Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
બેંગકોક: થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકારીઓએ આપી છે.
જ્યારે અકસ્માત દરમિયાન દાઝી જવાથી ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. આગ ઓલવવામાં અને પીડિતોને મદદ કરવામાં સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા હતા.
મીડિયા અહેવાલ અનુસાર બસ ઉથાઈ થાનીની એક શાળાના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેમાં આગ લાગી હતી. બચાવકર્મીઓએ જણાવ્યું હતું કે આગમાં ઘણા યુવાન યાત્રીઓના મૃત્યુ પામ્યા છે અને ઘાયલ થયા હતા. ટ્રાફિક રેડિયો નેટવર્કે રાત્રે 12.30 વાગ્યે જીર રંગસિટ શોપિંગ મોલ પાસે ઇનબાઉન્ડ ફાહોન યોથિન રોડ પર બસમાં આગ લાગવાની જાણ કરી હતી.
ફાયર એન્ડ રેસ્ક્યુ થાઈલેન્ડ અને થાઈ પીબીએસએ જણાવ્યું હતું કે બસ ઉથાઈ થાનીના લેન સેક જિલ્લાના વાટ ખાઓ પ્રયા સંગખારમથી 38 વિદ્યાર્થીઓ અને છ શિક્ષકોને શૈક્ષણિક પ્રવાસ પર લઈ જઈ રહી હતી. ટ્રાફિક પોલીસ રેડિયોએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં અનેક મુસાફરો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.