સહિત ભારતીય પ્રવાસીઓ માટે બે લાખ 50 હજાર વધારાની વિઝા અપોઈન્ટમેન્ટ સ્લોટ્સ ખોલ્યા છે. આ ઉનાળામાં વિદ્યાર્થી વિઝા સીઝન દરમિયાન અમેરિકાએ રેકોર્ડ સંખ્યામાં અરજીઓ પર પ્રક્રિયા કરવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જારી કરવામાં આવેલા નવા સ્લોટ્સ હજારો ભારતીય કામદારોને સમયસર વીઝા મેળવવામાં સહાયરૂપ થશે.
આ પણ વાંચો :અમેરિકાના ફ્લોરીડાના કસિનોમાંથી 2 બોમ્બ મળી આવતા ખળભળાટ
અમેરિકાએ એમ જણાવ્યું હતું કે પ્રથમ વખતના તમામ વિદ્યાર્થી અરજદારો ભારતમાં અમારા ચાર કોન્સ્યુલેટમાંથી એકમાં એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. 2024માં અત્યાર સુધીમાં 1.2 મિલિયનથી વધુ ભારતીયોએ યુએસની યાત્રા કરી છે, જે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં 35 ટકા વધારે છે.
યુએસએએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2024 ના ઉનાળામાં સ્ટુડન્ટ વિઝાની સિઝન દરમિયાન અમારા પાંચ કોન્સ્યુલર વિભાગોમાં રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.
ભારત સ્થિત અમેરિકન એમ્બેસેડર એરિક ગારસેટીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિએ વિઝા પ્રક્રિયાને સુધારવા માટે અને તેને ઝડપી બનાવવા માટે કામ કરવાનું નક્કી કર્યું છે અને મને એ કહેતા ગર્વ થાય છે કે અમે તે વચન પૂરું કર્યું છે. એમ્બેસી ખાતેની અમારી કોન્સ્યુલર ટીમો અને ચાર કોન્સ્યુલેટ ઈન્ડિયાની વધતી માંગને પહોંચી વળવા માટે અથાક રીતે કામ કરી રહી છે. ભારતે જણાવ્યું છે કે આનાથી ભારત અમેરિકાના સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. 2023 માં અમેરિકાએ 1.4 લાખથી વધુ સ્ટુડન્ટ્સ વિઝા જારી કર્યા હતા.
ગયા અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સની તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત સરકાર બોસ્ટન અને લોસ એન્જલસમાં બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલશે. યુએસ મિશન અનુસાર, 60 લાખ ભારતીયો પાસે પહેલાથી જ યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવા માટે નોન-ઇમિગ્રન્ટ વીઝા છે.